Money9 Gujarati:
મુશ્કેલીનો સામનો કરી રહેલી ફિનટેક કંપની Paytmના શેરમાં બે દિવસમાં 40 ટકાનો ઘટાડો થયો છે. તેની પેરન્ટી કંપની One 97 Communications Ltd શેરબજારમાં લિસ્ટેડ છે અને આ તકનો લાભ લઈને Morgan Stanleyએ 2 ફેબ્રુઆરીએ 244 કરોડ રૂપિયામાં ઓપન માર્કેટમાંથી 0.8 ટકા હિસ્સો ખરીદ્યો છે. Morgan Stanley Asia Singapore Pte (ODI)એ શેર દીઠ 487.2 રૂપિયા કિંમત ચૂકવીને કુલ 50,00,000 શેર ખરીદ્યા હોવાની વિગતો નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઉપલબ્ધ બલ્ક ડીલ્સના આંકડા પરથી મળે છે.
Paytmનો શેર 1 ફેબ્રુઆરીએ 20 ટકા તૂટ્યો હતો અને 2 ફેબ્રુઆરીએ પણ તેમાં 20 ટકાની લોઅર સર્કિટ વાગી હતી. 31 જાન્યુઆરીએ Paytmનો શેર 761 રૂપિયાનો હતો. પરંતુ RBIના કડક પગલાંની જાહેરાત બાદ ભાવ 487 રૂપિયાની 52-સપ્તાહની બોટમે પહોંચી ગયો છે.
RBIએ Paytm પેમેન્ટ્સ બેન્કને તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો લેવાની ના પાડી દીધી છે તેમજ 29 ફેબ્રુઆરી બાદ ડિપોઝિટ કે ક્રેડિટ સ્વીકારવાની પણ ના પાડી દીધી છે. કમ્પ્લાયન્સનું પાલન ન કરવા બદલ કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેને તમામ પ્રકારની બેન્કિંગ સર્વિસિસ ઓફર બંધ કરવા જણાવ્યું છે.
Paytmને અપેક્ષા છે કે, RBIના પગલાંથી અત્યંત ખરાબ પરિસ્થિતિમાં તેની વાર્ષિક EBITDAમાં 300-500 કરોડ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. જોકે, કંપનીએ જણાવ્યું છે કે, તે ધીમે ધીમે નફાકારકતાના માર્ગ પર આગળ વધશે. RBIના કડક પગલાં બાદ વિવિધ બ્રોકરેજ હાઉસિસે પેટીએમના શેરનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે અને ટાર્ગેટ પ્રાઈસ પણ ઘટાડી દીધા છે.
પેટીએમમાં 2 લાખ રૂપિયાથી ઓછું રોકાણ હોય તેવા ઈન્વેસ્ટર્સ પાસે 8 કરોડ 15 લાખ 47 હજાર 756 શેર્સ છે. પેટીએમના કુલ શેરહોલ્ડર્સમાં નાના રોકાણકારોનો હિસ્સો 12.85 ટકા છે. આ ઉપરાંત, 34 FDI ઈન્વેસ્ટમેન્ટનો હિસ્સો 45.08 ટકા છે. 451 FPI પાસે 17.69 ટકા હિસ્સો છે. કુલ 23 મ્યુચ્યુઅલ ફંડ પાસે 4.99 ટકા હિસ્સો છે જ્યારે 6 વીમા કંપની પાસે પેટીએમના 0.40 ટકા શેર્સ છે. મોટા ગજાનાં રોકાણકારોમાં કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ, બીએનપી પારિબા આર્બિટ્રાજ, મિરેઈ મ્યુચ્યુઅલ ફંડ અને નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે. આ તમામ રોકાણકારોને જબરજસ્ત ખોટ ગઈ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો