Money9 Gujarati:
Mamaearth IPO: જાણીતી બ્યુટી અને પર્સનલ કેર બ્રાન્ડ Mamaearthનો IPO 31 ઓક્ટોબરથી ઓપન થઈ રહ્યો છે. Mamaearth IPOમાં રોકાણકારોને કમાણી થાય કે ન થાય, પરંતુ તેના વર્તમાન શેરહૉલ્ડર્સ અને પ્રમોટર્સને તગડી કમાણી થવાનું નક્કી છે. જેમકે, અભિનેત્રી શિલ્પા શેટ્ટીને સીધેસીધું 8 ગણું રિટર્ન મળી જશે જ્યારે Snapdealના સ્થાપક કુણાલ બહલને તો 100 ગણું વળતર મળી જશે.
કેટલો છે પ્રાઈસ બેન્ડ?
Mamaearthની માલિકી Honasa Consumer પાસે છે અને આ કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ થશે. કંપનીએ તેના IPO માટે પ્રાઈસ બેન્ડની જાહેરાત કરી દીધી છે. કંપની એક શેર 308થી 324 રૂપિયાના બેન્ડમાં ઑફર કરશે. Honasa Consumerનો IPO 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. શેરની ફાળવણી 7 નવેમ્બરે થશે અને 9 નવેમ્બરે રોકાણકારોના ડિમેટ ખાતામાં શેર જમા થઈ શકે છે. તેના શેરનું લિસ્ટિંગ 10 નવેમ્બરે થવાની શક્યતા છે.
IPOનું કદ અને કંપનીનું વેલ્યુએશન
Mamaearthના IPOમાં 365 કરોડ રૂપિયા સુધીના ફ્રેશ શેર્સની સાથે સાથે 4.12 કરોડ શેર્સની ઑફર ફૉર સેલ (OFS) પણ સામેલ છે. તેના અપર પ્રાઈસ બેન્ડ મુજબ કંપનીના IPOનું કદ 1,701.44 કરોડ રૂપિયા થાય છે અને કંપનીનું વેલ્યુએશન 10,424.53 કરોડ રૂપિયા થાય છે. IPOમાં Honasa કંપનીના પ્રમોટર વરુણ અલઘ 31,86,300 શેર્સ વેચશે જ્યારે તેમના પત્ની ગઝલ અલઘ 1,00,000 શેર્સ વેચશે. આ ઉપરાંત, શિલ્પા શેટ્ટી કુંદ્રા, કુણાલ બહલ, રિષભ કર્ષ મારીવાલા, Fireside Ventures Fund, Sofina, Stellaris અને રોહિત કુમાર બંસલ પણ પોતાના શેર્સ OFS દ્વારા વેચશે.
શિલ્પા શેટ્ટીને ચાંદી જ ચાંદી
Mamaearth IPOમાં કંપનીના અમુક પ્રમોટર્સ અને શેરહૉલ્ડર્સ પોતાના શેર વેચી રહ્યાં છે અને તેમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા પણ સામેલ છે. શિલ્પા શેટ્ટી 5,54,700 શેર્સ વેચી રહી છે. શિલ્પા શેટ્ટીએ એક શેર ખરીદવા માટે સરેરાશ 41.86 રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે હિસાબે તેનો કુલ ખર્ચ 2.32 કરોડ રૂપિયા થાય છે. કંપનીએ IPOમાં 308થી 324નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે, એટલે કે તેનો એક શેર 324 રૂપિયાના ભાવે વેચશે. આમ, શિલ્પા શેટ્ટીને 5,54,700 શેર વેચવાથી 17,97,22,800 રૂપિયા (324 x 5,54,700) મળશે અને 15.65 કરોડ રૂપિયાનો ફાયદો થશે.
કુણાલ બહલને 100 ગણું રિટર્ન
Snapdealના સહ-સ્થાપક કુણાલ બહલ અને રોહિત બંસલે 2018માં Honasaમાં રોકાણ કર્યું હતું. આ બંને રોકાણકારે એક શેર ખરીદવા માટે 3.21 રૂપિયા ખર્ચ્યા હતા અને IPOમાં બંને રોકાણકાર પોતપોતાના 11,93,250 શેર્સ વેચશે. આ ભાવે 38.30 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને હવે 324 રૂપિયાના ભાવે શેર વેચાશે એટલે 38.67 કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત, Marico કંપનીના રિષભ હર્ષ મારીવાલાની વાત કરીએ તો, તેમણે એક શેર ખરીદવા માટે સરેરાશ 6.05 રૂપિયાનો ખર્ચ કર્યો હતો, એટલે તેમને 53 ગણું વળતર મળશે.
કંપનીની આવક અને ખોટ
કંપનીની શરૂઆત વર્ષ 2016માં વરુણ અલઘ અને ગઝલ અલઘે કરી હતી. આમ, માત્ર 7 વર્ષમાં આ કંપનીએ જબરજસ્ત વૃદ્ધિ કરીને 1,500 કરોડ રૂપિયાની આવક મેળવવા સુધીની સફર ખેડી છે. Honasa Consumerના પોર્ટફોલિયોમાં Mamaearth, The Derma Co, Aqualogica, Ayuga અને BBlunt જેવી બ્રાન્ડ્સ સામેલ છે. કંપનીનો દાવો છે કે, નાણાકીય વર્ષ 2022-23માં આવકના સંદર્ભમાં તે ભારતની સૌથી મોટી ડિજિટલ-ફર્સ્ટ બ્યુટી અને પર્સનલ કેર કંપની છે. નાણાકીય વર્ષ 2020-21થી 2022-23ની વચ્ચે કંપનીને ઓપરેશન્સમાંથી થતી આવક 80.14 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી છે અને 2022-23માં 1,492.75 કરોડ રૂપિયાએ પહોંચી છે. પરંતુ કંપનીની ચોખ્ખી ખોટ 144.8 કરોડ રૂપિયા થઈ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો