Money9 Gujarati:
ભારતનાં ઉડ્ડયન ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવતી એરલાઈન ઈન્ડિગોએ 500 વિમાનનો મેગા-ઓર્ડર આપીને ઈતિહાસ રચ્યા બાદ તેના શેર તેજીની ઉડાન ભરી રહ્યાં છે. 20 જૂન-મંગળવારે InterGlobe Aviation (ઈન્ડિગો)નો શેર 3 ટકા વધીને રૂ.2,499ની નવી ટોચે પહોંચી ગયો હતો. હવે દલાલ સ્ટ્રીટમાં ચર્ચા છે કે, ઈન્ડિગોનો શેર રૂ.3,000 તરફ સફર શરૂ કરશે. બ્રોકરેજ હાઉસિસ પણ ઈન્ડિગોના શેર માટે બુલિશ છે અને રૂ.3,200 સુધીના ટાર્ગેટ ભાવ આપી રહ્યાં છે.
બ્રોકર્સનો વ્યૂઃ
Morgan Stanleyએ રૂ.3,126નો ટાર્ગેટ નક્કી કરીને Buy રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે જણાવ્યું છે કે, નવા વિમાનોનો ઓર્ડર પૂરો થવાથી ઈન્ડિગોને ક્ષમતા વધારવામાં મદદ મળશે. બજારહિસ્સો અને માર્જિન જળવાઈ રહેશે. વિમાનોના બલ્ક ઓર્ડર, છ વર્ષની ઓપરેટિંગ લીઝ અને નેક્સ્ટ-જનરેશનના ફ્યુઅલ-એફિશિયન્ટ વિમાનોનો કાફલો મળવાથી કંપની તેના ખર્ચને નીચે રાખી શકશે.
ICICI સિક્યૉરિટીઝે જણાવ્યું છે કે, ખર્ચની રીતે ઈન્ડિગોએ સફળતાપૂર્વક અસરકારક એરલાઈન ઓપરેશન ઊભું કર્યું છે અને વિમાનોના કાફલાનું સંચાલન કરવાની કંપનીની આવડત તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. ICICI સિક્યૉરિટીઝે FY25ની અંદાજિત રૂ.120ની EPS (25 times)ના આધારે રૂ.3,000નો ટાર્ગેટ પ્રાઈસ યથાવત્ રાખ્યો છે અને ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે. તેણે નોંધ્યું છે કે, “ઈન્ડિગો ક્ષમતામાં વધારો કરવા માટે એડવાન્સમાં ઓર્ડર આપવા માટે જાણીતી છે અને તેનો ફાયદો પણ થયો છે. કંપનીની કેશફ્લો જળાઈ રહી છે અને ખર્ચ નીચે રાખવામાં મદદ મળી છે.”
શેર ઓલ-ટાઈમ હાઈ લેવલે BSE પર મંગળવારે ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન, ઈન્ડિગોનો શેર 2.76 ટકા વધીને રૂ.2,499.95ની 52-સપ્તાહની નવી હાઈ સપાટીએ પહોંચ્યો હતો અને અંતે રૂ.2,438.35એ બંધ રહ્યો હતો. 2023માં અત્યાર સુધીમાં ઈન્ડિગોનો શેર 20 ટકા વધ્યો છે જ્યારે છેલ્લાં એક વર્ષ દરમિયાન તેમાં 58 ટકા વળતર મળ્યું છે.
500 વિમાનનો $50Bનો સોદો
ઉલ્લેખનીય છે કે, પેરિસ એર શોમાં ઈન્ડિગોએ ફ્રાન્સની એરબસ સાથે 500 વિમાન ખરીદવાનો સોદો કર્યો છે. આ સોદો લગભગ 50 અબજ ડૉલરમાં થયો છે. એરબસ દ્વારા ઈન્ડિગોને A320 અને A321 વિમાનોનો સપ્લાય કરવામાં આવશે. ઈન્ડિગોએ કરેલો આ સોદો સિંગલ એરક્રાફ્ટ માટે એરબસ સાથે કોઈ પણ એરલાઈને કરેલો સૌથી મોટો સોદો છે. ઈન્ડિગોએ પણ પહેલીવાર આટલા બધા વિમાન ખરીદવાની ડીલ કરી છે. વિમાનોમાં કયા એન્જિન વાપરવામાં આવશે તેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે, એમ ઈન્ડિગોએ જણાવ્યું છે.
ઈન્ડિગો અત્યારે 304 વિમાનો દ્વારા ફ્લાઈટ્સનું સંચાલન કરે છે અને અગાઉ પણ તેણે 480 વિમાનોનો ઓર્ડર આપેલો છે, જેની ડિલિવરી 2030 સુધીમાં મળવાની છે. 500 વિમાનના તાજા ઓર્ડર બાદ ઈન્ડિગોના કાફલામાં 2035 સુધીમાં 1,000થી પણ વધારે વિમાનો સામેલ થશે અને કુલ સંખ્યા 1,300ને પાર થઈ જશે. ઈન્ડિગોએ આપેલા ઓર્ડરમાં A320NEO, A321NEO અને A321XLR એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
ખર્ચ ઘટાડવામાં મદદ મળશે
પ્રભુદાસ લીલાધરના રિસર્ચ એનાલિસ્ટ જિનેશ જોષી કહે છે કે, “ઈન્ડિગોને A320NEO Family વિમાન મળવાથી તે ઈંધણ ખર્ચ ઘટાડી શકશે અને ખર્ચમાં ઘટાડો જાળવી શકશે. ખર્ચ ઘટવાથી કંપની આગામી વર્ષો સુધી ઝડપભેર વૃદ્ધિ કરનારી એરલાઈનનું બિરુદ પણ જાળવી શકશે.”
મોતીલાલ ઓલવાલ સિક્યૉરિટીઝે નોંધ્યું છે કે, “ઈન્ડિગોએ કામકાજ શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં એરબસને 1,330 વિમાનનો ઓર્ડર આપ્યો છે. તાજા A320NEO ફેમિલી એરક્રાફ્ટને કારણે ઈન્ડિગોને ઓપરેટિંગ કોસ્ટ નીચે રાખવામાં મદદ મળશે. કંપનીને પર્યાવરણ સંબંધિત લક્ષ્ય હાંસલ કરવામાં પણ મદદ મળશે. કંપનીએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે જે લક્ષ્ય નક્કી કર્યાં છે તે સરળતાથી હાંસલ થઈ શકશે. નાણાકીય વર્ષ 2016-23માં ઈન્ડિગોએ co2માં 21 ટકા ઘટાડો પણ કર્યો છે.”
ટેકનીકલ InCred Equitiesના વાઈસ પ્રેસિડન્ટ ગૌરવ બિસ્સા કહે છે કે, ઈન્ડિગોએ રૂ.2,150ના લેવલે વીકલી ચાર્ટ્સ પર સિમેટ્રિકલ ટ્રાએન્ગલ પેટર્ન બ્રેકઆઉટ નોંધાવી છે, જેના કારણે શેરને રૂ.2,400ના લેવલ તરફ આગેકૂચ કરવા મળી છે. ઈન્ડિગોના શેરમાં ફ્રેશ લાઈફટાઈમ હાઈ બન્યા બાદ તેણે વીકલી ચાર્ટ પર બેરિશ હાર્મોનિક શાર્ક પેટર્ન બનાવી છે, જે રિવર્સલ પેટર્ન છે. તે સૂચવે છે કે, એક વખત શેર રૂ.2,350 લેવલની નીચે બંધ રહેશે એટલે તે રૂ.2,150ના લેવલ સુધી જઈ શકે છે. અત્યારે તો શેર તેના મેજર સ્વિંગ હાઈ લેવલની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જેના કારણે બાઈંગ ઈન્ટરેસ્ટ જળવાઈ રહ્યો છે. રૂ.2,550નું લેવલ રઝિસ્ટન્સ દર્શાવે છે. વર્તમાન ભાવે ફ્રેશ બાઈંગ માટે રિસ્ક રિવોર્ડ યોગ્ય નથી અને જે ટ્રેડર્સ પાસે શેર હોય તેમણે થોડો ઘણો પ્રોફિટ બૂક કરી લેવો જોઈએ, એમ બિસ્સા બિઝનેસટુડેને જણાવે છે.
સંબંધિત ખબરઃ ઈન્ડિગોએ એકસાથે 500 વિમાનનો ઑર્ડર આપીને ઈતિહાસ રચ્યો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો