Money9 Gujarati: શેરબજારોમાં 15 ટકા ઉછાળો આવશે અથવા તો 25 ટકાનું ગાબડું પડશે. 2024માં જનરલ ઈલેક્શન છે અને આ ઘટના શેરબજારો માટે વાઈલ્ડ કાર્ડ બની રહેશે. જો મોદી સરકાર જીતશે તો નિફ્ટી ઈન્ડેક્સ 25,000ના લેવલે પહોંચી જશે અને આવું નહીં થાય, તો શેરબજારમાં ગાબડાં પડશે.
અત્યારે નિફ્ટી50 ઈન્ડેક્સ 21,600ના લેવલે છે. 2023માં નિફ્ટીમાં 20 ટકા વધારો નોંધાયો છે. જેપી મોર્ગને જણાવ્યું છે કે, ચૂંટણીમાં ભાજપની હારની સાથે સાથે, જો કેટલાક નેગેટિવ પરિબળ સક્રિય થશે તો શેરબજારમાં મોટો ઘટાડો આવી શકે છે. જો વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વધશે, મંદી ઘેરી બનશે, જિઓપોલિટકલ ટેન્શન વધશે, ક્રૂડ ઓઈલના ભાવ વધશે અને ભારતમાં બેરોજગારી વધશે તો નિફ્ટી ઈન્ડેક્સ ઘટીને 16,000ના લેવલે પહોંચી શકે છે.
જેપી મોર્ગને એશિયામાં રોકાણ માટે ભારત, વિએતનામ અને જાપાન પર પસંદગી ઉતારવાની સલાહ આપી છે. લાંબા ગાળા માટે એશિયાના આ ત્રણેય માર્કેટ્સનું ભવિષ્ય ઊજળું દેખાઈ રહ્યું છે. 2024માં એશિયાના હરીફ અર્થતંત્રોની તુલનાએ ભારતનું અર્થતંત્ર મજબૂત વૃદ્ધિદર નોંધાવી શકે છે.
2024માં ભારતનો જીડીપી વૃદ્ધિદર 6.3 ટકા રહેવાની સંભાવના ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વ્યક્ત કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિદર 7 ટકાની ઉપર રહેવાની સંભાવના છે. તેની સામે ચીન 2023માં 5 ટકાના દરે વૃદ્ધિ કરી શકશે કે નહીં તેને લઈને પણ સવાલો થઈ રહ્યાં છે.
ભારતીય કંપનીઓની કમાણી વધી રહી છે. વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા છે. સ્થાનિક રોકાણકારો સતત રોકાણ કરી રહ્યાં છે. આ તમામ પરિબળોને કારણે ભારતીય સ્ટોક માર્કેટ્સને મજબૂત ટેકો મળી રહ્યો છે. આ તમામ પરિબળોને લીધે નિફ્ટી50 ઈન્ડેક્સ આવતા વર્ષે પણ રેકોર્ડ ઊંચાઈઓ હાંસલ કરવા સક્ષમ છે, એમ જેપી મોર્ગને નોંધ્યું છે.
જેપી મોર્ગનના મતે, ભારતમાં 2024માં થનારી સામાન્ય ચૂંટણી વાઈલ્ડકાર્ડ સમાન છે. જો સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી ફરી સત્તા પર આવશે તો નિફ્ટી50 ઈન્ડેક્સ 2024માં 25,000ના લેવલે પહોંચી શકે છે. અત્યારે નિફ્ટી50 ઈન્ડેક્સ 21,600ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે અને તે પ્રમાણે, 25,000નું સ્તર 15 ટકા જેટલો ઉછાળો દર્શાવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો