Money9 Gujarati:
IdeaForge IPO: ડ્રોન બનાવતી કંપની આઈડિયાફોર્જ ટેકનોલોજી (IdeaForge Technology)ના રોકાણકારો માલામાલ થઈ ગયા છે. કંપનીએ શુક્રવારે શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે અને પહેલાં દિવસે જ ધૂમ મચાવી છે. કંપનીનો શેર લગભગ ડબલ થઈ ગયો છે. જે રોકાણકારોને IdeaForge IPOમાં શેર લાગ્યા હતા, તેમણે બમણો ફાયદો થયો છે, કારણ કે, શેરનું લિસ્ટિંગ 94.21 ટકાના પ્રીમિયમ સાથે થયું હતું.
Rs 1,344ની હાઈ બનાવી
કંપનીએ IPOમાં રૂ.672ના ભાવે શેર આપ્યા હતા, જેની સામે તેનું લિસ્ટિંગ BSE પર રૂ.1,305.10ના ભાવે થયું હતું. ઈન્ટ્રા-ડે કામકાજ દરમિયાન ભાવ રૂ.1,344ની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. NSE પર શેરનું લિસ્ટિંગ 93.45 ટકાના પ્રીમિયમે રૂ. 1,300ના ભાવે થયું હતું અને બાદમાં ઈન્ટ્રા-ડે કામકાજ દરમિયાન ભાવ રૂ.1,343.95ની સપાટીએ પહોંચી ગયો હતો.
રોકાણકારોમાં પડાપડી
ઉલ્લેખનીય છે કે, IdeaForgeના રૂ.567 કરોડના IPOને રોકાણકારોએ વધાવી લીધો હતો અને કંપનીને 106.05 ગણી બિડ મળી હતી. 2021 બાદ પહેલી વખત કોઈ કંપનીના IPOને આટલી મોટી સંખ્યામાં સબ્સક્રિપ્શનની અરજીઓ મળી હતી. 100 ગણાથી પણ વધારે બિડ મળી હોય તેવો IdeaForge Technologiesનો IPO 2021 પછીનો પહેલો IPO બન્યો છે. તેના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ. 510થી રૂ.515 સુધી ચાલતું હતું અને વધીને શેર દીઠ રૂ. 530ને પાર થઈ ગયું હતું.
IPO અંગે એક્સપર્ટ શું કહે છે તે જાણવા માટે જુઓ અમારો ખાસ શો.
પ્રોફિટ બૂકિંગની સલાહ
પહેલેથી જ આ શેરમાં ફાયદો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને મોટા ભાગના એનાલિસ્ટ્સે બુલિશ વ્યૂ વ્યક્ત કરીને લાંબા ગાળા માટે આ શેરમાં રોકાણ કરવાની ભલામણ કરી હતી. જોકે, હવે બજારનાં નિષ્ણાતો પ્રોફિટ બૂકિંગની સલાહ આપી રહ્યાં છે, કારણ કે તેનું વેલ્યુએશન મોંઘું થઈ ગયું છે.
લાંબા ગાળા માટે સારો શેર
સ્ટોક માર્કેટના એક્સપર્ટ અને Mantri Finmartના સ્થાપક અરુણ મંત્રીનું કહેવું છે કે, “જો 3 વર્ષ કરતાં વધુ સમય માટે શેર રાખી મૂકવાની ઈચ્છા હોય તો IdeaForge લાંબા ગાળા માટે એક સારો શેર છે. જો તમને IPOમાં શેર લાગ્યા હોય તો નફો અંકે કરી લેવો જોઈએ. ટૂંકા ગાળાની યોજના હોય તો આ શેરમાં રોકાણ કરવું યોગ્ય નથી. કંપની ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને ભવિષ્યમાં તેનો બિઝનેસ તેજી સાથે આગળ વધતો રહેવાની શક્યતા છે.”
Stop Loss કેટલો રાખવો?
Swastika Investmartના ઈક્વિટી રિસર્ચ એનાલિસ્ટ અનુભૂતિ મિશ્રા કહે છે કે, “IdeaForgeમાં રોકાણની એક સારી તક હતી અને તેમાં કોઈ શંકા નહોતી. કંપનીએ અપેક્ષા મુજબ જબરજસ્ત વળતર આપ્યું છે અને રોકાણકારોને ખુશ કરી દીધા છે. પરંતુ હવે રોકાણકારોએ પ્રોફિટ બૂક કરીને પોતાની પોઝિશન ખાલી કરી દેવી જોઈએ. આ શેર તેની ઈશ્યૂ પ્રાઈસ કરતાં નોંધપાત્ર પ્રીમિયમે ટ્રેડ થઈ રહ્યો છે અને કંપની સાથે અમુક બિઝનેસ-રિલેટેડ રિસ્ક છે. આથી, જે નફો મળ્યો છે તે લઈને નીકળી જવામાં જ સમજદારી છે. જો તમે આક્રમક રોકાણકાર હોવ તો રૂ.1,170ના સ્ટોપ લોસ સાથે આ શેર રાખી શકો છો.”
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો