Money9 Gujarati:
ભારતનાં શેરબજારમાં જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે IPO આવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ IPO ભારતનો સૌથી મોટો IPO બની રહેવાની ધારણા છે અને તે LICના મેગા-IPOનો પણ રેકોર્ડ તોડી નાખશે. આ IPO છે હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાનો. ભારતની બીજા ક્રમની કાર કંપની હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયા (Hyundai Motor India)નો IPO 27,390 કરોડ રૂપિયાથી 46,480 કરોડ રૂપિયાનો રહેવાની અપેક્ષા છે.
દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડેઈ મોટર્સની ભારતીય શાખા Hyundai Motor India ચાલુ વર્ષે નવેમ્બરમાં તેનો IPO લોન્ચ કરી શકે છે. જોકે, કંપનીએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી. હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાની શરૂઆત 6 મે 1996ના રોજ થઈ હતી. કંપનીની શરૂઆત થઈ તેના 28 વર્ષ બાદ તે શેરબજારમાં લિસ્ટિંગ કરાવશે.
મારુતિ સુઝુકી ઈન્ડિયા ભારતની નંબર-1 કાર કંપની છે અને બીજા ક્રમે હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયા છે. વિશ્વની ટોપ ઈન્વેસ્ટમેન્ટ બેંકો હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાના IPOનું કામકાજ મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે. ગોલ્ડમેન સૅશ, સિટી, મોર્ગન સ્ટેનલી, જેપીમોર્ગન, બેંક ઓફ અમેરિકા, HSBC, ડોઈશ બેંક અને UBSના પ્રતિનિધિઓએ ગયા સપ્તાહે દક્ષિણ કોરિયામાં હ્યુન્ડેઈ સમક્ષ રજૂઆત કરી હતી.
બેન્કર્સ કંપનીનું મૂલ્ય $22-28 બિલિયન આંકે છે, જેનું સંભવિત માર્કેટ કેપ 1.82-2.32 લાખ કરોડ રૂપિયા છે. મીડિયા અહેવાલ અનુસાર, હ્યુન્ડાઇ 27,390 કરોડથી 46,480 કરોડ રૂપિયા એકત્ર કરવાના લક્ષ્ય સાથે 15-20 ટકાના ડાયલ્યુટ કરવાની સંભાવના તપાસી રહી છે. આ પહેલા LICનો IPO 21,000 કરોડ રૂપિયાનો આવ્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. જો હ્યુન્ડાઈનો આઈપીઓ આવે છે, તો તે એલઆઈસી કરતા બમણાથી વધારે હશે.
જો વેલ્યુએશનની વાત કરીએ તો હાલ મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી ઓટો કંપની છે, જેનું વેલ્યુએશન 3,32,909.88 કરોડ રૂપિયા છે. ટાટા મોટર્સનું વેલ્યુએશન 3,12,497.16 કરોડ રૂપિયા છે. જો હ્યુન્ડાઈ માર્કેટમાં લિસ્ટ થાય છે તો હ્યુન્ડાઈનું વેલ્યુએશન 2.32 લાખ કરોડ રૂપિયા થઈ જશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેલ્યુએશન 2.12 લાખ કરોડ રૂપિયાથી વધારે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો