Money9 Gujarati:
દેશનાં મુખ્ય શેરબજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ 9 ઑક્ટોબરથી ‘સ્ટૉપલૉસ માર્કેટ’ (SL-M) ઑર્ડર બંધ કરવાનો નિર્ણય લીધો છે. BSEએ પરંપરાગત અથવા અલ્ગો પદ્ધતિથી પેદા થતા ખોટા સોદાની ફાળવણી (erroneous order placement) અટકાવવા માટે આ નિર્ણય લીધો છે, જેનાથી નાના ટ્રેડર્સને ફાયદો થશે. તાજેતરમાં ‘ફ્રીક ટ્રેડ’ (freak trade)ની ઘટનાઓ સામે આવ્યા બાદ BSEએ આ પગલું ભર્યું છે. ફ્રીક ટ્રેડને લીધે સપ્ટેમ્બરના પ્રારંભે એક સ્ટૉપલૉસ માર્કેટ ઑર્ડરને લઈને ટ્રેડર્સમાં વ્યાપક નારાજગી જોવા મળી હતી. ફ્રીક ટ્રેડ એટલે બહુ ઓછા સમયમાં શેરના ભાવમાં અચાનક મોટો ઉછાળો કે ઘટાડો અને ફરી જૂનો ભાવ થઈ જવાની ઘટના.
સ્ટૉપ-લૉસ ઑર્ડર શું છે?
SL-M એક પ્રકારનો ઑર્ડર છે, જેમાં ટ્રિગર પ્રાઈસ હાંસલ થાય એટલે ઓટોમેટિકલી શેર કે સિક્યોરિટીનું બજાર ભાવે વેચાણ કે ખરીદી થાય છે.
સ્ટૉપ-લૉસ લિમિટ શું છે?
સ્ટૉપ-લૉસ લિમિટ (SL-L) સ્ટૉપ-લૉસ ઑર્ડરનો એક પ્રકાર છે, જેમાં એક રેન્જમાં ચોક્કસ કિંમતે સિક્યોરિટીની ખરીદી કે વેચાણ થાય છે.
BSEએ શું જણાવ્યું?
BSEએ 22 સપ્ટેમ્બરે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “ભૂલ ધરાવતા ઑર્ડરની ફાળવણી અટકાવવાના પગલાંના ભાગરૂપે ઈક્વિટી સેગમેન્ટ, ઈક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટ, કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટ અને કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સ્ટૉપ-લૉસ સોદા 9 ઑક્ટોબરથી બંધ થઈ જશે.”
એક્સપર્ટ શું કહે છે?
આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટૉક બ્રોકર્સના ઈન્વેસ્ટમેન્ટ સર્વિસિસના ફંડામેન્ટલ રિસર્ચ હેડ નરેન્દ્ર સોલંકીએ આ પગલાંને આવકાર્યું છે. તેમણે જણાવ્યું છે કે, ખામી ધરાવતા ઑર્ડર્સને અટકાવવા માટેનું આ એક સારું પગલું છે. આવા સોદાથી બજારોમાં બિનજરૂરી વોલેટાલિટી પેદા થાય છે અને નાના ટ્રેડર્સને નુકસાન પહોંચે છે. પરંતુ આ પગલાંથી નાના અને રિટેલ ટ્રેડર્સને ફાયદો થશે.
FYERSના સહ-સ્થાપક અને CEO તેજસ ખોડે કહે છે કે, “આ પગલું પોઝિટિવ અને પ્રગતિશિલ છે. તેનાથી બજારના તમામ વર્ગને ફાયદો થશે અને ટ્રેડિંગ પ્રોસેસને વધુ સુધારવામાં મદદ મળશે. માર્કેટની ક્વૉલિટી પણ સુધરશે. સ્ટૉપલૉસ માર્કેટને કારણે ઓછા વોલ્યુમ દરમિયાન પણ ભાવમાં ભારે ઉતારચઢાવ થાય છે, પરંતુ હવે તે બંધ થશે.” ખોડે કહે છે કે, આ પગલાંથી ટ્રેડર્સ ‘ફ્રીક ટ્રેડ’થી બચી શકશે અને NSEના નિયમોને અનુરૂપ કામકાજ કરી શકશે. NSEએ સપ્ટેમ્બર 2021માં SL-M ઑર્ડર બંધ કર્યાં હતા. ટ્રેડર્સ હવે SL-M ઑર્ડર્સની જગ્યાએ સ્ટોપ લોસ લિમિટ (SL-L) ઑર્ડર્સનો ઉપયોગ કરી શકશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો