Money9 Gujarati:
શેરબજારમાં તેજી હોવાથી રોકાણકારોની સંખ્યા વધી રહી છે. શેરબજારમાં રોકાણ કરવા માટે ડિમેટ ખાતુ ખોલાવવું પડે છે અને જૂન મહિનામાં 23.6 લાખ લોકોએ ડિમેટ ખાતા ખોલાવ્યા હોવાની માહિતી મળી છે. છેલ્લે 2022ના મે મહિનામાં 25 લાખ નવા ડિમેટ ખુલ્યા હતા અને ત્યારબાદ જૂનમાં આટલી મોટી સંખ્યામાં ડિમેટ ખાતા ખુલ્યા છે. નવા ડિમેટ ખાતા ખુલવાથી એક્ટિવ અકાઉન્ટની સંખ્યા પહેલીવાર 12 કરોડને વટાવી ગઈ છે. અનેક કંપનીઓ IPO લાવી રહી છે અને રોકાણકારોને તગડું વળતર આપી રહી હોવાથી રોકાણકારો શેરબજારમાં પ્રવેશી રહ્યાં છે અને તેના માટે ડિમેટ ખાતુ ખોલાવી રહ્યાં છે.
13 મહિનામાં સૌથી વધુ ખાતા ખુલ્યા
દેશની બે ડિપોઝીટરી – CDSL અને NSDL – બન્નેએ મળીને જૂનમાં કુલ 23.6 લાખ નવા એકાઉન્ટ્સનો ઉમેરો કર્યો હતો, જે મે-2022 પછીથી કોઈ એક જ મહિનામાં સૌથી વધુ છે. માર્કેટમાં તેજી અને પ્રાઈમરી માર્કેટમાં પણ ઢગલાબંધ ઈશ્યૂને કારણે નવા ડિમેટ એકાઉન્ટ મોટી સંખ્યામાં ખૂલ્યા હતા. સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસી લિમિટેડ (CDSL) અને નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL)ના ડેટા અનુસાર, જૂનમાં કુલ 23.6 લાખ નવા ડિમેટ ખાતા ખૂલ્યા હતા, જે છેલ્લાં 13 મહિનામાં સૌથી વધુ છે. મે-2022માં 25 લાખ નવા ડિમેટ ખાતા ખૂલ્યા હતા અને જૂન-2022માં 23 લાખ ડિમેટ ખાતા ખૂલ્યા હતા. આ સાથે દેશમાં કુલ ડિમેટ ખાતાની સંખ્યા 12.05 કરોડ થઈ ગઈ છે.
IPOને કારણે નવા ડિમેટ ખુલ્યા
સેન્સેક્સ અને નિફ્ટીમાં મે પછી જૂનમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી અને બન્ને ઈન્ડેક્સે તેમની ઐતિહાસિક નવી ટોચ બનાવી હતી. ઓક્ટોબર-2021 પછીથી આ સૌથી મોટી આગેકૂચ છે. જૂનમાં નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 5.9 ટકા વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 6.6 ટકા વધ્યો હતો. જૂનમાં 6થી વધુ IPO પણ આવ્યા હતા. IKIO Lighting, Ideaforge અને CYIENT DLM જેવા ઈશ્યૂમાં રિટેલ રોકાણકારોએ 10 લાખથી વધુ અરજી કરી હતી. તેને પગલે મોટાપાયે નવા ડિમેટ ખાતા ખૂલ્યા હતા.
કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ વધ્યું જૂનમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ ટર્નઓવર પણ વધીને 14 મહિનાની ટોચે પહોંચ્યું હતું. એવરેજ ડેઈલી ટર્નઓવર NSE અને BSE કેશ સેગમેન્ટમાં રૂ.67,491 કરોડ થયું હતું, જે એપ્રિલ 2022 પછીથી સૌથી વધારે છે. વાર્ષિક ધોરણે તેમાં 42 ટકાનો વધારો થયો હતો. ડેરિવેટિવ સેગેન્ટમાં એવરેજ ડેઈલી ટર્નઓવર રૂ.259 લાખ કરોડની નવી ઐતિહાસિક સપાટીએ પહોચ્યું હતું. સતત આઠ મહિનાથી તેમાં વધારો થઈ રહ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો