Money9 Gujarati:
છૂટક મોંઘવારીનો દર વધી રહ્યો છે ત્યારે જથ્થાબંધ મોંઘવારીનો દર હજુ પણ માઈનસમાં છે. જોકે, શાકભાજીની મોંઘવારીને કારણે જથ્થાબંધ મોંઘવારીનો દર પણ ધીમે ધીમે માઈનસમાંથી પ્લસ તરફ આગળ વધી રહ્યો છે. વાણિજ્ય મંત્રાલયે 14 ઓગસ્ટે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) આધારિત ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા. જુલાઈ મહિના માટે હોલસેલ ફુગાવાનો દર -1.36 ટકા રહ્યો છે, જે જૂન મહિનામાં -4.12 ટકાના 7.5 વર્ષના સૌથી નીચલા સ્તરે હતો.
જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારીમાં ખાદ્ય ફુગાવો જૂનના -1.24 ટકાથી વધીને સીધો 7.75 ટકાએ પહોંચી ગયો હતો. ખાદ્ય ફુગાવાને ઉપર લઈ જવામાં મુખ્ય ભૂમિકા શાકભાજીએ ભજવી હતી અને જૂનની સરખામણીએ જુલાઈમાં શાકભાજીનો ફુગાવો 81.2 ટકા જેટલા ગેપ સાથે ઊંચે પહોંચી ગયો હતો. શાકભાજીમાં પણ ટામેટાંનો ઈન્ડેક્સ માસિક ધોરણે 307 ટકાના ઊંચા સ્તરે પહોંચી ગયો હતો.
જૂન મહિનાના અંતથી શાકભાજીમાં મોંઘવારી શરૂ થઈ છે અને તેની સંપૂર્ણ અસર જુલાઈ તથા ઓગસ્ટના મોંઘવારીના આંકડામાં જોવા મળશે, તેવી શક્યતા અર્થશાસ્ત્રીઓએ અગાઉ વ્યક્ત કરી હતી. ટામેટાં, ડુંગળી સહિતના શાકભાજી ઉપરાંત જીરું, ધાણા, હળદર, મરી સહિતના મસાલા તેમજ ઘઉં, ચોખા, મકાઈ જેવા અનાજના ભાવમાં સતત વધારો થયો છે. શાકાહારી થાળી ગયા મહિને 28 ટકા મોંઘી થઈ હોવાનો રિપોર્ટ પણ જાહેર થયો હતો. દેશમાં ક્યાંક વધારે પડતો વરસાદ છે, પૂર છે અને અતિવૃષ્ટિનો માહોલ છે ત્યારે ઘણા રાજ્યોમાં 45 ટકા સુધી ઓછો વરસાદ પણ પડ્યો છે. ચોમાસાની આ સ્થિતિને કારણે વાવેતર પણ વિલંબમાં પડ્યું છે અને કેટલાક પાકનું ઉત્પાદન ઓછું થવાની ભીતિ સેવાઈ રહી છે. બજારમાં માંગ સામે સપ્લાય પ્રભાવિત થઈ હોવાથી શાકભાજીની આવક પર અસર પડી છે અને ભાવ વધવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટે પૉલિસી બેઠક બાદ, RBIએ જુલાઈ અને ઓગસ્ટમાં મોંઘવારી વધવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. RBIએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે મોંઘવારીનો અંદાજ પણ 1 ટકા વધારી દીધો હતો. RBIએ જણાવ્યું હતું કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશમાં છૂટક ફુગાવો સરેરાશ 6.2 ટકા રહી શકે છે. અગાઉ RBIએ જૂન ક્વાર્ટરમાં ફુગાવા માટે સરેરાશ 5.2 ટકાનો અંદાજ આપ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફુગાવાનો અંદાજ 1 ટકા વધવાથી સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે પણ ફુગાવાનો અંદાજ 0.30 ટકા વધારવામાં આવ્યો છે. RBI ગવર્નરે જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં સરેરાશ મોંઘવારીનો દર 5.4 ટકા રહી શકે છે, જેના માટે અગાઉ 5.1 ટકા દરનો અંદાજ આપવામાં આવ્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો