Money9 Gujarati:
ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપની Swiggyએ તહેવારોની સીઝનમાં જ તેના ગ્રાહકોના ખિસ્સાં ખાલી કરવાની જાહેરાત કરી છે. Swiggyએ પોતાની પ્લેટફોર્મ ફીમાં 1 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. કંપનીએ ફૂડ ડિલિવરી ઑર્ડર પર લાગતી પ્લેટફોર્મ ફી 2 રૂપિયાથી વધારીને 3 રૂપિયા કરી છે. નવી પ્લેટફોર્મ ફી 4 ઓક્ટોબરથી અમલી કરવામાં આવી છે. કંપનીએ એપ્રિલ 2023થી પોતાના ગ્રાહકો પાસેથી પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હરીફ કંપની Zomatoએ પણ 2 રૂપિયા પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું અને કેટલાક શહેરોમાં તેને વધારીને 3 રૂપિયા કરી હતી.
Swiggyનો નવો પ્લાન
Swiggyએ ગયા સપ્તાહે 99 રૂપિયાનો નવો મેમ્બરશિપ પ્લાન લૉન્ચ કર્યો હતો, જેમાં ગ્રાહકને મર્યાદિત સમયગાળા માટે ફ્રી ડિલિવરીની સુવિધા આપવામાં આવે છે. કંપનીએ નવી પ્લેટફોર્મ ફી હૈદરાબાદ અને બેંગાલુરુ શહેરમાં લાગુ કરી છે અને ધીમે-ધીમે દેશભરમાં તેનો અમલ કરવામાં આવશે. અત્યારે Swiggy 5 રૂપિયા પ્લેટફોર્મ ફી લગાવીને 2 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. Swiggy તેના ક્વિક કૉર્મસ પ્લેટફોર્મ ઈન્સ્ટામાર્ટ પર 4 રૂપિયા હેન્ડલિંગ ચાર્જ વસૂલે છે.
Swiggy ડિલિવરી ચાર્જ ઉપરાંત પ્લેટફોર્મ ફી વસૂલે છે. પરંતુ લૉયલ્ટી પ્રોગ્રામ વન મેમ્બરશિપના ગ્રાહકને આ ફીમાં માફી મળે છે. Swiggyના પ્રવક્તાએ જણાવ્યું છે કે, પ્લેટફોર્મ ફીમાં કોઈ મોટો ફેરફાર નથી કર્યો. આ ફી મોટા ભાગે સર્વિસ પ્રોવાઈડર્સ મારફતે લાગુ કરવામાં આવે છે અને બિઝનેસમાં તે સામાન્ય વાત છે. અમે જેટલા શહેરોમાં સક્રિય છીએ તેના મહત્તમ શહેરમાં પ્લેટફોર્મ ફી 3 રૂપિયા જ છે.
બ્રોકરેજ કંપની UBS જણાવે છે કે, ગ્રાહકોના ખર્ચમાં નજીવો વધારો થવાથી કંપનીઓને આવક વધારવામાં મદદ મળશે. કંપનીઓને તેમની યુનિટ ઈકોનોમિક્સ સુધારવામાં પણ મદદ મળશે. ઓનલાઈન પ્લેટફોર્મ Uber, BigBasket અને Zepto સહિતની ગ્રાહક-કેન્દ્રિત ઈન્ટરનેટ કંપનીઓ પ્રત્યેક ઓર્ડર અથવા પ્રત્યેક બૂકિંગ પર ચાર્જ વસૂલીને તેમના યુનિટ ઈકોનોમિક્સમાં વધારો કરવાના પ્રયાસ કરી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો