Money9 Gujarati:
ટીવી, મોબાઈલ કે કમ્પ્યુટર ખરીદવાના હોય તો તહેવારોની સીઝન (Festive Season) સુધી રાહ જોજો. કંપનીઓના કાચા માલના (Input Cost) ખર્ચમાં 60થી 80 ટકાનો ઘટાડો થયો છે જ્યારે નૂરભાડાંનો ખર્ચ (Freight) કોવિડ અગાઉના સ્તરે પહોંચી ગયો છે. કંપનીઓ તેનો ફાયદો ગ્રાહકોને આપે તેવી શક્યતા છે અને દિવાળીના તહેવારો દરમિયાન, માંગને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરી શકે છે. છેલ્લાં 12 મહિનાથી ઈલેક્ટ્રોનિક આઈટમની માંગ નરમ છે. ગઈ દિવાળીથી ગ્રાહકો ઘટી ગયા છે ત્યારે ભાવમાં ઘટાડો માંગમાં તેજી લાવી શકે છે.
ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર અને ઈલેક્ટ્રોનિક અપ્લાયન્સિસમાં વપરાતા કમ્પોનન્ટ્સની કિંમત ઘટી છે તેમજ આ પાર્ટ્સને ફેક્ટરીઓ સુધી પહોંચાડવાનો ખર્ચ પણ નીચે ગયો છે, આથી કંપનીઓ તેનો લાભ ગ્રાહકોને આપે તેવી શક્યતા છે. છેલ્લાં બે વર્ષમાં ઈનપુટ કૉસ્ટ અને ફ્રેઈટ કૉસ્ટ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી હતી, પરંતુ હવે તે ઘટીને ફરીથી કોવિડ અગાઉના લેવલે છે.
કાચા માલની કિંમત ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સની કિંમત 60થી 70 ટકા ઘટી છે. ખર્ચનું દબાણ હળવું થવાથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક કંપનીઓના ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનમાં વધારો થવાની ધારણા છે.
ફ્રેઈટ કૉસ્ટ ચીનથી આવતા કન્ટેનરનો ફ્રેઈટ ખર્ચ ઘટીને 850 ડૉલરથી 1,000 ડૉલર થયો છે, જે કોવિડની પીક દરમિયાન 8,000 ડૉલરની રેકોર્ડ સપાટીએ હતો. સેમિકન્ડક્ટર ચીપ્સની કિંમત પણ તૂટીને ઓલ-ટાઈમ લો લેવલે પહોંચી ગઈ છે. કોવિડના સમયે જે ભાવ હતો તેના કરતાં અત્યારે ભાવ દસમા ભાગનો થઈ ગયો છે.
ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ જણાવે છે કે, તમામ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં વપરાતા કમ્પોનન્ટ્સના ભાવ તેમજ ફ્રેઈટ ખર્ચ ઘટીને પ્રિ-કોવિડ સ્તરે પહોંચી ગયો છે તેમજ કેટલાક દેશોમાં મંદી હોવાથી અને વૈશ્વિક સ્તરે માંગ તૂટવાથી અમુક કમ્પોનન્ટ્સના ભાવ તો સાવ તળિયે પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે 2023ના બજેટની જાહેરાત કરતી વખતે ટીવીમાં વપરાતા ઓપન સેલની આયાત પર લાગતી 5 ટકા કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 2.5 ટકા કરી હતી. જેના કારણે LED ટીવી સેટના ખર્ચમાં રૂ.3,000 સુધીનો ઘટાડો થયો હતો. કંપનીઓએ તેનો પૂરેપૂરો લાભ પણ ગ્રાહકોને હજુ સુધી આપ્યો નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો