Honda Activa, Suzuki Access, TVS NTORQ જેવા સ્કૂટર્સ અને Hero Splendor, Honda Shine અને Bajaj Pulsar જેવી મોટરસાઈકલ સસ્તી થઈ શકે છે. ફેડરેશન ઑફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)ના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ એન્ટ્રી-લેવલના ટુ-વ્હીલર્સ પર લાગતો 28 ટકા GST ઘટાડીને 18 ટકા કરવાની માંગણી કરી છે. જો GST ઘટે તો કંપનીઓ પણ ભાવ ઘટાડશે, પરિણામે આ સેગમેન્ટના ટુ-વ્હીલર્સની કિંમત વાજબી થશે અને વેચાણ વધારવામાં મદદ મળશે.
એન્ટ્રી-લેવલની બાઈકનું વેચાણ ઘટ્યું
125 સીસી સુધીની કેપેસિટી ધરાવતા ટુ-વ્હીલર્સ એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં આવે છે. દેશનાં ટુ-વ્હીલર્સના કુલ વેચાણમાં એન્ટ્રી-લેવલની મોટરસાઈકલનો હિસ્સો છેલ્લાં 4 વર્ષમાં (FY19 to FY23) 60 ટકા ઘટ્યો છે.
નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાં કુલ 1.59 કરોડ ટુ-વ્હીલર્સ વેચાયા હતા જ્યારે કોવિડ-19 મહામારી અગાઉ 2018-19માં ભારતમાં 1.95 કરોડ ટુ-વ્હીલર્સનું વેચાણ થયું હતું. આમ, ટુ-વ્હીલર્સનું વેચાણ હજુ પણ કોવિડ અગાઉના લેવલ કરતાં ઓછું છે. FADAના પ્રમુખ સિંઘાનિયાના જણાવ્યા પ્રમાણે, આપણે ટુ-વ્હીલર્સના વેચાણમાં કોવિડ પહેલાંના સ્તર કરતાં હજુ પણ 20 ટકા પાછળ છીએ.
FY19થી FY23 દરમિયાન ટુ-વ્હીલર્સનું વેચાણ ઘટ્યું
નાણાકીય વર્ષ ટુ-વ્હીલર્સનું વેચાણ
FY23 1.59 કરોડ
FY19 1.95 કરોડ
પ્રિ-કોવિડ લેવલથી ઓછું વેચાણ
કોવિડ મહામારીના 4 વર્ષ થવા છતાં ટુ-વ્હીલરનું વેચાણ પ્રિ-કોવિડ લેવલે પહોંચી શક્યું નથી, જેનાથી એક વાત સ્પષ્ટ છે કે, ગામડાંમાં હજુ સુધી પૂરેપૂરી રિકવરી થઈ શકી નથી. ગામડાંમાં માંગ પર અસર પડી છે કારણ કે, છેલ્લાં 3 વર્ષમાં એન્ટ્રી-લેવલના ટુ-વ્હીલરની કિંમતમાં 50 ટકાનો વધારો થયો છે. ઓછામાં પૂરું નજીકના ભવિષ્યમાં ગામડાંમાં વસતા લોકોની આવકમાં વધારો થવાની પણ કોઈ શક્યતા દેખાતી નથી કારણ કે મોંઘવારી તેમને પરેશાન કરી રહી છે. આથી, માંગ વધારવા માટે એક જ રસ્તો બચે છે અને તે છે કિંમતમાં ઘટાડો. સરકારે આ સેગમેન્ટની મોંઘવારી ઘટાડવી પડશે અને તેને વાજબી બનાવવું પડશે તો જ માંગ વધારવામાં મદદ મળશે, એમ ઓટોમોબાઈલ ઉદ્યોગનાં નિષ્ણાતો જણાવે છે.
વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો, ટુ-વ્હીલરના મેન્યુફેક્ચરિંગ માટે વપરાતા કાચા માલસામાનની કિંમત સતત વધી રહી છે. આથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધારે છે. આવી સ્થિતિમાં ટુ-વ્હીલરને સસ્તા કરવા માટે એકમાત્ર GSTમાં ઘટાડો મદદરૂપ થઈ શકે છે. અત્યારે ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ પર 28 ટકા GST લાગે છે. તેની સામે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ પર 5 ટકા GST લાગે છે.
Published September 15, 2023, 19:55 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો