Money9 Gujarati:
પાર્સલ મોકલવા કે કુરિયર કરવા માટે વધારે પૈસા ચૂકવવા તૈયાર રહેજો. દેશની અગ્રણી લોજિસ્ટિક કંપની ડીએચએલ એક્સપ્રેસે (DHL Express) તેની પાર્સલ ડિલિવરીની કિંમત વધારવાનો નિર્ણય લીધો છે. કંપની પાર્સલ ડિલિવરીની કિંમત સરેરાશ 6.9 ટકા વધારશે. વાર્ષિક પ્રાઈસ એડજસ્ટમેન્ટ પ્રક્રિયાના ભાગરૂપે કંપનીએ પાર્સલ ડિલિવરીના ભાવ પહેલી જાન્યુઆરીથી વધારવાનો નિર્ણય લીધો છે.
DHL ભાવ વધારશે એટલે અન્ય લોજિસ્ટિક કંપનીઓ પણ ભાવ વધારો લાગુ કરે તેવી શક્યતા છે. DHL Expressએ જણાવ્યું છે કે, મોંઘવારી સહિતના વિવિધ પરિબળને ધ્યાનમાં રાખીને કંપની દર વર્ષે કિંમતમાં વાર્ષિક આધારે ફેરફાર કરે છે. આ વર્ષે પણ આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે, ભારતમાં આવતા વર્ષથી કિંમતમાં સરેરાશ 6.9 ટકાનો વધારો થશે. નવી કિંમત 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. કંપનીએ જણાવ્યું છે કે, કેટલીક સર્વિસ અને સરચાર્જની પણ સમીક્ષા કરવામાં આવશે.
DHL Expressના દક્ષિણ એશિયાના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ આર. એસ. સુબ્રમણ્યમે જણાવ્યું છે કે, હવે વૈશ્વિક વેપારની સ્થિતિ થાળે પડી રહી છે. જોકે, અનિશ્ચિતતાનો માહોલ તો છે જ. આ કપરા સમયમાં પણ અમે વૈશ્વિક સ્તરે અમારા તમામ ગ્રાહકને સ્થિર અને વિશ્વસનીય સેવા આપી છે. વાર્ષિક પ્રાઈસ એડજસ્ટમેન્ટ પ્રક્રિયા દ્વારા કંપની વધુ સારી સર્વિસ આપવા માટે રોકાણ કરશે અને નેટવર્કને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન આપશે. કંપની મોંઘવારીને અને ચલણમાં થતા ઉતાર-ચઢાવની સાથે સાથે વહીવટી ખર્ચ તથા સલામતી પાછળ થતા ખર્ચને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરે છે, એમ DHLએ જણાવ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો