Money9 Gujarati:
છેલ્લાં કેટલાક વર્ષોથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જબરજસ્ત રીતે વધ્યો છે. લોકો હવે શોપિંગની સાથે સાથે અન્ય જરૂરિયાતો માટે પણ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવા લાગ્યા છે. એક સમયે માર્કેટમાં ડેબિટ કાર્ડનો દબદબો હતો પરંતુ હવે ડેબિટ કાર્ડના વળતાં પાણી થઈ રહ્યાં છે અને ક્રેડિટ કાર્ડથી લેવડદેવડ વધી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના તાજા આંકડા અનુસાર, ચાલુ વર્ષના એપ્રિલમાં ક્રેડિટ કાર્ડ દ્વારા લગભગ 25 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા, જેની સામે ડેબિટ કાર્ડ દ્વારા 22 કરોડ લેવડદેવડ થઈ હતી.
ડેબિટ કાર્ડનાં વળતાં પાણી… ક્રેડિટ કાર્ડ દ્વારા એપ્રિલ-2023માં 1.3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેની સામે ડેબિટ કાર્ડ દ્વારા માત્ર 53,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. RBIના રિપોર્ટ અનુસાર, છેલ્લાં 1 વર્ષમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ 20 ટકા વધ્યો છે જ્યારે ડેબિટ કાર્ડનો ઉપયોગ 31 ટકા સુધી ઘટી ગયો છે. ઓનલાઈન શોપિંગમાં ડિસ્કાઉન્ટ અને કેશબેક સહિતના લાભ લેવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધ્યો છે અને તેની સાથે સાથે લોકો દુકાનોમાં, રેસ્ટોરન્ટ્સમાં તેમજ અન્ય સ્થળોએ પણ ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરી રહ્યાં છે.
શા માટે વધ્યો ક્રેડિટ કાર્ડનો વપરાશ? ત્રણેક વર્ષ અગાઉ લગભગ 5 કરોડ ક્રેડિટ કાર્ડ વપરાશમાં હતા જ્યારે એક વર્ષ અગાઉ વપરાશમાં હોય તેવા ક્રેડિટ કાર્ડની સંખ્યા વધીને 7.5 કરોડ થઈ ગઈ હતી. આ વર્ષે તેમાં લગભગ 50 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. અત્યારે માર્કેટમાં અંદાજે 8.6 કરોડ ક્રેડિટ કાર્ડ ફરી રહ્યાં છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધવાનું કારણ પણ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યામાં થયેલો વધારો છે.
ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ વધ્યો RBIના આંકડા દર્શાવે છે કે, એપ્રિલ 2022 પછી ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન ખર્ચમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલ 2022માં ક્રેડિટ કાર્ડથી કુલ 21 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ સમયગાળા દરમિયાન 1 લાખ કરોડ રુપિયાનો ખર્ચ ક્રેડિટ કાર્ડ દ્વારા થયો હતો. સપ્ટેમ્બર 2022માં ક્રેડિટ કાર્ડથી 24 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા થયેલો ખર્ચ વધીને 1.1 લાખ કરોડ રૂપિયા થયો હતો. જાન્યુઆરી 2023માં ક્રેડિટ કાર્ડ દ્વારા 25 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા અને ખર્ચ વધીને 1.2 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયો હતો. એપ્રિલ 2023માં પણ ક્રેડિટ કાર્ડ દ્વારા કુલ 25 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા જ્યારે ખર્ચ વધીને 1.3 લાખ કરોડ રૂપિયા થયો હતો. આમ, ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન અને ખર્ચ બંનેમાં વધારો થયો છે. ડેબિટ કાર્ડ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડવાનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. લોકો હવે નાના-નાના ખર્ચા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે જ્યારે મોટા ખર્ચા કરવાની વાત આવે ત્યારે ક્રેડિટ કાર્ડ કાઢે છે.
બેન્કોની આક્રમક સ્ટ્રેટેજી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધવાનું અન્ય એક કારણ બેન્કોનું આક્રમક માર્કેટિંગ પણ છે. બેન્કોએ ક્રેડિટ કાર્ડ વેચવા માટે વ્યાપક અભિયાન ચલાવ્યા છે. આ અભિયાનમાં સ્ટાર્ટઅપ્સ પણ જોડાયા છે અને તેમણે પ્રતિષ્ઠિત બેન્કો સાથે ભાગીદારી કરીને વિવિધ પ્રકારનાં ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યાં છે. તાજેતરમાં જ મિન્ત્રા અને પેટીએમ વચ્ચે ભાગીદારી થઈ હતી. આ બંને કંપનીએ કોટક મહિન્દ્રા બેન્ક અને એસબીઆઈ કાર્ડ્સ સાથે કરાર કર્યાં છે. આ ઉપરાંત, એમેઝોન પે અને ICICI બેન્કની વચ્ચે પણ કરાર થયેલો છે. ક્રેડિટ કાર્ડની લોન અનસિક્યૉર્ડ લોન કેટેગરીમાં આવે છે, એટલે કે આ લોન સરળતાથી મળી રહે છે, પરંતુ તેની ચૂકવણીના નિયમ કડક હોય છે. ખર્ચનું પેમેન્ટ કરવા માટે 50 દિવસનો સમય મળતો હોવાથી પણ ક્રેડિટ કાર્ડનો વધારે ઉપયોગ કરતા હોવાનું જાણવા મળે છે. એટલે કે, આખો મહિનો ખર્ચા કર્યા રાખો અને પછી એક જાટકે ચૂકવણી કરી દો.
સંબંધિત ખબરઃ CREDIT CARD સમજીને વાપરો તો BEST, નહીંતર ભરવો પડશે ઊંચો INTEREST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો