Money9 Gujarati:
Credit Card Shopping: ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો ક્રેડિટ કાર્ડ ઘસીને ધૂમ પૈસા ખર્ચી રહ્યાં છે. ઓક્ટોબરમાં તહેવારોની સીઝનમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલી ખરીદીનો આંકડો સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા વાર્ષિક ધોરણે 38.3 ટકા વધારે ખર્ચ થયો હતો અને આંકડો 1.8 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યો હતો. ઓક્ટોબરમાં થયેલો આ વાર્ષિક વધારો છેલ્લાં 9 મહિનામાં સૌથી વધુ હતો. માસિક ધોરણે પણ ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલો ખર્ચ 25.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે, જે છેલ્લાં 2 વર્ષમાં સૌથી ઊંચો વૃદ્ધિદર છે.
ઓક્ટોબરમાં પ્રત્યેક ક્રેડિટ કાર્ડ દ્વારા થતો ખર્ચ લગભગ 16 ટકા વધીને 18,898 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો, જેમાં માસિક ધોરણે 23.2 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. રસપ્રદ વાત એ છે કે, ક્રેડિટ કાર્ડનો સૌથી વધુ ઉપયોગ ઓનલાઈન શોપિંગ માટે થયો હતો. લગભગ 65 ટકા ખર્ચ ઓનલાઈન થયો હતો.
ક્રેડિટ કાર્ડના ઉપયોગ અંગે BankBazaar.comના મુખ્ય કાર્યકારી અધિકારી આદિલ શેટ્ટીનું કહેવું છે કે, નો-કૉસ્ટ EMI જેવી સુવિધાને કારણે આજકાલ ક્રેડિટ કાર્ડની લોકપ્રિયતા વધી રહી છે. ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ઑનલાઈન લેવડદેવડમાં વાર્ષિક ધોરણે 39 ટકા અને મૂલ્યની દૃષ્ટિએ 55.1 ટકા વૃદ્ધિ થઈ હતી.
ઓક્ટોબરમાં HDFC Bankના ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલો ખર્ચ વાર્ષિક ધોરણે 20.3 ટકા વધીને 45,296 કરોડ રૂપિયા થયો છે. SBI Card દ્વારા થયેલો ખર્ચ લગભગ 52 ટકા વધીને 35,459 કરોડ રૂપિયા થયો હતો. Axis Bankના ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલા ખર્ચમાં સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ જોવા મળી હતી અને ઓક્ટોબરમાં તે 92 ટકા વધીને 21,767 કરોડ રૂપિયા થયો હતો.
31 ઓક્ટોબર સુધીની માહિતી પ્રમાણે, દેશમાં ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા વધીને 9.47 કરોડ થઈ હતી, જે 30 સપ્ટેમ્બરના અંતે 9.30 કરોડ હતી. ઓક્ટોબરમાં કાર્ડની સંખ્યામાં વાર્ષિક ધોરણે 19.3 ટકા વધારો નોંધાયો હતો. એક્સપર્ટ જણાવે છે કે, UPI પર Rupay ક્રેડિટ કાર્ડ જેવી નવી પ્રોડક્ટનો ઉપયોગ ઝડપભેર વધવાથી કુલ ખર્ચમાં હજુ પણ વધારો થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો