Money9 Gujarati:
કોરોના મહામારીની ગંભીર અસર તેનો અસલી રંગ બતાવી રહી છે. કોરોનાને કારણે આરોગ્ય વીમો મોંઘો થવાની સાથે સાથે વિવિધ સારવારનો ખર્ચ બમણાથી પણ વધી ગયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં મેડિકલ મોંઘવારીમાં 160 ટકાનો વધારો નોંધાયો છે. વિવિધ પ્રકારની સારવાર માટે વીમા કંપનીઓને મળેલાં ક્લેમ પરથી સ્પષ્ટપણે માલૂમ પડે છે કે, હોસ્પિટલમાં દાખલ થઈને લેવી પડતી સારવારનો ખર્ચ છેલ્લાં 5 વર્ષમાં બમણાથી પણ વધારે વધી ગયો છે.
મેડિકલ મોંઘવારી
મોતિયો, કિડની, ચયાપચય, શ્વાચ્છોશ્વાસ વગેરે બીમારીની સારવારનો ખર્ચ વધી ગયો છે અને ખાસ તો, સંક્રમણ સંબંધિત રોગ અને શ્વાચ્છોશ્વાસ સંબંધિત બીમારીની સારવારના ખર્ચમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. દેશમાં છૂટક મોંઘવારી 7.44 ટકા (જુલાઈ 2023)ના દરે વધી છે જેની સામે મેડિકલ મોંઘવારીનો દર ડબલ છે. અત્યારે મેડિકલ સેક્ટરનો ફુગાવો 14 ટકા છે, પરંતુ આ બીમારીઓની સારવારનો ફુગાવો તેના કરતાં પણ વધારે છે.
મોટા શહેરોમાં સારવાર મોંઘી
Policybazaarના આંકડા અનુસાર, સંક્રમણ સંબંધિત બીમારીની સારવાર માટે 2018માં સરેરાશ 24,569 રૂપિયાના ક્લેમ મળતા હતા, જે 2022માં વધીને 64,135 રૂપિયા થઈ ગયા છે, એટલે કે તેમાં 160 ટકાનો વધારો થયો છે. જોકે, તેનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 26 ટકા છે. મુંબઈ જેવા મોટા શહેરોમાં આ ખર્ચનો આંકડો વધારે છે. મોટા શહેરોમાં સંક્રમણ સંબંધિત બીમારીની સારવાર માટે જે ક્લેમ મળે છે, તેનું સરેરાશ કદ 30,000 રૂપિયાથી વધીને 80,000 રૂપિયા થઈ ગયું છે.
કઈ સારવાર કેટલી મોંઘી થઈ?
મોતિયોની સારવાર માટે મળતાં ક્લેમના કદમાં 54 ટકા વધારો થયો છે. 2018માં મોતિયાની સારવારનો ક્લેમ 78,325 રૂપિયાનો રહેતો હતો, પરંતુ 2022માં તે વધીને 1.2 લાખ રૂપિયા થઈ ગયો હતો. શ્વાસ સંબંધિત બીમારીની સારવારના ક્લેમમાં વધારો થયો છે જ્યારે ક્લેમનો સરેરાશ આંકડો 48,452 રૂપિયાથી વધીને 94,245 રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં આ બીમારી સંબંધિત ક્લેમનો સરેરાશ આંકડો 80,000 રૂપિયાથી વધીને 1.7 લાખ રૂપિયા થઈ ગયો છે. કોવિડને લીધે સારવારનો ખર્ચ વધી ગયો છે, કારણ કે કોરોના મહામારી આવી તેની અગાઉના બે વર્ષમાં મેડિકલ મોંઘવારી અંકુશમાં હતી.
શા માટે વધ્યો ખર્ચ?
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટમાં નોંધ્યા પ્રમાણે, ઈન્ટરનેશન ખર્ચ કરતાં સારવારનો ખર્ચ વધી ગયો છે. Policybazaarના મુખ્ય વ્યવસાય અધિકારી અમિત છાબડાને ટાંકીને નોંધવામાં આવ્યું છે કે, કોવિડ બાદ કન્ઝ્યુમેબલ આઈટમનો હિસ્સો વધી ગયો છે. અગાઉ બિલનો 3થી 4 ટકા હિસ્સો આ આઈટમનો હતો, પરંતુ હવે તે વધીને 15 ટકા થઈ ગયો છે. આરોગ્યની સારવારનો ફુગાવો ઘણો ઝડપથી વધી રહ્યો છે. છૂટક ફુગાવાની સરખામણીએ તે ડબલ સ્પીડમાં વધી રહ્યો છે. નવી દવાઓ અને નવી પ્રક્રિયાની સાથે સાથે ઈન્ટરનેટનો ઉપયોગ વધવાથી સારવાર મોંઘી થઈ ગઈ હોવાનું મેડિકલ માર્કેટના એક્સપર્ટ જણાવે છે. વીમાનો વ્યાપ વધવાથી આરોગ્ય સુવિધાની માંગ અને ઉપયોગ બંને વધી ગયા છે, પરિણામે ખર્ચ પણ વધ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો