Money9 Gujarati:
ચોકલેટ આમ પણ કડવી હોય છે અને હવે વધારે કડવી લાગશે, કારણ કે, ચોકલેટ મોંઘી થવાની શક્યતા છે. મોંઘવારીએ ચોકલેટના સ્વાદને વધુ કડવો બનાવવાનું કામ કર્યું છે. ચોકલેટ બનાવવા માટે જરૂરી કોકોની કિંમત (cocoa prices) 50 ટકા વધીને ઓલ-ટાઈમ હાઈ લેવલે પહોંચી ગઈ છે. ઈન્ટરકન્ટીનેન્ટલ એક્સચેન્જ પર લંડન કોકો પ્રાઈસ વધીને 46 વર્ષની ટોચે પહોંચી છે. એક ટન કોકોની કિંમત 3,406.76 ડૉલર બોલાઈ રહી છે. આ ઉપરાંત ખાંડના ભાવ પણ વધી રહ્યાં છે. આથી, ચોકલેટની સાથે સાથે કોકો અને ખાંડ આધારિત અન્ય પ્રોડક્ટ્સની કિંમત પણ વધવાની શક્યતા છે. કંપનીઓ કિંમત નહીં વધારે તો શક્ય છે કે, પેકેટની સાઈઝ નાની કરી નાખશે.
કોકો કેમ મોંઘો થયો?
કોકોની કિંમતમાં વાર્ષિક ધોરણે 50 ટકા વધારો નોંધાયો છે. કોકોનું સૌથી વધુ ઉત્પાદન કરતાં દેશોમાંથી સપ્લાય ઘટવાને લીધે ભાવમાં ભડકો થયો છે. કોકોની કિંમત વધવા પાછળ અન્ય એક પરિબળ પણ જવાબદાર છે. કોકોની મોંઘવારીનું કનેક્શન આફ્રિકા સાથે છે. દુનિયામાં કોકોની ખેતી મુખ્યત્વે પશ્ચિમ આફ્રિકા અને લેટિન અમેરિકામાં થાય છે. પશ્ચિમ આફ્રિકાના ચાર દેશમાં જ 75 ટકા કોકોનું ઉત્પાદન થાય છે. આ ચાર દેશમાં આઈવરી કૉસ્ટ, ઘાના, કૈમરૂન અને નાઈજીરિયાનો સમાવેશ થાય છે. એકમાત્ર આઈવરી કૉસ્ટમાં જ દુનિયાના 50 ટકા કોકોનું ઉત્પાદન થાય છે. પશ્ચિમ આફ્રિકામાં હવામાન ખરાબ રહેવાની આગાહી છે અને આથી કોકોના ઉત્પાદન પર અસર પડવાની શક્યતાને લીધે મોંઘવારીએ એન્ટ્રી મારી છે. આ ઉપરાંત માંગમાં વધારો તેમજ ઉત્પાદનમાં ઘટાડો જેવા પરિબળ પણ મોંઘવારીને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આ તમામ પરિબળોને લીધે ચોકલેટ મોંઘી થઈ રહી છે.
કોકોની કિંમત કેટલી વધી?
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાલુ વર્ષે કોકોની કિંમત લગભગ 21 ટકા વધી છે. આ વર્ષે પાકમાં બીમારી ફેલાવાથી તેમજ ભારે વરસાદ થવાથી કોકોની ઊપજ ઓછી થઈ છે. તેની માંગ પણ વધારે છે અને સામે સપ્લાય ઓછો છે, આથી, કોકો અને તેમાંથી બનતી ચોકલેટ મોંઘી થવા લાગી છે.
અલ-નીનોની ભૂમિકા
દુનિયાભરનાં દેશો પર અલ-નીનોનો ખતરો તોળાઈ રહ્યો છે. આવતી સીઝનમાં અલ-નીનોને કારણે કોકોના ઉત્પાદન પર અસર પડવાની સંભાવના છે. આઈવરી કૉસ્ટમાં અલ-નીનોને લીધે હવામાન પર અસર પડી શકે છે અને આ દેશમાં કોકોની ઊપજ ઘટી શકે છે.
રશિયા-યુક્રેન વોર
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી કોલોની કિંમત પર અસર પડી છે, કારણ કે કોકોની ખેતી માટે ખાતરની જરૂર પડે છે અને યુદ્ધને કારણે ખાતરના ભાવ વધી ગયા છે, આથી કોકોના ખેડૂતોનો ખર્ચ વધી ગયો છે અને પરિણામે ભાવ વધી ગયા છે.
ચોકલેટમાં કોકોનો હિસ્સો
પર્ફેક્ટ ડાર્ક ચોકલેટમાં કોકોનો હિસ્સો 50 ટકાથી વધારે હોય છે. જેમકે, અમૂલ ડાર્ક ચોકલેટમાં લગભગ 55 ટકા કોકો કન્સન્ટ્રેશન હોય છે તેમજ બટર અને શુગર પાઉડરનો 30 ટકા હિસ્સો હોય છે. અમૂલ બિટર ચોકલેટમાં 90 ટકા કોકો એક્સ્ટ્રેક્ટ હોય છે.
કોકો ચોકલેટ બ્રાન્ડ્સ
ભારતમાં મળતી કેટલીક કોકો-આધારિત ચોકલેટ બ્રાન્ડ્સ નીચે મુજબ છેઃ
– Cadbury Bournville Rich Cocoa – Amul Dark Chocolate – Amul Chocolate – 90% Bitter – Hersheys Exotic Dark Chocolate Californian Almonds – With Blackberry Flavour, Crunchy – Cadbury Dairy Milk Silk – Hazelnut Chocolate Bar – Amul Chocomini – Hersheys Cocoa Powder – The Whole Truth 71% Dark Chocolate – No Added Sugar – Amul Ecuador Tropical Dusk, Single Origin Dark Chocolate – 55% Dark – Open Secret Coconut Chocolate Bars
ચોકલેટ ઉદ્યોગનો અંદાજ
મોટા ભાગની ચોકલેટમાં 50 ટકા હિસ્સો ખાંડનો અને 30 ટકા હિસ્સો કોકોનો હોય છે, આથી ચોકલેટની અસરકારક કિંમતમાં આકરો વધારો થવાની શક્યતા ઓછી છે. ચોકલેટ બનાવતી કંપનીઓનાં અધિકારીઓ જણાવે છે કે, સામાન્ય રીતે જ્યારે કાચો માલ મોંઘો થાય ત્યારે કંપનીઓ ચોકલેટના ભાવમાં વધારો નથી કરતી, પરંતુ પેકેટની સાઈઝ ઘટાડી નાખે છે અને ચોકલેટનું વજન ઓછું કરે છે. તાજેતરમાં ઈમ્પોર્ટ ડ્યૂટી 30 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવી હોવાથી કંપનીઓ કોકોની કિંમતમાં થયેલા ભાવવધારાની અસરને પચાવી લેવા માટે સક્ષમ છે. ઈન્ટરનેશનલ કોકો ઓર્ગેનાઈઝેશનના અંદાજ અનુસાર, ચાલુ સીઝનમાં કોકોની વૈશ્વિક અછત વધીને 1,42,000 ટન થવાની શક્યતા છે અને આ અંદાજ જાહેર થયા બાદ કોકોની કિંમતમાં તેજી જામી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો