CAITએ 30 શહેરોમાં કરેલા વેપારી સંગઠનનોના સર્વે બાદ જણાવ્યું છે કે, 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન ભારતમાં લગ્નોની સીઝનમાં ગઈ સીઝન કરતાં 1 લાખ કરોડ રૂપિયાનો વધારે કારોબાર થવાનો અંદાજ છે.
દિવાળીમાં રેકોર્ડ-બ્રેક કમાણી કર્યા બાદ હવે વેપારીઓ લગ્નસરાની સીઝનમાં પણ ધમાકેદાર કારોબાર કરે તેવો અંદાજ છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં સમગ્ર દેશમાં લાખો વરરાજો ઘોડીએ ચઢવાના છે. 23 નવેમ્બરથી ભારતમાં લગ્નોની સીઝન શરૂ થઈ રહી છે જે 15 ડિસેમ્બર સુધી ચાલશે. સમગ્ર દેશમાં લગભગ 38 લાખ લગ્નો થવાની શક્યતા છે. આ સીઝનને પગલે બજારમાં ઘરાકી શરૂ થઈ ગઈ છે અને મેઈનલાઈન રિટેલમાં (mainline retail) વસ્તુઓ તથા સેવા બંને મળીને 4.74 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થઈ શકે છે. વેપારીઓના સંગઠન Confederation of All India Traders (CAIT)ના જણાવ્યા પ્રમાણે, ચાલુ વર્ષની લગ્નની સીઝનમાં ગયા વર્ષની સીઝન કરતાં 1 લાખ કરોડ રૂપિયાનો વધારે વેપાર થવાનો અંદાજ છે.
કોને થશે ફાયદો?
2022માં નવેમ્બર-ડિસેમ્બરની લગ્નની સીઝનમાં લગભગ 32 લાખ લગ્ન થયા હતા અને તે સમયે સમગ્ર દેશમાં 3.75 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થયો હતો. CAIT દ્વારા દેશભરનાં 30 શહેરોના વ્યાપારિક સંગઠનોનો સર્વે કર્યા બાદ આ આંકડા આપ્યા છે. ચાલુ વર્ષની 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન ભારતમાં સૌથી વધુ વેપાર-ધંધો ઘરેણાંનો, ખાણી-પીણીના માલસામાનનો, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો તેમજ ગિફ્ટ સંબંધિત સામાનનો થશે. આ ઉપરાંત, ફૂલવાળા, સંગીત સેરેમની, બ્યુટી પાર્લર, મહેંદી, કેટરિંગ, ડેકોરેશન, હોટેલ, રેસ્ટોરન્ટ જેવા કામકાજ કરનારા લોકોને પણ સારો એવો ધંધો મળી રહેશે.
કેટલો ખર્ચ થશે?
CAITના જણાવ્યા પ્રમાણે, માત્ર દિલ્હીમાં 4 લાખથી પણ વધારે લગ્ન થવાના છે, જેમાં લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનો વેપાર-ધંધો થશે. લગ્નોમાં 50 ટકા ખર્ચ માલસામાનની ખરીદી માટે અને બાકીનો 50 ટકા ખર્ચ વિવિધ સર્વિસ પાછળ થાય છે.
આ વખતે વેડિંગ સીઝનમાં લગભગ 6 લાખ લગ્ન એવા છે, જેમાં એક લગ્નમાં 3 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ થશે જ્યારે 10 લાખ લગ્નો એવા છે, જેમાં 6 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ થશે. 12 લાખ લગ્નમાં 10 લાખ રૂપિયા જ્યારે 6 લાખ લગ્ન એવા થશે જેમાં પ્રત્યેક લગ્નમાં 25 લાખથી પણ વધારે ખર્ચ થશે. 50 હજાર લગ્નો એવા છે, જેમાં 50 લાખ રૂપિયાથી પણ અને 50 હજાર લગ્નમાં તો 1 કરોડથી પણ વધારે પૈસા ખર્ચાશે.
લગ્ન માટે 11 દિવસના મુરત
ઉલ્લેખનીય છે કે, આ વખતે 23 નવેમ્બરે દેવઉઠી એકાદશીના દિવસથી લગ્નોની સીઝન શરૂ થશે. લગ્ન માટેની શુભ તારીખ 23, 24, 27, 28, 29 નવેમ્બર છે જ્યારે ડિસેમ્બરમાં 3, 4, 7, 8, 9 અને 15 તારીખ લગ્ન માટે શુભ છે. ત્યારબાદ છેક 15 જાન્યુઆરી પછી લગ્નની સીઝન શરૂ થશે અને છેક જુલાઈ સુધી ચાલશે.
Published: November 21, 2023, 13:02 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો