Money9 Gujarati:
મહિલાઓ માટે બે મહિના પહેલાં શરૂ થયેલી બચત યોજનાને જબરજસ્ત લોકપ્રિયતા સાંપડી છે. સરકારે ચાલુ વર્ષનાં બજેટમાં મહિલાઓ માટે નવી સ્મોલ સેવિંગ સ્કીમની જાહેરાત કરી હતી. આ સ્કીમનું નામ છે મહિલા સમ્માન સેવિંગ સ્કીમ. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં (એપ્રિલ અને મે) આ સ્કીમમાં નોંધાયેલા સભ્યોની સંખ્યા 5 લાખને પાર થઈ ગઈ છે. આ સ્કીમમાં માત્ર બે મહિનામાં કુલ 3,666 કરોડ રૂપિયાનું રોકાણ ઠલવાયું છે અને એક ખાતામાં સરેરાશ 73,000 રૂપિયા જમા થયા છે. બેન્ક એફડી કરતાં વધારે વળતર મળતું હોવાથી મહિલા સમ્માન સ્કીમનું આકર્ષણ વધ્યું હોવાની શક્યતા છે.
યોજનાની વિગત સરકારે યુનિયન બજેટ 2023માં આ સ્કીમની જાહેરાત કરી હતી. તેની મુદત માત્ર બે વર્ષની છે. કોઈ પણ મહિલા 1 એપ્રિલ 2023થી 31 માર્ચ 2025 સુધી આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. 1 એપ્રિલ, 2025 પછી તેમાં રોકાણ નહીં કરી શકાય. ધારો કે, સરકાર આ સ્કીમની મુદત વધારે તો ત્યારબાદ પણ રોકાણ કરી શકશો. મહિલા સમ્માન સેવિંગ સ્કીમમાં એક મહિલા ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને મહત્તમ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ યોજના માત્ર બે વર્ષ માટે શરૂ કરવામાં આવી છે. તમે જે રકમ જમા કરાવો છો, તેના પર સરકાર દર વર્ષે 7.5 ટકા વ્યાજ ચૂકવે છે. અત્યારે આ યોજના ટપાલ વિભાગમાં ચાલે છે અને શક્યતા છે કે, ટૂંક સમયમાં બેન્કો પણ આ યોજના શરૂ કરી દેશે. સરકારે આ સ્કીમનો સમયગાળો બે વર્ષનો રાખ્યો છે, એટલે કે માર્ચ-2025 સુધી ઉચ્ચક રોકાણ કરવાનો વિકલ્પ છે. તમે આ સ્કીમમાં મહિલાના નામે કે દીકરીના નામે 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આંશિક ઉપાડનો વિકલ્પ પણ આ સ્કીમમાં મળે છે.
કેવી રીતે થાય નોંધણી? મહિલા સમ્માન બચત યોજનામાં ખાતુ ખોલાવવાની પ્રક્રિયા સરળ છે. તમારે નજીકની પૉસ્ટ ઑફિસમાં જવું પડશે. સાથે આધાર કાર્ડની નકલ અને બે ફોટો લઈ જવા પડશે. જો તમે 50,000 રૂપિયા કરતાં વધુ રકમ જમા કરાવશો તો તમારે પાન કાર્ડની નકલ પણ આપવી પડશે. આ યોજનામાં એક મહિલા બેથી વધુ ખાતા પણ ખોલાવી શકે છે. જોકે, બીજું ખાતુ ખોલાવવા માટે તમારે પહેલું ખાતુ ખોલાવ્યા બાદ 3 મહિના રાહ જોવી પડશે. પરંતુ તમે બે ખાતામાં કુલ 2 લાખ રૂપિયા જ જમા કરાવી શકશો.
વ્યાજની ગણતરી મહિલા સમ્માન બચત યોજના માટે સરકારે વાર્ષિક 7.5 ટકા વ્યાજ દર નક્કી કર્યો છે. આ સ્કીમમાં વ્યાજની ગણતરી ત્રિમાસિક ચક્રવૃદ્ધિ આધારે કરવામાં આવશે. એટલે, વાર્ષિક વળતર વધીને 7.71 ટકા થઈ જશે. ધારો કે, તમે 2 લાખ રૂપિયા જમા કરાવ્યા હશે તો, વર્ષે 15,420 રૂપિયાનું વ્યાજ મળશે.
ટેક્સનો નિયમ મહિલા સમ્માન બચત યોજનામાં રોકાણ કરવા પર ટેક્સમાં કોઈ રાહત મળતી નથી. સેક્શન 80સી હેઠળ કોઈ છૂટ મળતી નથી. ટેક્સના નિયમ પ્રમાણે, જો રોકાણ પર વ્યાજ પેટે 40,000 રૂપિયાથી ઓછી કમાણી થઈ હોય તો તેના પર કોઈ ટીડીએસ કપાતો નથી. આ યોજનામાં વર્ષે 2 લાખ રૂપિયાના રોકાણની મર્યાદા છે, એટલે તમને વર્ષએ 15,000 રૂપિયાથી વધારે વ્યાજ મળવાનું નથી, એટલે ટીડીએસ પણ નહીં કપાય. વ્યાજ પેટે જે આવક થશે, તે તમારી વાર્ષિક આવકમાં ઉમેરાશે અને તેના પર તમારા ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ ચૂકવવો પડશે.
મહિલા સમ્માન સેવિંગ સ્કીમની લોકપ્રિયતાને જોતાં સરકાર બે વર્ષની મુદત વધારી શકે છે. જો સરકાર તેની મુદત વધારશે તો આ સ્કીમમાં મહિલાઓની સંખ્યામાં હજુ પણ વધારો થશે. બેન્કમાં અત્યારે FDના વ્યાજ દર 5 ટકાથી 7 ટકાની આસપાસ છે. જોકે, એફડીના વ્યાજ દર હવે વધે તેવી શક્યતા ઓછી છે. સરકારે અન્ય સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દર પણ વધાર્યાં નથી. પીપીએફમાં રોકાણ કરો તો, 7.1 ટકા વ્યાજ મળે છે. એટલે, આ પરિસ્થિતિમાં બચત કરવા માટે મહિલા સમ્માન સ્કીમ એક આકર્ષક વિકલ્પ છે. અત્યારે આ સ્કીમમાં માત્ર પૉસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવી શકાય છે. પરંતુ બેન્કમાં પણ ખાતુ ખુલવા લાગશે એટલે તેમાં નામ નોંધાવનારાની સંખ્યામાં વધારો થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો