Money9 Gujarati:
નાની બચત યોજનામાં રોકાણ કરતા લોકોને વર્ષના અંતે ખુશખબર મળી છે. સરકારે વિવિધ સ્મોલ સેવિંગ સ્કીમ્સ (small savings scheme)ના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. 29 ડિસેમ્બરે સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના અને 3-વર્ષની ટાઈમ ડિપોઝિટ સ્કીમના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો જાહેર કર્યો છે. નવા વ્યાજ દર જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે લાગુ થશે. ઈન્ટરેસ્ટ રેટમાં 0.10 ટકાથી 0.20 ટકા વધારો કરવામાં આવ્યો છે.
સરકારે સતત છઠ્ઠા ક્વાર્ટરમાં ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં છે. 29 સપ્ટેમ્બરે પણ સરકારે નાની બચત યોજનાના વ્યાજ દરમાં ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 ક્વાર્ટર માટે 0.20 ટકાનો વધારો કર્યો હતો. જોકે, PPF સહિતની અન્ય સેવિંગ સ્કીમના રેટ યથાવત્ રાખવામાં આવ્યા છે.
નાણા મંત્રાલયે 29 ડિસેમ્બરે જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે, 3-વર્ષની ટાઈમ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટ 0.10 ટકા વધારવામાં આવ્યા છે. હવે તેમાં 7 ટકાની જગ્યાએ 7.10 ટકા વ્યાજ મળશે. એટલું જ નહીં, સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો થયો છે. આ સ્કીમના ઈન્ટરેસ્ટ રેટ અત્યારે 8 ટકા છે, જે હવે 8.2 ટકા થશે.
સરકારે PPF, સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સહિતની સેવિંગ સ્કીમના વ્યાજ દર યથાવત્ રાખ્યા છે. એટલે કે, સ્કીમમાં પણ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર જેટલા જ વ્યાજ દર મળશે.
સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજ દર નક્કી કરવા માટે સરકારી સિક્યોરિટીઝની યીલ્ડના રેટને આધાર બનાવવામાં આવે છે. સરકારના પાંચ વર્ષીય બોન્ડની યીલ્ડ 0.10 ટકા વધી છે જ્યારે 10 વર્ષીય બોન્ડ યીલ્ડ 0.15 ટકા વધી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો