Money9: જે કર્મચારી EPFOના સક્રિય સભ્ય છે અને જેમની સેલેરીમાંથી દર મહિને પીએફ કપાય છે, તેમને મળે છે એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ એટલે EDLI સ્કીમનો લાભ..એટલે કે આ એક પ્રકારનો વીમો છે..ઘણાં લોકોને આ અંગે કોઇ માહિતી નથી હોતી. EDLI સ્કીમ હેઠળ જો કોઇ કર્મચારીનું નોકરી દરમિયાન, કોઇ કારણસર મૃત્યુ થઇ જાય છે તો તેના નોમિનીને 7 લાખ રૂપિયા સુધીના વીમાનો લાભ મળે છે. ખાસ વાત એ છે કે આ વીમો મફતમાં મળે છે. આ વીમા માટે કર્મચારીએ કોઇ અલગથી પ્રીમિયમ નથી ભરવું પડતું. પરંતુ માહિતીના અભાવે ઘણાં લોકો તેનો ફાયદો નથી ઉઠાવી શકતા.
હવે સવાલ એ ઉભો થાય છે કે આખરે આ વીમો ક્યારે અને કેવી રીતે મળે?
જે કર્મચારીઓનો પીએફ કપાય છે, કંપની તેના મૂળ પગાર એટલે બેઝિક સેલેરી+ડીએનો 0.5 ટકા હિસ્સો દર મહિને પ્રીમિયમ પેટે જમા કરે છે. મૂળ પગારની મહત્તમ સીમા 15,000 રૂપિયા ફિક્સ છે. આ રીતે EDLIના અવેજમાં કંપની તરફથી દર મહિને 75 રૂપિયા જમા કરવામાં આવે છે. આ પ્રીમિયમના આધારે કર્મચારીને 7 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે.
જો નોકરીના સમયગાળા દરમિયાન કોઇ કારણસર કર્મચારી દુનિયાને અલવિદા કરી દે છે તો તેના નોમિનીને વીમાનો લાભ મળશે. આ લાભ કુદરતી મોત, દુર્ઘટના અથવા બીમારીથી મૃત્યુ થવા પર મળે છે. પરંતુ આ વીમાનો લાભ ત્યારે જ મળશે જ્યારે કર્મચારીએ મૃત્યુ પહેલા ઓછામાં ઓછા 12 મહિના સુધી નોકરી કરી હોય અને તેનો પીએફ જમા થયો હોય. ભલે આ નોકરી એક કે એકથી વધુ કંપનીઓમાં કેમ ન કરી હોય. EDLI સ્કીમમાં જો કોઇ નોમિનીને રજિસ્ટર નથી કરાવ્યો તો કર્મચારીના જીવનસાથી, કુંવારી પુત્રીઓ અને સગીર બાળકોને આ વીમાના લાભાર્થી માનવામાં આવશે.
વીમાની રકમ કેટલી મળશે, તેની એક ફોર્મ્યુલા નક્કી છે. આ ફોર્મ્યુલા હેઠળ કર્મચારીની છેલ્લા 12 મહિનાની બેઝિક સેલેરીની એવરેજ કાઢવામાં આવે છે. આ રકમ જો વધારે હશે તો પણ વીમાની ગણતરી 15,000 રૂપિયા પર જ કરવામાં આવશે. વીમાની રકમ બેઝિક સેલેરીની 35 ગણી હોય છે. તેમાં 1.75 લાખ રૂપિયા સુધીનું બોનસ ઉમેરાય છે. આ બોનસ કર્મચારીના અંતિમ 12 મહિનાના એવરેજ પીએફ બેલેન્સના આધારે નક્કી કરવામાં આવે છે. જો કે વીમાનો મહત્તમ લાભ 7 લાખ રૂપિયા જ મળે છે. EDLI હેઠળ વીમાની ન્યુનતમ રકમ 2.5 લાખ રૂપિયા છે.
ઉદાહરણ તરીકે કર્મચારીની માસિક બેઝિક સેલેરી 15,000 રૂપિયા છે. અને તેનું આકસ્મિક મૃત્યુ થઇ જાય તો વીમાની ગણતરી આ પ્રકારે થશે. 15,000×35 = 5,25,000 રૂપિયા..સાથે જ તેમાં 1,75,000 રૂપિયાનું બોનસ ઉમેરાશે. આ રીતે કર્મચારીના પરિવારને વીમા પેટે સાત લાખ રૂપિયા મળશે.
EPF સબ્સ્ક્રાઇબરના મોતના સંજોગોમાં તેના નોમિની કે કાયદેસરના વારસદાર વીમાની રકમ માટે ક્લેમ કરી શકે છે. જેના માટે નોમિનીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઇએ. વારસદારની ઉંમર જો 18 વર્ષથી ઓછી હોય તો તેના ગાર્ડિયન મારફતે વીમાની રકમ ક્લેમ કરી શકાય છે. ક્લેમ કરતી વખતે ડેથ અને સક્સેશન સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટની જરુરિયાત પડશે. PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે એમ્પ્લોયરની પાસે જમા કરવામાં આવતા ફોર્મની સાથે ઇન્સ્યોરન્સ કવરનું ફોર્મ 5 IF જમા કરવું પડશે. સામાન્ય પ્રક્રિયા પૂરી કરવા પર પીડિત પરિવારને વીમાની રકમ મળી જશે.
જો તમે EPFOના સભ્ય છો અને PF કપાઇ રહ્યું છે તો UANની વિગતો પોતાના પરિવારોની સાથે શેર કરો. જો PF ખાતામાં અત્યાર સુધી નોમિની રજિસ્ટર નથી કરાવ્યો તો આ કામ જલદી પુરુ કરી લો. લગ્ન બાદ નોમિની અપડેટ કરી લો. જીવનસાથીની સાથે સમયાંતરે પીએફ, EPS અને EDLI અંગે ચર્ચા કરો. આ ડિટેલની ડાયરીમાં નોંધ કરીને રાખો. ખરાબ સમય કહીને નથી આવતો. જો નોમિનીને આ અંગે સંપૂર્ણ જાણકારી હશે તો તેને ક્લેમ લેવા માટે આમતેમ ભટકવું નહીં પડે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો