Money9 Gujarati:
સરકાર દિવાળી સુધીમાં ઘર ખરીદવા માંગતા લોકોને મોટી રાહત આપે તેવી શક્યતા છે. શહેરોમાં નાના ઘર ખરીદવા માંગતા લોકોને પાંચ વર્ષ સુધી લોનમાં સબસિડી (housing loan interest subsidy scheme) આપવા માટે સરકાર 60,000 કરોડ રૂપિયા (7.2 અબજ ડૉલર)નો ખર્ચ કરવાની વિચારણા કરી રહી છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સને બે સરકારી અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે, એકાદ-બે મહિનામાં બેન્કો દ્વારા આ સ્કીમની જાહેરાત થઈ શકે છે. ચાલુ વર્ષના અંતે મહત્ત્વનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે અને મે-2024માં લોકસભાની ચૂંટણી છે, જેને ધ્યાનમાં રાખીને સરકાર વહેલી તકે હોમ લોનમાં સબસિડી આપવાની સ્કીમ જાહેર કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી આવી રહી હોવાથી સરકારે મોંઘવારીનો મુદ્દો ડામવા માટે તાજેતરમાં રાંધણ ગેસના ભાવમાં લગભગ 18 ટકા ઘટાડાની પણ જાહેરાત કરી હતી અને હવે નાના ઘર ખરીદદારોને રાહત આપવાની યોજના પર વિચારણા ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસના ભાષણમાં હાઉસિંગ લોનમાં સબસિડી આપવાની યોજના જાહેર કરી હતી, પરંતુ તેની વિગતવાર માહિતી મળી નહોતી. સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે, 9 લાખ રૂપિયા સુધીની લોન રકમ પર વાર્ષિક 3 ટકાથી 6.5 ટકાની વચ્ચે ઈન્ટરેસ્ટ સબસિડી જાહેર થઈ શકે છે. 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાથી ઓછી હાઉસિંગ લોન લેનારાને આ સૂચિત સ્કીમનો ફાયદો મળશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
“વ્યાજ દરમાં ઘટાડાની રકમ (interest subvention) લાભાર્થીના હાઉસિંગ લોન ખાતામાં સીધે સીધી જમા કરવામાં આવશે. આ સ્કીમ 2028 સુધી ચાલુ રાખવાની ભલામણ છે અને સ્કીમની રૂપરેખા તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ત્યારબાદ કેન્દ્ર સરકારની કેબિનેટ તરફથી મંજૂરી મેળવવામાં આવશે,” એમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. હાઉસિંગ લોન ઈન્ટરેસ્ટ રેટ પર સબસિડીની સ્કીમથી શહેરોનાં ઓછી આવક ધરાવતાં દેશનાં 25 લાખ લોન અરજીકર્તાને ફાયદો થશે.
મોદીએ 15 ઓગસ્ટના ભાષણમાં કહ્યું હતું કે, “આગામી વર્ષોમાં અમે નવી સ્કીમ લઈને આવીશું, જેનાથી શહેરોમાં ભાડાંનાં મકાનમાં રહેતા અથવા સ્લમ વિસ્તારમાં કે ચાલીમાં અથવા બિનઅધિકૃત કોલોનીમાં રહેતા પરિવારોને ફાયદો થશે.”
સરકાર આ સ્કીમની જાહેરાત કરતાં પહેલાં બેન્કો સાથે મીટિંગ યોજે તેવી ધારણા છે. જોકે, બેન્કોને અને ફાયનાન્સ કંપનીઓને હજુ સુધી ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યા નથી, એમ સરકારી અધિકારીને ટાંકીને રોઈટર્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બેન્કોએ આવા લાભાર્થીની એક યાદી તૈયાર કરવી પડશે અને જો સરકાર સ્કીમ જાહેર કરશે તો એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને પ્રોત્સાહન મળશે એમ સરકારી અધિકારીએ ઉમેર્યું હતું.
શહેરોમાં વસવાટ કરતાં અને ઓછી આવક ધરાવતા લોનધારકોને અગાઉ પણ સરકારે ઈન્ટરેસ્ટ સબસિડી આપી હતી. અગાઉ 2017થી 2022 દરમિયાન આવી સ્કીમ હેઠળ 1.227 કરોડ ઘરને લોન મળી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો