દેશનાં મુખ્ય શહેરોમાં 2023ના પ્રથમ છ મહિનામાં મકાનોના ભાડાંમાં 8 ટકાથી 16 ટકા સુધીનો વધારો થયો છે. બેંગાલુરુના અમુક વિસ્તારોમાં મકાનમાલિકોએ ભાડું 20% વધારી દીધું છે.
મકાન ભાડાંમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ પૉલિસી બંધ કરીને કર્મચારીઓને ઓફિસે બોલાવવાનું શરૂ કર્યું હોવાથી હાઉસિંગ પ્રોપર્ટીના ભાડાંમાં વધારો થયો છે. પ્રોપર્ટી પ્લેટફોર્મ નો-બ્રોકરના રિપોર્ટ અનુસાર, 2023ના પ્રથમ છ મહિનામાં ઘરના ભાડાંમાં 20 ટકા વધારો થયો છે. 34,000 ગ્રાહકોની પ્રોપર્ટીની માંગના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે બેંગાલુરુ, મુંબઈ, દિલ્હી-NCR, ચેન્નાઈ, હૈદરાબાદ અને પૂણે સહિતનાં મુખ્ય શહેરોનાં ભાડુઆતો તથા ખરીદદારોની સાથે સાથે મકાન માલિકો પાસેથી પણ માહિતી ભેગી કરવામાં આવી હતી.
કામના સ્થળની પાસે મકાનની માંગ વધી
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મોટા ભાગનાં લોકો તેમની ઓફિસ કે ધંધાના સ્થળની નજીક રહેવાનું પસંદ કરે છે. આથી, ભાડાંના મકાનોની માંગ વધી રહી છે. લોકોની પ્રાથમિકતા બદલાઈ ગઈ હોવાથી ઑફિસો તથા બગીચાની પાસે સંપત્તિની માંગ વધી છે. જરૂરિયાતની સામે માંગ વધારે હોવાથી જગ્યા ખૂટી પડી છે. જગ્યા મર્યાદિત છે અને લોકો વધારે છે અને તેનો ફાયદો મકાનમાલિકો ઉઠાવી રહ્યાં છે. તેમણે ભાડાં વધારી દીધા છે. ખાસ કરીને બેંગાલુરુના પૂર્વ વિસ્તારમાં મકાન ભાડે લેવા માટે પડાપડી થઈ રહી છે અને તેનો લાભ લઈને મોટા ભાગનાં મકાનમાલિકોએ ભાડાં 20 ટકા વધારી દીધા છે.
કયા શહેરમાં કેટલા ભાડાં
દેશનાં મુખ્ય શહેરોમાં 2023માં ભાડાંમાં 8 ટકાથી 16 ટકા સુધીનો વધારો થયો છે. બેંગાલુરુમાં સૌથી વધુ 16 ટકા વૃદ્ધિ થઈ છે. ત્યારબાદ પૂણેમાં 12 ટકા, હૈદરાબાદમાં 11 ટકા, દિલ્હી-NCRમાં 10 ટકા, મુંબઈમાં 9 ટકા અને ચેન્નાઈમાં 8 ટકા વધારો થયો છે.
Published - August 21, 2023, 03:56 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો