Money9: 15 વર્ષ સુધી નિયમિત રોકાણ કરીને મોટું ફંડ એકત્રિત કરવા માટે પબ્લિક પ્રોવિડંટ ફંડ સ્કીમથી વધારે સારી સ્કીમ બીજી કોઇ નથી. PPF પર હાલ 7.1% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે જે કોઇપણ બેંક ડિપોઝિટ કરતાં વધુ છે. પરંતુ PPF એક લાંબુ કમિટમેન્ટ છે. તેનો 15 વર્ષનો લોક ઇન પીરિયડ ઘણીવાર તમને ખૂંચતો હશે. તેના 15 વર્ષના ટેન્યોરમાં પૈસા વિડ્રો કરવાથી લઇને લોન લેવાના ઘણાં રસ્તા ખુલ્લા રહે છે.
ક્યા વર્ષથી મળે છે લોન
PPF પર લોન લેવી છે તો એકાઉન્ટ ખુલ્યાના ત્રીજા નાણાકીય વર્ષથી જ લોન મળે છે. ત્રીજા નાણાકીય વર્ષથી લઇને છઠ્ઠા નાણાકીય વર્ષની સમાપ્તિ સુધી તમે PPFથી લોન લઇ શકશો. આને આ રીતે સમજો. તમે જુલાઇ 2019માં PPF ખાતું ખોલ્યું છે તો 2019-20 થઇ ગયું પહેલુ નાણાકીય વર્ષ, પછી બીજુ નાણાકીય વર્ષ થઇ ગયુ 2020-21 અને ત્રીજું 2021-22. તો ત્રીજા નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2021થી લઇને છઠ્ઠા નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધી એટલે કે 31 માર્ચ 2025 સુધી લોન લઇ શકાય છે.
લોનની રકમ ખાતામાં જમા કુલ રકમના 25 ટકા સુધી હોઇ શકે છે. PPF પર લોન લો તો પહેલા મુદ્દલ ચુકવવી પડે છે અને બાદમાં વ્યાજ ચુકવવું પડે છે. મુદ્દલને હપ્તેથી ચૂકવી શકો છો પરંતુ લોન લેવાની તારીખથી 36 મહિના એટલે કે 3 વર્ષની અંદર આ લોન ચૂકવવાની હોય છે.
PPF પર વ્યાજ
PPF પર જે વ્યાજ મળી રહ્યું છે, લોન તેનાથી 1% વધુ વ્યાજે મળશે. અત્યારે PPF પર 7.1% વ્યાજ મળી રહ્યું છે તો તેની પર લોન તમને 8.1% પર મળશે. PPF પર વ્યાજ દર ત્રિમાસિક આધારે બદલાય છે, પરંતુ લોનનો દર લોન ચૂકતે કરવા સુધી તે જ રહેશે જે લોન લેતી વખતે નક્કી થયો હતો.
જો તમે નિયત સમય મર્યાદામાં લોન ન ચૂકવી તો લોનની બાકી રકમ તમારા PPF એકાઉન્ટમાંથી કાપવામાં આવશે. સાથે જ વધેલી લોન પર PPFના હાલના વ્યાજથી 6 ટકા વધુ વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે. આ 6% વ્યાજ દર જે મહિનામાં લોન લીધી છે, તેના પછીના મહિનાના પહેલા દિવસથી લાગુ થઇ જશે. જે મહિને છેલ્લા હપ્તાની ચૂકવણી કરશો તે જ દિવસ સુધી વ્યાજ દર લાગુ રહેશે. એટલે પહેલા જે વ્યાજ દર 1% હતો તે લોન 36 મહિનાની અંદર ન ચૂકવો તો લોનની શરૂઆતથી 6% થઇ જશે. જો રોકાણકારનું મૃત્યુ થઇ જાય છે તો તેના નોમિની કે કાયદેસરના વારસદાર તેની લોનના વ્યાજની ચુકવણી કરશે.
પૈસાની અચાનક જરૂર પડે ત્યારે પર્સનલ લોન એક સરળ વિકલ્પ દેખાય છે. કોઇપણ જાતના કોલેટરલ વગર મળી જાય છે પરંતુ તેની પર ઘણું ઉંચુ વ્યાજ વસૂલવામાં આવે છે. આવી સ્થિતિમાં PPF જેવું રોકાણ તમારા માટે મદદગાર સાબિત થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો