Money9 Gujarati:
Education Loan: ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોનનું ચલણ વધ્યું હોવાથી એજ્યુકેશન લોનમાં દર વર્ષે જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં એજ્યુકેશન લોનમાં છેલ્લાં 5 વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. એપ્રિલ-ઓક્ટોબર 2023 દરમિયાન, એજ્યુકેશન લોન 20.6 ટકા વધીને 1,10,715 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના રિપોર્ટ અનુસાર, આ વધારો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં (એપ્રિલ-ઓક્ટોબર 2022)માં 96,853 કરોડ રૂપિયાની એજ્યુકેશન લોન લેવાઈ હતી.
નાણાકીય વર્ષ 2022-2023ના સમાન સમયગાળામાં એજ્યુકેશન લોનમાં માત્ર 12.3 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી જ્યારે નાણાકીય વર્ષ 2021-2022માં તો એજ્યુકેશન લોનમાં 3.1 ટકાનો ઘટાડો થયો હતો. છેલ્લાં 1 વર્ષમાં ફોરેન એજ્યુકેશન લોન માટે લોન લેવાનું પ્રમાણ વધ્યું છે અને સરરેાશ 40 લાખથી 60 લાખ રૂપિયાની લોન લેવામાં આવી છે. છેલ્લાં 1 વર્ષમાં બેન્કોએ આપેલી એજ્યુકેશન લોનમાં આવી લોનનો હિસ્સો 65 ટકા જેટલો રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધ્યો છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો વિદેશી શિક્ષણ માટે લોન લઈ રહ્યા છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોનની સરળ ઉપલબ્ધતાને કારણે આમાં વધુ વધારો થયો છે. માહિતી અનુસાર, આ વખતે લગભગ 65 ટકા એજ્યુકેશન લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ લોન સામાન્ય રીતે 40થી 60 લાખ રૂપિયાની વચ્ચે હોય છે.
નિષ્ણાતોના મતે, એજ્યુકેશન લોનની માંગમાં વધારો થવા પાછળનું એક મુખ્ય કારણ કોવિડ પછી ઑફલાઇન કેમ્પસ અભ્યાસક્રમોનું પુનરુત્થાન છે. કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ફરીથી આમંત્રણ આપવાના કારણે એજ્યુકેશન લોન વધી રહી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં બેંકો અને નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFC) માટે લોનના નિયમો કડક બનાવ્યા હતા. જોકે, એજ્યુકેશન લોન સંબંધિત નિયમોમાં છૂટછાટ યથાવત્ રાખી હતી. આના કારણે આગામી મહિનાઓમાં શિક્ષણ ક્ષેત્રે લીધેલી લોનમાં વધુ વધારો જોવા મળી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો