MONEY9: સુરતમાં રહેતા રાજેશભાઈ એક બિઝનેસમેન છે. 35 વર્ષના તો થઈ ગયા છે, પરંતુ તેમણે પોતાના રિટાયરમેન્ટ માટે હજુ સુધી કોઈ પ્લાનિંગ નથી કર્યું. તેમણે મિત્રોને પૂછપરછ કરી તો, નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે, NPSમાં રોકાણ કરવાની સલાહ મળી. ઘડપણમાં પેન્શન મળતું હોવાથી રાજેશભાઈએ NPSમાં રોકાણ માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી દીધી. પરંતુ ફૉર્મ ભરતી વખતે જ તેઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા, કારણ કે, NPSમાં ઑટો અને એક્ટિવ ચોઈસ એમ બે વિકલ્પમાંથી એકની પસંદગી કરવાની હોય છે.
કયો વિકલ્પ કરવો પસંદ? આ બંને વિકલ્પમાંથી કોની પસંદગી કરવી તેને લઈને રાજેશભાઈ મૂંઝવાઈ ગયા, કારણ કે બંને વિકલ્પ શું છે અને તેના ફાયદા-ગેરફાયદા શું છે, તે અંગે રાજેશભાઈની જેમ ઘણા લોકો અજાણ છે. ઘણા લોકોને તો એ જ ખબર નથી કે, NPS શું છે અને આ પેન્શન યોજના કેવી રીતે કામ કરે છે.
NPS શું છે? જાન્યુઆરી 2004માં માત્ર સરકારી કર્મચારીઓ માટે NPSની શરૂઆત થઈ હતી. પછી વર્ષ 2009માં તમામ વર્ગના લોકો માટે આ યોજનાના દરવાજા ખોલવામાં આવ્યા. આ યોજના હેઠળ તમે કમાવાની ઉંમર દરમિયાન નિયમિતપણે રોકાણ કરી શકો છો. આ રોકાણથી જેટલી રકમ જમા થશે, તેમાંથી 60 ટકા રકમ તમે 60 વર્ષના થઈ જાવ ત્યારે ઉપાડી શકશો જ્યારે બાકીની 40 ટકા રકમની એન્યુટી ખરીદવી પડશે. એન્યુટી દ્વારા જ તમને પેન્શન સ્વરૂપે નિયમિત આવક થશે.
NPS કેવી રીતે કામ કરે છે? NPSમાં તમે જે પૈસા રોકો છો, તે ઈક્વિટીમાં, કૉર્પોરેટ બૉન્ડમાં અને સરકારી સિક્યૉરિટીઝમાં રોકવામાં આવે છે. કેટલો હિસ્સો ઈક્વિટીમાં અને કેટલો હિસ્સો ડેટમાં રોકવો છે, તે નક્કી કરવા માટે તમારે ઑટો અને એક્ટિવ વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરવી પડે છે. પરંતુ, રાજેશભાઈની જેમ ઘણા રોકાણકારોને એ નથી સમજાતું કે આ બંનેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો? તો ચાલો, સમજીએ કે ઑટો અને એક્ટિવ વિકલ્પ કેવી રીતે કામ કરે છે?
ઑટો ચોઈસ NPSમાં ઑટો ચોઈસ વિકલ્પ પસંદ કરો, તો તેનો અર્થ એવો થાય કે, તમે ફંડ મેનેજરને તમારા પૈસા ક્યાં રોકવા તેનો નિર્ણય લેવાની સ્વતંત્રતા આપો છો. એટલે કે, ફંડ મેનેજર પોતાની રીતે તમારા પૈસા ઈક્વિટી કે ડેટમાં રોકશે. ઑટો અલોકેશન હેઠળ NPSમાં ત્રણ ફંડ છે. પહેલું ફંડ છે ડિફૉલ્ટ મૉડરેટ લાઈફ સાઈકલ ફંડ, જેમાં ખાતેધારકની મહત્તમ 50 ટકા રકમ જ ઈક્વિટીમાં રોકી શકાય છે. બીજું ફંડ છે કંઝર્વેટિવ લાઈફ સાયકલ ફંડ. આ ફંડ હેઠળ ઈક્વિટીમાં 25 ટકા સુધી રોકાણ કરવાની છૂટ મળે છે. અને ત્રીજું ફંડ છે એગ્રેસિવ લાઈફ સાયકલ ફંડ, જેમાં તમારા કુલ રોકાણની 75 ટકા રકમ ઈક્વિટીમાં રોકવાની છૂટ મળે છે.
એક્ટિવ ચોઈસ આ વિકલ્પ હેઠળ, તમારા પૈસાનું ક્યાં અને કેટલું રોકાણ કરવું તેનો નિર્ણય રોકાણકારે જાતે લેવાનો હોય છે. જો તમે એક્ટિવ ચૉઈસ વિકલ્પ અપનાવશો તો, પોતાની રીતે ઈક્વિટી, બૉન્ડ કે અન્ય વિકલ્પોમાં રોકાણ કરી શકશો. જોકે, એક્ટિવ વિકલ્પ હેઠળ ઈક્વિટીમાં મહત્તમ 75 ટકા રોકાણ કરવાની છૂટ મળે છે. આ વિકલ્પમાં ફંડ મેનેજર દ્વારા રોકાણકારને ઈન્વેસ્ટમેન્ટ સ્કીમની તમામ પ્રકારની વિગત આપવામાં આપવામાં આવે છે અને તેમાંથી રોકાણકારે પોતાના જોખમ અનુસાર નિર્ણય લેવાનો હોય છે.
એક્સપર્ટનો અભિપ્રાય ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ બાબતોના નિષ્ણાત બલવંત જૈન કહે છે કે, ઑટો કે એક્ટિવ ચોઈસ આ બેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તેને લઈને જો તમે મૂંઝવણમાં હોવ તો, તમારા માટે ઑટો અલોકેશન વિકલ્પ ઉપયોગી છે. આ વિકલ્પ દ્વારા રોકાણકારને ઉંમરના જોખમ અનુસાર પોતાની મૂડી વિવિધ એસેટમાં સમાન રીતે વહેંચવામાં મદદ મળે છે. થોડા સમય પછી જ્યારે રોકાણકારને બજારની સમજ પડવા લાગે ત્યારે તેણે એક્ટિવ ચોઈસનો વિકલ્પ પસંદ કરીને પોતાનો પોર્ટફોલિયો જાતે મેનેજ કરવાનો રસ્તો અપનાવવો જોઈએ.
પહેલાં ઓટો પછી એક્ટિવ જૈનનું કહેવું છે કે, એક્ટિવ વિકલ્પ પસંદ કરતાં પહેલાં રોકાણકારે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જે લોકોને ઈક્વિટી અને ડેટ માર્કેટમાં બરાબર સમજ પડતી હોય અને જે લોકો મૂડીબજારની તમામ હિલચાલ પર ચાંપતી નજર રાખી શકતા હોય, તેમણે જ એક્ટિવ વિકલ્પ પસંદ કરવો જોઈએ. જે લોકો મૂડીબજારના બદલાતા પ્રવાહથી પરિચિત ના રહી શકતા હોય અને જોખમ ખેડવાની ક્ષમતા ઓછી હોય, તેમણે ઓટો ચોઈસ વિકલ્પ અપનાવવો જોઈએ અને ચિંતામુક્ત થઈને રોકાણ કરવું જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો