Money9: ત્રણ મહિના પહેલા ત્યારે મોહિતની ખુશીનો કોઈ પાર ન રહ્યો જ્યારે તેણે પહેલી વાર તેની દીકરીને ખોળામાં લીધી…તેના મોંમાથી શબ્દો સરી પડ્યા- મોટી થઇને એન્જિનિયર બનશે… ખુશીઓની સાથે, મોહિતની જવાબદારીઓ પણ વધી ગઈ.. તે તેની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યારથી જ ચિંતિત છે… તેના મિત્રએ તેને સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSYમાં રોકાણ કરવાની સલાહ આપી… સુકન્યા સમૃદ્ધિ યોજના એવા માતા-પિતા માટે છે જેમના ઘરમાં દીકરી છે. તે ઊંચા વ્યાજની સાથે ટેક્સ પણ બચાવે છે. આવો જાણીએ આ યોજનાના દ્વારા મોહિત કેવી રીતે પોતાની દીકરીના શિક્ષણ માટે લાખો ભેગા કરી શકે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા માટે, તમારુ રેસિડેન્ટ ઇન્ડિયન હોવું અને બાળકીના માતા-પિતા અથવા કાયદેસરના વાલી હોવું જરૂરી છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું બાળકીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી ખોલી શકાય છે…એક પરિવારમાં બે દીકરીઓના નામે ખાતું ખોલાવી શકાય છે. પોસ્ટ ઓફિસ અથવા બેંક શાખામાં ખાતું ખોલી શકાય છે. ઓછામાં ઓછા 250 રૂપિયાથી ખાતું ખોલી શકાય છે. દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ રકમ એકસાથે અથવા હપ્તેથી જમા કરાવવાની સુવિધા છે.
સુકન્યા સમૃદ્ધિ ખાતુ ખુલવાની તારીખથી 15 વર્ષ સુધી પૈસા જમા કરાવી શકાય છે. ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી મચ્યોર થશે. છોકરી 18 વર્ષની થાય ત્યારે તેના લગ્ન માટે એકાઉન્ટ બંધ કરવાનો વિકલ્પ મળે છે. છોકરી 18 વર્ષની થાય કે 10મું પાસ કર્યા બાદ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં જમા રકમથી 50 ટકા પૈસા ઉપાડવાની અનુમતિ છે… જો કે, આ પૈસા માત્ર દીકરીના શિક્ષણ ખર્ચ માટે જ ઉપાડી શકાય છે.
SSY ખાતું ખોલ્યાના 5 વર્ષ બાદ અમુક શરતો હેઠળ પ્રી-મેચ્યોર વિડ્રોઅલ એટલે કે સમય પહેલા ઉપાડ કરી શકાય છે. આમાં ખાતાધારકનું મૃત્યુ, ખાતાધારકની ગંભીર બીમારી અને એકાઉન્ટ ચલાવતા માતા-પિતાનું મૃત્યુ સામેલ છે. સરકારે નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે 8.2 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો છે. વ્યાજ દર દરેક ત્રિમાસિક ગાળામાં સંશોધિત થાય છે. આ યોજના લાગૂ થવાથી લઇને અત્યાર સુધી આ સ્કીમમાં સૌથી વધુ 9.2 ટકા જ્યારે સૌથી ઓછું 7.6 ટકા વ્યાજ ખાતાધારકોને મળ્યું છે.
મોહિત તેની પુત્રીના ભવિષ્ય માટે સુકન્યા યોજના દ્વારા કેટલા પૈસા ઉમેરી શકશે..તેને કેલ્ક્યુલેશનથી સમજી. ધારો કે મોહિત દર વર્ષે દોઢ લાખ એટલે કે મહિને 12,500 રૂપિયા તેની પુત્રીના નામે ખોલવામાં આવેલા સુકન્યા સમૃદ્ધિ ખાતામાં 15 વર્ષ સુધી જમા કરે છે. જેના પર તેને 21 વર્ષના ટેન્યોર દરમિયાન 8 ટકા વ્યાજ મળે છે. તો 21 વર્ષ બાદ જ્યારે ટેન્યોર પૂરો થશે, ત્યારે તેની પુત્રી પાસે હાયર એજ્યુકેશન માટે લગભગ 70 લાખ રૂપિયા હશે…જ્યારે તેની ડિપોઝિટ 22.5 લાખ રૂપિયા હશે. એટલે કે, ત્રણ ગણું રિટર્ન. વ્યાજ દર ત્રિમાસિક ધોરણે સંશોધિત થવાના કારણે તેમાં તેમાં વધારો કે ઘટાડો શક્ય છે…એટલે કે, મેચ્યોરિટી એમાઉન્ટ વધુ કે ઓછી હોઈ શકે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વધુ રિટર્નની સાથે ટેક્સ છૂટ પણ છે. હકીકતમાં તે ટ્રિપલ E એટલે એક્ઝેમ્પ્ટ, એક્ઝેમ્પ્ટ, એક્ઝેમ્પ્ટ કેટેગરીની સ્કીમ છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રોકાણ પર મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકાય છે. બીજું દર વર્ષે મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી છે. મેચ્યોરિટી પર દીકરીને હાથમાં આવતા પૈસા પર કોઈ ટેક્સ નથી.
દીકરીના અભ્યાસ અને લગ્ન માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એક સારો વિકલ્પ છે…ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ શેરબજારના ઉતાર-ચડાવથી ડરે છે અને ફિકસ્ડ રિટર્ન ઇચ્છે છે. સુકન્યા યોજનામાં પૈસા સુરક્ષિત માનવામાં આવે છે કારણ તે ભારત સરકાર દ્વારા ચલાવાતી સ્મોલ સેવિંગ્સ સ્કીમ છે. દીકરીની ઉંમર નાની હોય ત્યારથી જ સુકન્યામાં રોકાણ કરવાનું શરૂ કરી દો જેથી સમયસર લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. રોકાણ કરવા માટે જો લાંબો સમય તમારા હાથમાં છે તો જ સુકન્યા યોજનામાં રોકાણ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો