Money9: વરસાદના દિવસોમાં અલીગઢના અમિતનું બે માળનું મકાન ધડાકાભેર તૂટી પડ્યું. તેમાં જ્વેલરી, કપડા, ટીવી, ફ્રિજ અને એસી જેવો સામાન બરબાદ થઇને પાણીમાં વહી ગયો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ તો ન થઇ. પરંતુ અમિત આર્થિક રીતે તૂટી ગયો. જો અમિતે પોતાના મકાનનો વિમો કરાવ્યો હોત તો આજે આ દિવસ જોવો ન પડત. NSSOના એક રિપોર્ટ અનુસાર વીમા સુરક્ષાના અભાવમાં કુદરતી આપત્તિઓથી સંપત્તિને તો નુકસાન થાય જ છે સાથે સાથે આવકના મામલે અમીરો કરતાં ગરીબોને વધુ ભોગવવું પડે છે.
પ્રોપર્ટીનો વીમો કરાવો
દેશના કોઇને કોઇ ખૂણામાં પૂર, વાવાઝોડા, ધરતીકંપ, સુનામી, દુષ્કાળ, ભુસ્ખલન અને અતિવૃષ્ટિ જેવી આફતોની આશંકા હંમેશા રહેતી હોય છે. નુકસાન બાદ સરકાર, NGO અને આંતર રાષ્ટ્રીય એજન્સીઓ રાહત માટે આગળ આવે તો છે જ પરંતુ તેનાથી પીડીતોનું કંઇ ખાસ ભલુ નથી થતું. જેના કારણે દેશમાં ગરીબ અને અમીર વચ્ચેનું અંતર સતત વધતુ રહે છે. અમિત જેવી સ્થિતિથી બચવા માટે પોતાના મકાન, દુકાન, ગોડાઉન જેવી પ્રોપર્ટીનો વીમો જરૂર કરાવો. કુદરતી આપત્તિઓ જેવા જોખમો સામેનો વીમો જનરલ ઇન્સ્યોરન્સ કેટેગરીમાં આવે છે. બધી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ કુદરતી આપત્તિઓથી થતા નુકસાનની ભરપાઇ માટે ઘણા પ્રકારના વીમા ઉત્પાદનો વેચી રહી છે. તેમાંથી તમે તમારી જરૂરિયાતના હિસાબે વિકલ્પની પસંદ કરી શકો છો.
કેટલીક વીમા પ્રોડક્ટ એવી પણ છે, જેમાં બધા પ્રકારના જોખમોને કવર કરવામાં આવે છે. આવા સંજોગોમાં હાઉસ હોલ્ડ અને પર્સનલ એક્સીડેન્ટ વીમા પોલિસી ખરીદીને મકાન-દુકાન કવર મેળવી શકો છો. બિઝનેસમેન ફાયર અને પ્રોજેક્ટ ઇન્સ્યોરન્સ ખરીદીને પોતાના ધંધાને જોખમો સામે સુરક્ષિત કરી શકે છે.
વીમો 3 પ્રકારનો
ઇન્સ્યોરન્સ એક્સપર્ટ વિકાસ સિંઘલ કહે છે કે સામાન્ય રીતે વીમા કંપનીઓ બિલ્ડિંગના માળખાને કવર કરે છે. જો કે આ વીમામાં મકાન અને દુકાનમાં રાખવામાં આવેલા સામાનને પણ કવર કરી શકાય છે. કુલ મળીને મકાન-દુકાનનો વીમો 3 પ્રકારનો હોય છે. પહેલો બિલ્ડિંગનો, બીજો સામાનનો અને ત્રીજો આ બન્નેનો. ઘરના સામાનમાં ઘરમાં રાખેલી જ્વેલરી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, એસી અને અન્ય ઇલેક્ટ્રિક પ્રોડક્ટ સામેલ હોય છે. પોલિસી ખરીદતી વખતે આનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. જો ભૂકંપ, સુનામી અને આગ કે પૂર જેવી કુદરતી આપત્તિઓથી ઘર કે સામાનને કોઇ નુકસાન થાય તો વીમા કંપની એક્ચ્યુઅલ કેશ વેલ્યૂ એટલે કે વાસ્તવિક કિંમતની ચુકવણી કરશે.
સામાન્ય રીતે પ્રોપર્ટીનો વીમો 10 થી 20 વર્ષ જેવા લાંબા ગાળા માટે હોય છે. આના માટે સિંગલ પ્રીમિયમ પોલિસી હોય છે. આ વીમાનું પ્રીમિમય ઘણું સસ્તુ હોય છે. જો ફ્લેટની કિંમત 40 લાખ રૂપિયા છે તો તેના માટે 10 વર્ષનું વીમા કવર અંદાજે 10 હજાર રૂપિયામાં મળી જશે. એટલે કે વાર્ષિક 1000 રૂપિયાનો ખર્ચો. જો રોજના હિસાબે જોઇએ તો આ ખર્ચ 3 રૂપિયાથી પણ ઓછો. જો આ પોલિસીમાં મકાનના ઇનબિલ્ટ કન્ટેન્ટના કવરને સામેલ કરો તો 8 લાખ રૂપિયાનું કવર મળી જશે. આ રીતે કુલ 48 લાખના સમ ઇન્સ્યોર્ડ માટે વાર્ષિક અંદાજે 1,050 રૂપિયાનો ખર્ચ આવશે. જો ઘરનું ફર્નીચર અને ઇલેક્ટ્રોનિક આઇટમને પણ કવર કરવામાં આવે તો પ્રીમિયમની રકમ થોડીક વધી જશે.
સિંઘલ કહે છે કે કુદરતી આપત્તિઓના વધતા જોખમને ધ્યાનમાં લેતા કાર કે બાઇકની જેમ પોતાના મકાન અને દુકાનનો પણ વીમો જરૂરી થઇ ગયો છે. જો કે વાહનોની જેમ પ્રોપર્ટીનો વીમો અનિવાર્ય નથી. પરંતુ તમે આ વીમાને ખરીદી લો તો ઘણાં પ્રકારની ચિંતાઓથી મુક્તિ મેળવી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો