MONEY9: સુરતમાં રહેતા વિપુલભાઈએ ત્રણ વર્ષ સુધી વાર્ષિક 50 હજાર રૂપિયાનું વીમા પ્રીમિયમ ભરે રાખ્યું, પરંતુ આ વીમો બંધ કરાવ્યો ત્યારે એક વર્ષના પ્રીમિયમ જેટલા પૈસા પણ પાછા ના મળ્યા. તેમણે ભર્યા દોઢ લાખ રૂપિયા, પરંતુ પાછા મળ્યા માત્ર 45 હજાર રૂપિયા. વિપુલભાઈ ટેન્શનમાં છે અને વિચારી રહ્યાં છે કે, વીમા કંપનીએ આવું કેમ કર્યું? બાકીના પૈસા કેમ કાપી લીધા??
સરેન્ડર વેલ્યુ પૉલિસીધારક જો મેચ્યોરિટી પહેલાં તેની પૉલિસી બંધ કરાવે તો, તેને સરેન્ડર માનવામાં આવે છે. વીમા કંપનીની શરત હોય છે કે, પૉલિસી સરેન્ડર કરવામાં આવે તો, વીમાધારકે ચૂકવેલી રકમનો અમુક હિસ્સો જ પરત મળે. આ હિસ્સાને વીમાજગતમાં સરેન્ડર વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે, જો તમે વીમા પૉલિસી લીધી હશે અને સમય પહેલાં બંધ કરાવી દેશો, તો તમારે ભારે ખોટ ખાવાનો વારો આવશે. મોટા ભાગની વીમા કંપનીઓ ચૂકવેલા પ્રીમિયમની માત્ર 30 ટકા રકમ પરત કરે છે. વીમા કંપની તમે ચૂકવેલા પ્રીમિયમની રકમમાંથી પૉલિસી સમયગાળાનો પૂરેપૂરો ખર્ચ વસૂલીને પછી જ પૈસા પાછા આપે છે.
કેટલી પૉલિસી થઈ સરેન્ડર? પૉલિસી મેચ્યોર થતાં પહેલાં તેને બંધ કરાવી દેવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેમ કે, વર્ષ 2021-22માં 2.3 કરોડથી પણ વધારે લાઈફ ઈન્સ્યૉરન્સ પૉલિસી સરેન્ડર થઈ, જે 2020-21માં સરેન્ડર થયેલી પૉલિસીની સંખ્યા કરતાં ત્રણ ગણી વધારે છે. નાણાકીય વર્ષ 2020-21માં માત્ર 69.78 લાખ પૉલિસી જ સરેન્ડર થઈ હતી. દેશમાં કાર્યરત 24 જીવન વીમા કંપનીમાંથી 16 કંપનીમાં સરેન્ડર થયેલી પૉલિસીની સંખ્યા 2020-21ની તુલનાએ 2021-22માં વધી છે. દેશની સૌથી મોટી વીમા કંપની LICના પૉલિસીધારકોએ સૌથી વધુ 2.12 કરોડ પૉલિસી સરેન્ડર કરાવી છે.
સરેરાશ પેઈડ-અપ વેલ્યુ નાણાકીય વર્ષ 2021-22માં સરેન્ડર થયેલી વીમા પૉલિસીની સરેરાશ પેઈડ-અપ વેલ્યુ 62 હજાર 552 રૂપિયા હતી, જ્યારે 2020-21માં આ વેલ્યુ 1 લાખ 67 હજાર 427 રૂપિયા હતી. આવી પરિસ્થિતિ પાછળનું કારણ છે કોવિડ મહામારી. કારણ કે, આ બીમારીએ લોકોની નોકરીઓ અને બચતનો હિસાબ-કિતાબ બગાડી નાખ્યો, એટલે કે, પરાણે પૉલિસીઓ સરેન્ડર કરાવવાનો વારો આવ્યો. આમ, પૉલિસી સરેન્ડર કરાવવાનું પ્રમાણ વધી રહ્યું છે, અને આથી, સરેન્ડર સંબંધિત નિયમો સમજી લેવા જરૂરી છે.
પ્રીમિયમ પરત મેળવવાની રીત સૌથી પહેલાં તો સમજી લો કે, કોઈ કારણસર જો તમારે પૉલિસી બંધ કરાવવાનો વારો આવે તો, તમે જમા કરાવેલી રકમ ત્રણ રીતે પરત મળે છે, જેમાં બે સરેન્ડર વેલ્યુ અને એક પેઈડ-અપ વેલ્યુ સામેલ છે. સરેન્ડર વેલ્યુના બે પ્રકારમાંથી, એક છે ગેરન્ટીડ સરેન્ડર વેલ્યુ અને બીજી છે સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ.
ગૅરન્ટીડ સરેન્ડર વેલ્યુ ગેરન્ટીડ સરેન્ડર વેલ્યુમાં 3 વર્ષનો લૉક-ઈન પીરિયડ હોય છે અને આ પીરિયડ સમાપ્ત થયા પછી જ, પૉલિસી સરેન્ડર થઈ શકે છે. જો, 3 વર્ષ પછી પૉલિસી સરેન્ડર કરાવવામાં આવે તો, પહેલા વર્ષે ચૂકવેલા પ્રીમિયમ અને એક્સિડેન્ટલ બેનિફિટ માટે ચૂકવેલા પ્રીમિયમ સિવાયની રકમ પરત મળે છે. આ બંને પ્રીમિયમ સિવાય જેટલું પ્રીમિયમ ચૂકવ્યું હશે, તેનો 30 ટકા હિસ્સો સરેન્ડર વેલ્યુ હેઠળ પરત કરવામાં આવે છે. સ્પેશિયલ સરેન્ડર વેલ્યુમાં વીમાની મૂળ રકમનો આધાર કુલ બોનસ અને સરેન્ડર વેલ્યુ પર રહેલો છે. તમામ વીમા કંપની પૉલિસી સરેન્ડર માટે જુદા-જુદા નિયમો અપનાવે છે.
પેઈડ-અપ વિકલ્પ પૉલિસીના પ્રીમિયમની રકમ પરત મેળવવાનો ત્રીજો રસ્તો છે પેઈડ-અપ. આ વિકલ્પ હેઠળ, તમારે પ્રીમિયમ ભરવું પડતું નથી, પરંતુ તમારી પૉલિસી ચાલુ રહે છે. પૉલિસીની ટર્મ પૂરી થઈ જાય એટલે, તમે ચૂકવેલા પ્રીમિયમના આધારે પૉલિસીની પેઈડ-અપ વેલ્યુ અને જમા થયેલી રકમ પર જો બોનસ મળવાપાત્ર હશે તો, તેને પરત કરવામાં આવશે. પરંતુ આ કેસમાં તમારે પૉલિસીની મુદત પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.
ગણિત સમજો ઉદાહરણ તરીકે, જો તમે 12 લાખ રૂપિયાના સમ એશ્યોર્ડ વાળો વીમો ઊતરાવ્યો હશે, તો 15 હજાર 144 રૂપિયાના 11 ક્વાર્ટર સુધી પ્રીમિયમ ભરવું પડશે. આ હિસાબે, તમે જમા કરેલા પ્રીમિયમની રકમ થશે 1.66 લાખ રૂપિયા. આમાં, સરેન્ડર વેલ્યુ હેઠળ તમને 36 હજાર રૂપિયા મળશે જ્યારે પેઈડ-અપ વેલ્યુ થશે 1.17 લાખ રૂપિયા. આમાં, પેઈડ-અપ વેલ્યુનો આંકડો મોટો લાગે છે, પરંતુ પૉલિસીનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષ છે, એટલે છેક 15 વર્ષ પછી તમારા હાથમાં 1.17 લાખ આવશે, જેનો કોઈ અર્થ નથી. આથી, વીમો લેતી વખતે તેના સરેન્ડર અને પેઈડ-અપ વેલ્યુ સંબંધિત નિયમોની માહિતી મેળવીને તેનું ગણિત સમજી લેવામાં જ સમજદારી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો