Money9: વીમા નિયમનકાર IRDAI એ વીમા પોલિસીઓને ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે વીમા કંપનીઓ પણ ડિજિટલ ઇન્સ્યોરન્સ બહાર પાડશે. તેથી, વીમાધારકે ઈલેક્ટ્રોનિક ઇન્સ્યોરન્સ એકાઉન્ટ એટલે કે EIA ખોલવું જરૂરી બની ગયું છે. આ એકાઉન્ટમાં તમે વીમા પોલિસીને ડિજિટલ ફોર્મેટમાં સાચવી શકશો ઉપરાંત તમારે તમારી જૂની પોલિસી પણ તેમાં ટ્રાન્સફર કરવી પડશે. ઇરડાના આ પગલાથી વીમાધારકોની ઘણી ચિંતાઓ દૂર થઈ ગઈ છે. કેવી રીતે ખુલશે ઇ-ઇન્શ્યોરન્સ એકાઉન્ટ, તેનાથી શું થશે ફાયદો? આવો 9 પોઇન્ટમાં સમજીએ-
સૌપ્રથમ તો એ જાણીએ કે ઇ-ઇન્શ્યોરન્સ શું છે? ઇલેક્ટ્રોનિક ઇન્સ્યોરન્સ એકાઉન્ટ એટલે કે E-insurance account ડીમેટ ખાતાની જેમ કામ કરે છે. આમાં તમે તમારી બધા પ્રકારની વીમા પોલિસીઓને ડિજિટલ ફોર્મેટમાં રાખી શકો છો. આ ખાતાનું મેઇન્ટેનન્સ ઇરડા તરફથી અધિકૃત ઇન્સ્યોરન્સ રિપોઝિટરી કરશે. આ ખાતામાં જમા પોલિસીઓને એક ક્લિક દ્વારા સરળતાથી એક્સેસ કરી શકાશે.
હવે જોઇએ કે રિપોઝિટરી શું હોય છે? ઇન્સ્યોરન્સ રિપોઝિટરી એટલે કે IR એ શેર ડિપોઝિટરીઝ અથવા મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્સીઓની જેમ કામ કરે છે. ઇન્સ્યોરન્સ રિપોઝિટરીનું લાઇસન્સ IRDAI દ્વારા જારી કરવામાં આવે છે. આ રિપોઝીટરીઝ વીમા કંપનીઓ દ્વારા લોકોને જારી કરાયેલી પોલિસીનો ડેટા ઈ-ફોર્મેટમાં રાખે છે. આ પોલિસીઓને ઈલેક્ટ્રોનિક પોલિસી અથવા ઈ-પોલીસી કહેવામાં આવે છે.
ક્યાં કરવી અરજી? IRDAIએ ઇ-ઇન્સ્યોરન્સ એકાઉન્ટ માટે 4 ઇન્સ્યોરન્સ રિપોઝિટરીને જવાબદારી સોંપી છે. આ રિપોઝીટરીઝ પાસે તમારી પોલિસી ડિજિટલ ફોર્મેટમાં સ્ટોર થશે. આ રિપોઝીટરીઝ છે – CAMS ઇન્શ્યોરન્સ રિપોઝીટરી, KARVY, NSDL ડેટાબેઝ મેનેજમેન્ટ અને સેન્ટ્રલ ઇન્સ્યોરન્સ રિપોઝીટરી ઓફ ઇન્ડિયા. આ રિપોઝીટરીઝ પહેલેથી જ દેશમાં ઇ ઇન્સ્યોરન્સ ખાતું ખોલવાની સુવિધા આપી રહી છે. આ એજન્સીઓની પાસે વીમા પોલિસીઓ ડિજિટલ સ્વરૂપમાં જમા થશે. આ સુવિધા શેરના ડીમેટ ખાતાની જેમ કામ કરશે.
એ પણ જાણી લઇએ કે આ ખાતું કેવી રીતે ખોલાવવું તમે બે રીતે ઈ-ઇન્સ્યોરન્સ ખાતું ખોલાવી શકો છો. ઓનલાઈન ખાતું ખોલવા માટે, તમારે ચાર રીપોઝીટરીઝમાંથી કોઇ એકની પસંદગી કરવાની રહેશે. પછી તમારે તેની વેબસાઈટ પર જઈને ઓપન ઈ-ઈન્સ્યોરન્સ એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમે તમારા PAN અથવા આધાર નંબર દ્વારા આગળની પ્રક્રિયા પૂર્ણ કરીને ખાતું ખોલી શકો છો.
ઑફલાઇન ખાતું ખોલવા માટે, તમારે ઇન્સ્યોરન્સ રિપોઝિટરીની સાઇટ પર જઇને ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. પછી તમારે આ ફોર્મ ભરીને તેને KYC ડોક્યુમેન્ટ્સ સાથે તમારી વીમા કંપનીની બ્રાન્ચમાં સબમિટ કરવું પડશે. આ ફોર્મ કુરિયર અથવા પોસ્ટ ઓફિસ દ્વારા પણ મોકલી શકાય છે. વીમા કંપની આ એપ્લિકેશનને સંબંધિત રિપોઝીટરીમાં મોકલશે જ્યાં આ ફોર્મને વેરિફાઇ કરવામાં આવશે. વેરિફાઇ પછીના સાત દિવસની અંદર તમારું EIA ખુલી જશે.
હવે સવાલ એ ઉભો થાય કે હાલની નીતિનું શું થશે? તમારી પહેલેથી ચાલી રહેલી પોલિસીને ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કરાવી લેવામાં જ શાણપણ છે. જેથી તમે પેપર્સ હેન્ડલ કરવાની ઝંઝટથી બચી શકો અને તમારી તમામ વીમા પોલિસી એક જગ્યાએ સ્ટોર કરી શકાય. આ કામ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. ઓનલાઈન પ્રક્રિયામાં, તમારે વીમા કંપનીનું નામ અને પોલિસી નંબર દાખલ કરવો પડશે. ઑફલાઇન પ્રક્રિયા માટે, તમારે ફોર્મ ભરવું પડશે અને તેને વીમા કંપનીની બ્રાન્ચમાં સબમિટ કરવું પડશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમને ઇમેઇલ અથવા SMS દ્વારા માહિતી મળશે.
બીજો એક મહત્વનો પોઇન્ટ એ છે કે નોમિની બનાવવો ફરજિયાત છે ઇ-ઇન્શ્યોરન્સ ખાતામાં નોમિનીની નોંધણી કરાવવી ફરજિયાત છે. વીમાધારક જીવીત ન હોય તો, નોમિની આ ખાતું પોતાના અધિકારમાં લઈ શકે છે. જરૂરિયાત મુજબ એક્સેસ કરી શકે છે.
હવે જાણીએ કે કેવા દસ્તાવેજોની જરુર પડશે. ઈ-ઇન્શ્યોરન્સ ખાતું ખોલવા માટે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, પાન કાર્ડ અને આધાર કાર્ડની જરૂર પડશે. એકાઉન્ટ વેરિફાઇ કરવા માટે, કેન્સલ ચેકની કોપી જોડવાની રહેશે.
શું ખાતું ખોલવાનો કોઇ ચાર્જ લાગશે? જો તમે રિપોઝીટરી દ્વારા ઈ-ઇન્સ્યોરન્સ ખાતું ખોલો છો, તો આ સુવિધા માટે કોઈ ચાર્જ નહીં લાગે. રિપોઝીટરી આ ખાતાના મેઇન્ટેનન્સ માટે અત્યારે કોઈ ફી નથી વસૂલી રહી. જો તમે વીમા કંપની દ્વારા EIA ખોલો છો, તો તે 50 કે 100 રૂપિયા ચાર્જ લઇ શકે છે.
હવે જોઇએ કે ખાતું ખોલવાથી શું ફાયદો થશે? ઈ-ઈન્શ્યોરન્સ ખાતું ખોલાવ્યા પછી, વીમાધારકને ઘણા મોટા લાભો મળશે. આ એકાઉન્ટ દ્વારા તમે તમારી બધી પોલિસીને એકસાથે ટ્રેક કરી શકશો. પોલિસી ક્યારે રિન્યૂ કરવાની છે અથવા ક્યારે મેચ્યોર થશે તેની સંપૂર્ણ વિગતો એક જગ્યાએ મળી જશે. ઉપરાંત, પોલિસી ડોક્યુમેન્ટ ખોવાઈ જવા અથવા ફાટી જવાની ચિંતા નહીં રહે.. તમે આ એકાઉન્ટ ગમે ત્યારે અને ગમે ત્યાંથી ઓપરેટ કરી શકો છો.
આ રીતે, ઈ-ઇન્સ્યોરન્સ ખાતું તમને પેપરવર્કના બોજ અને અન્ય ઘણી સમસ્યાઓમાંથી મુક્ત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમારી પાસે જૂની પોલિસી છે, તો તેને જલ્દી ઈ-ફોર્મેટમાં કન્વર્ટ કરાવી લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો