Money9: મેરઠના 40 વર્ષના મહાવીરને શેરડી માટે 20 લાખ રૂપિયાનું પેમેન્ટ મળ્યું છે. વીમા એજન્ટો તેમને સિંગલ પ્રીમિયમ પોલિસી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. આ રોકાણમાં તેમને અનેક પ્રકારના ફાયદાઓ ગણાવવામાં આવી રહ્યા છે. મહાવીરને આ પોલિસી વિશે કંઈ ખબર નથી. સિંગલ પ્રીમિયમ જીવન વીમા પોલિસી કેવી રીતે કામ કરે છે? આ પોલિસી કોણે ખરીદવી જોઈએ? આ પોલિસી ખરીદવાના ફાયદા અને ગેરફાયદા શું છે? આવો સમજીએ-
દેશના ખાનગી ક્ષેત્રમાં હવે લાંબા ગાળાની કાયમી નોકરીનું ચલણ ઘટી ગયું છે. ખાનગી ધંધામાં નિયમિત આવકનો કોઇ ભરોસો નથી હોતો. બિઝનેસ સાથે સંકળાયેલા કેટલાક લોકોને એવી ખબર નથી હોતી કે ભવિષ્યમાં તેમની પાસે નિયમિત પ્રીમિયમ ભરવા માટે પૈસા હશે કે નહીં… આવા લોકો સિંગલ પ્રીમિયમ પોલિસી ખરીદવાનું પસંદ કરે છે. તેથી, વીમા ઉદ્યોગમાં સિંગલ પ્રીમિયમ વીમા પૉલિસીની માંગ ઝડપથી વધી રહી છે. આ ટ્રેન્ડને પારખી ગયેલી જીવન વીમા કંપનીઓ હવે સિંગલ પ્રીમિયમ પૉલિસીના ધંધા પર ખૂબ ભાર મૂકી રહી છે.
વીમા નિયમનકાર IRDAIના ડેટા અનુસાર, જીવન વીમા કંપનીઓએ વર્ષ 2023-24માં એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે કુલ 1.58 લાખ કરોડ રૂપિયાનું પ્રીમિયમ એકત્ર કર્યું હતું, જેમાં સિંગલ પ્રીમિયમ પોલિસીનો હિસ્સો 1.09 લાખ કરોડ રૂપિયા હતો. આ જ રીતે , જીવન વીમા કંપનીઓના કુલ બિઝનેસમાં સિંગલ પ્રીમિયમ પોલિસીનું યોગદાન લગભગ 70 ટકા હતું…આ મોરચે સરકારી વીમા કંપની LIC તો ઘણી આગળ છે. દેશની આ સૌથી મોટી જીવન વીમા કંપનીએ વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ 92,642 કરોડનું પ્રીમિયમ મેળવ્યું..જેમાં સિંગલ પ્રીમિયમ પોલિસીનો હિસ્સો 75,858 કરોડ રૂપિયા એટલે કે 82 ટકા હતો.
જીવન વીમામાં સિંગલ પ્રીમિયમ એકદમ નિયમિત પોલિસીની જેમ જ કામ કરે છે. ફરક માત્ર એટલો જ છે કે આમાં તમારે સમયાંતરે પ્રીમિયમ ચૂકવવું નથી પડતું… 10 થી 20 વર્ષ સુધીની લાંબા ગાળાની પોલિસી માટે તમે એકસાથે પૈસા ચૂકવીને વાર્ષિક, અર્ધવાર્ષિક અથવા ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવવાથી છૂટકારો મેળવો છો. તેથી પ્રથમ નજરમાં આ પોલિસી વધુ સારી લાગે છે પરંતુ આ પ્રોડક્ટ દરેક માટે ઉપયોગી નથી.
સામાન્ય રીતે, વીમા એજન્ટો સિંગલ પ્રીમિયમ પોલિસીને એક ખાસ પ્રોડક્ટ તરીકે રજૂ કરે છે. પરંતુ સાચા અર્થમાં આ રોકાણ માટેની કોઇ ખાસ પ્રોડક્ટ નથી. તે પ્રીમિયમ ચૂકવવાનો માત્ર વિકલ્પ છે. સિંગલ પ્રીમિયમ પોલિસી ગ્રાહકને એકસાથે રોકાણ કરીને લાંબા ગાળા માટે વીમા કવચ પ્રદાન કરે છે. જો કે, સિંગલ પ્રીમિયમમાં જે એકસાથે પૈસા ચૂકવવામાં આવે છે તે નિયમિત પ્રીમિયમવાળી પોલિસીમાં જમા કરાયેલી કુલ રકમની સરખામણીમાં થોડા ઓછા હોય છે. સિંગલ પ્રીમિયમ પોલિસીમાં, પ્રીમિયમ વધવાની ચિંતા નથી રહેતી. આ તેની મોટી ખાસિયત છે.
ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે નોકરી કરતા લોકો માટે એકસાથે રકમની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય છે તેમના માટે રેગ્યુલર પ્રીમિયમનો વિકલ્પ સરળ રહે છે. સિંગલ પ્રીમિયમ પોલિસી એવા લોકો માટે એક સારો વિકલ્પ છે જેઓ તેમની સારીએવી રકમ એકસાથે લોક કરવા અને તેના બદલામાં રિટર્ન મેળવવા માટે તૈયાર છે.
સામાન્ય રીતે, આ પોલિસીને એવા જ લોકો ખરીદે છે જેમની પાસે ક્યાંકથી એકસાથે પૈસા આવ્યા હોય. બલવંત જૈનનું કહેવું છે કે વીમા એજન્ટો આ પ્રોડક્ટને રોકાણ તરીકે રજૂ કરે છે. પરંતુ રોકાણ માટે આ સારો વિકલ્પ નથી.
જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગો છો તો મ્યુચ્યુઅલ ફંડ વધુ સારું રહેશે… આમાં તમે ઈક્વિટી અને હાઈબ્રિડ ફંડનો વિકલ્પ પસંદ કરી શકો છો. સિંગલ પ્રીમિયમ જીવન વીમા પૉલિસી ટેક્સ મોરચે સારી પ્રોડક્ટ નથી. જીવન વીમા પૉલિસીના પ્રીમિયમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ, 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે. મેચ્યોરિટી પર મળેલી રકમ કલમ 10 (10D) હેઠળ કરમુક્ત હોય છે પરંતુ આ મોરચે સાવધાન રહો. ટેક્સમાં આ છૂટને લઇને ઘણી શરતો જોડાયેલી છે.
જીવન વીમા પર કર મુક્તિ ત્યારે જ મળશે જ્યારે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ વીમા કવરના 10 ટકાથી વધુ ન હોય. આ નિયમ સિંગલ પ્રીમિયમ પોલિસી પર પણ લાગુ પડે છે. એટલું જ નહીં, જો એક નાણાકીય વર્ષમાં તમારી જીવન પૉલિસીનું પ્રીમિયમ 5 લાખ રૂપિયાથી વધુ છે તો આ રકમ પર ટેક્સ છૂટનો કોઈ લાભ નહીં મળે.
જો મહાવીરની જેમ તમે પણ સિંગલ પ્રીમિયમ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો… તો એકવાર ફરીથી વિચાર કરો. રોકાણ માટે જીવન વીમા સારો વિકલ્પ નથી. વીમા અને રોકાણને અલગ-અલગ રાખો.
ટર્મ પ્લાન લઈને વીમાની જરૂરિયાતો પૂરી કરી શકો છો. રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે. જો તમને મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણકારી નથી તો તમે કોઇ નાણાકીય સલાહકારની મદદ લઈ શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો