Money9: જો તમે કોઇ વીમા પ્રોડક્ટ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો બેંક કર્મચારી અને વીમા એજન્ટ પર આંખ મીચીને ક્યારેય ભરોસો ન કરતા. આ લોકોને વીમા પ્રોડક્ટ અંગે બારીક જાણકારી નથી હોતી. વીમા કંપનીઓ પાસેથી કરાર હેઠળ બેંક કર્મચારી બેંકાશ્યોરન્સ દ્વારા જે ફાઇનાન્સિયલ પ્રોડક્ટ વેચે છે તેનો અર્થ ગ્રાહકોની જરૂરિયાત અને સુવિધા સાથે નહીં પરંતુ પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે. એવું નથી કે બેંકાશ્યોરન્સ દ્વારા વેચવામાં આવતી પ્રોડક્ટ ખરાબ હોય છે. જેમ કે કોઇ દવા દરેક દર્દીને માફક નથી આવતી તેવી જ રીતે દરેક ફાઇનાન્સિયલ પ્રોડક્ટ દરેક વ્યક્તિ માટે ઉપયોગી નથી હોતી.
દેશમાં વીમાનો વ્યાપ વધારવા માટે ઇરડાએ એક મોટુ પગલું ભરતાં કોમર્શિયલ બેંકોને વીમો વેચવાની મંજૂરી આપી. આ કરાર હેઠળ બેંક 9 જીવન વીમા કંપનીઓ અને 9 જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની પ્રોડક્ટ વેચી રહી છે. આ કારોબાર બેંકાશ્યોરન્સ હેઠળ કરવામાં આવી રહ્યો છે.
બરોબર હોમવર્ક કરી લો
જો તમે બેંકાશ્યોરન્સથી કોઇ પ્રોડક્ટ ખરીદી રહ્યા છો તો તમારા માટે આ વાત સારી રીતે સમજી લેવાની જરૂર છે કે વીમા પ્રોડક્ટ કોઇ કન્ઝ્યુમર પ્રોડક્ટની જેમ ખરીદવો અને વેચવો સરળ નથી. તમે જે જીવન વીમા પોલિસી ખરીદી રહ્યા છો તેને દર વર્ષે સ્વિચ નહીં કરી શકો. એટલે વીમા પ્રોડક્ટ ખરીદતા પહેલા બરોબર હોમવર્ક કરી લો અને એ સુનિશ્ચિત કરી લો કે તમે જે પોલિસી ખરીદી રહ્યા છો તે તમારા માટે દરેક રીતે ઉપયોગી છે.
સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર જીતેન્દ્ર સોલંકી કહે છે કે બેંકાશ્યોરન્સ સાથે જોડાયેલા બેંક કર્મચારી અને વીમા એજન્ટને પ્રોડક્ટ અંગે બારીક જાણકારી નથી હોતી. ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવામાં ક્યારેય ઉતાવળ ન કરવી જોઇએ. કોઇ અન્ય વ્યક્તિના અભિપ્રાય પરથી પણ કોઇ પોલિસી ન ખરીદો. જે પણ પોલિસી ખરીદવાનું વિચારી રહ્યાં છો તે તે કંપનીની વેબસાઇટ કે શાખા પર જઇને તેની ખુબીઓ અંગે તપાસ કરો. એકથી વધુ પોલિસીઓ અંગે તુલના કર્યા બાદ વિકલ્પ પસંદ કરવાનું યોગ્ય રહેશે. તમારે પોલિસી ખરીદતા પહેલા તેની સાથે જોડાયેલી તમામ આશંકાઓ દૂર કરી લેવી જોઇએ.
બેંકાશ્યોરન્સના ગેરફાયદા
બેંકાશ્યોરન્સ હેઠળ મોટી સંખ્યામાં હેલ્થ ઇન્સ્યોરન્સ વેચવામાં આવી રહ્યા છે. આ વીમો ગ્રુપ ઇન્સ્યોરન્સ હેઠળ આવે છે. એટલે આ કવર કંપનીઓ તરફથી વેચવામાં આવતા વીમાની તુલનામાં અંદાજે અડધી કિંમત પર મળી જાય છે. પરંતુ જો તમારે હોસ્પિટલમાં ભરતી થવું પડે તો બેંકાશ્યોરન્સ તરફથી કોઇ મદદ નહીં મળે. ક્લેમ માટે તમારે જાતે ધક્કા ખાવા પડશે. આવા સંજોગોમાં એ જાણવું ઘણું જ જરૂરી છે કે પોલિસી ખરીદ્યા બાદ ઇન્સ્યોરન્સ કંપની તમને કેવા પ્રકારની સર્વિસ પૂરી પાડશે.
હકીકતમાં ઇન્સ્યોરન્સ એટલે તમે કોઇ પોલિસી ખરીદી લીધી અને તેનું પ્રીમિયમ તમારા બેંક ખાતામાંથી કપાતુ રહે એટલું માત્ર નથી. તેમાં આ સિવાય પણ ઘણું બધુ હોય છે. તમારે ઇન્સ્યોરન્સ કંપનીના સંપર્કમાં રહેવું જોઇએ જેથી તમારા સવાલોના જવાબો મળી શકે. તમે કંપનીની વેબસાઇટ પર જઇને ઇન્સ્યોરન્સ પોલિસીના નિયમ, શરત અને ફરિયાદોના સામાધાન સાથે જોડાયેલી પ્રક્રિયા અંગે બારીકાઇથી સમજો. આ અંગે વીમા એજન્ટ કે બેંક કર્મચારી પર એકદમ આંખ મીચીને ભરોસો ન કરો. ફક્ત તમારી જરૂરિયાતના હિસાબે જ આકલન કરો. સંપૂર્ણ હોમવર્ક કર્યા બાદ જ અંતિમ નિર્ણય લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો