MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
નવા વર્ષથી બેન્ક લોકરના નિયમો બદલાશે નવા વર્ષની પહેલી જાન્યુઆરીથી, બેન્ક લૉકરના નિયમોમાં ફેરફાર થવાના છે અને તેનાથી ગ્રાહકોને ફાયદો થશે. હવે બેન્કો મનમાની નહીં કરી શકે. જો બેન્ક લૉકરમાં રાખેલી કિંમતી ચીજવસ્તુને નુકસાન પહોંચશે, તો હવે તેની જવાબદારી બેન્કની રહેશે. રિઝર્વ બેન્કે તમામ બેંકોને સલાહ આપી છે કે તેઓ 1 જાન્યુઆરી સુધીમાં ગ્રાહકો સાથેના તેમના લોકર કરારને રિન્યૂ કરે, પરંતુ તેના માટે ગ્રાહકોએ પોતાની પાત્રતાનો પુરાવો આપવો પડશે. બેન્કોએ 31 ડિસેમ્બર સુધીમાં એગ્રીમેન્ટ સાઈન કરવાનો રહેશે અને ગ્રાહકોને SMS દ્વારા નિયમમાં ફેરફારની જાણકારી આપવી પડશે. નિયમમાં અન્ય ફેરફાર એ છે કે બેંકો હવે, લોકર આપવા માટે ગ્રાહકો પાસેથી ટર્મ ડિપોઝીટની માંગણી કરી શકે છે, પરંતુ આ નિયમ વર્તમાન ગ્રાહકોને લાગુ નહીં પડે અને લોકર ખોલવા માટે કોઈ સરકારી કાર્યવાહીના કિસ્સામાં, બેંકે ગ્રાહકોને પત્ર અને ફોન અથવા SMS દ્વારા જાણ કરવી પડશે. બેંકોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ ચોરી વગેરેની કોઈપણ ઘટનાને ટ્રેક કરવા માટે 180 દિવસ સુધી સીસીટીવી ફૂટેજ જાળવી રાખે.
મધર ડેરીએ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો નવા વર્ષની શરૂઆત પહેલાં જ સામાન્ય માણસને મોંઘવારીનો માર વેઠવાનો વારો આવ્યો છે. દિલ્હી-NCR માર્કેટમાં દૂધનું વેચાણ કરતી કંપની મધર ડેરીએ 27 ડિસેમ્બરથી એક લિટર દૂધની કિંમત બે રૂપિયા વધારવાનો નિર્ણય લીધો છે. ઈનપુટ કૉસ્ટ વધવાનું કારણ આપીને મધર ડેરીએ આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. આમ, ચાલુ વર્ષે કંપની દ્વારા પાંચમી વખત ભાવવધારો લાગુ કરવામાં આવશે. કંપનીએ છેલ્લે 21 નવેમ્બરે ફુલ-ક્રીમ મિલ્કની કિંમતમાં લિટરે 1 રૂપિયાનો જ્યારે ટોકન મિલ્કની કિંમતમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો હતો. નવા ભાવ લાગુ થયા બાદ, મધર ડેરીનું 1 લિટર ફુલ-ક્રીમ મિલ્ક 2 રૂપિયા વધીને હવે, 66 રૂપિયા થઈ જશે જ્યારે ટોન્ડ મિલ્કની કિંમત 51 રૂપિયાથી વધીને 53 રૂપિયા થઈ જશે. ડબલ-ટોન્ડ મિલ્કની કિંમત 45 રૂપિયાથી વધીને 47 રૂપિયા થઈ જશે. જોકે, મધર ડેરીએ ગાયના દૂધની કિંમત યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. મધર ડેરી બાદ અન્ય ડેરીઓ પણ દૂધના ભાવ વધારે તેવી શક્યતાએ જોર પકડ્યું છે.
બજેટમાં આવક વેરાના નિયમોમાં ફેરફારની શક્યતા બજેટમાં શું થશે તેને લઈને ગણગણાટ શરૂ થઈ ગયો છે. સરકારને ડાયરેક્ટ ટેક્સથી મળતું કલેક્શન 26 ટકા વધ્યું છે, આથી સરકાર મહત્તમ ટેક્સ કલેક્શન માટે ટેક્સના નિયમોમાં વિવિધ પ્રકારનાં ફેરફાર કરશે તેવી શક્યતા છે. જેમકે, આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે અત્યારે જેટલાં ફોર્મ ભરવા પડે છે, તેને ઘટાડવામાં આવશે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન બિબેક દેબરોયે જણાવ્યું છે કે, જો એગ્ઝેમ્પ્શન-ફ્રી ટેક્સ રેજિમને વધુ આકર્ષક બનાવવું હોય તો, સરકારે કરદાતાને ઈન્સેન્ટિવ આપવું જોઈએ. અર્થશાસ્ત્રીઓએ પણ શક્યતા વ્યક્ત કરી છે કે, વધુ ને વધુ લોકો નવા ટેક્સ રેજિમને અપનાવે તે હેતુસર, સરકાર આવતા વર્ષે કેટલાક ફેરફાર જાહેર કરે તેવી ધારણા છે. સરકાર ઓનલાઈન ગેમિંગ ઉપરાંત ઈ-કોમર્સ અને ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડર્સ માટે ટેક્સ કપાતના નિયમો પણ વધુ કડક બનાવી શકે છે. સરકાર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સના નિયમો પણ બદલે તેવી શક્યતા લાગી રહી છે.
સેન્સેક્સ 721 પોઈન્ટ્સ વધ્યો, નિફ્ટી 18,000ને પાર શેરબજાર ક્રિસમસ મૂડમાં આવી ગયું છે. સતત ચાર દિવસના ઘટાડા બાદ, શેરબજારમાં તેજીવાળાનું આગમન થયું છે. સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકા પ્લસનો વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક માર્કેટ્સના પોઝિટિવ ટ્રેન્ડની ઈમ્પેક્ટ ભારતીય માર્કેટમાં પણ જોવા મળી છે. સેન્સેક્સ 721 પોઈન્ટ્સ વધીને 60,566.42એ બંધ રહ્યો છે જ્યારે નિફ્ટી પણ 208 પોઈન્ટ્સ વધીને 18 હજારને પાર થયો છે. પબ્લિક સેક્ટર બેન્કોમાં સાન્તા રેલી જોવા મળી છે અને તેની સાથે સાથે મિડકેપ તેમજ સ્મોલ કેપ સ્ટોક્સ પણ દોડ્યા છે. રોકાણકારોએ બોટમ ફિશિંગ કરતાં બજારને તેજી કરવા મળી છે. એક્સપર્ટનું કહેવું છે કે, ચાલુ સપ્તાહે શોર્ટ કવરિંગ વધશે અને વર્ષના અંત સુધી તેજી જળવાઈ રહેવાની ધારણા છે.
બે સ્મોલકેપ શેર એક્સ-ડિવિડન્ડ થયા સ્મોલકેપ કંપની અડવાણી હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના બોર્ડે ડિવિડન્ડ માટે 29 ડિસેમ્બર- 2022ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. જો તમારા ડિમેટ એકાઉન્ટમાં રેકોર્ડ ડેટના બે દિવસ અગાઉ અડવાણી હોટેલ્સના શેર પડ્યા હશે, તો તમને ડિવિડન્ડનો લાભ મળશે. કંપનીના બોર્ડે ચાલુ નાણાકીય વર્ષ માટે શેર દીઠ બે રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. શક્યતા છે કે, 15 જાન્યુઆરી સુધીમાં ઈન્વેસ્ટર્સના ખાતામાં ડિવિડન્ડ જમા થઈ જશે. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર અડવાણી હોટેલ્સનો શેર 6.69 ટકા વધીને 83.70 રૂપિયાએ બંધ રહ્યો હતો. અન્ય સ્મોલકેપ કંપની સાર્થક મેટલ્સે શેર દીઠ 1 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપવા માટે 30 ડિસેમ્બરેને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપની 2023ની 19 જાન્યુઆરી સુધીમાં ડિવિડન્ડ ચૂકવી દેશે. સોમવારે સાર્થક મેટલ્સનો શેર 4.80 ટકા વધીને 131એ બંધ રહ્યો હતો.
ત્રણ ક્રેડિટ કાર્ડ ઇશ્યુઅર્સ UPI પર RUPAY ક્રેડિટ કાર્ડ લાઇવ થશે જો તમારી પાસે SBI, ICICI અને Axis બેંકનું રૂપે ક્રેડિટ કાર્ડ છે, તો તમારા માટે ખુશખબર છે. આવતા વર્ષના માર્ચથી એક જબરજસ્ત ફીચર આવી રહ્યું છે, જેથી આ ત્રણેય બેન્કોના રૂપે કાર્ડહોલ્ડર્સને ફાયદો થશે, કારણ કે, આ ત્રણ બેન્કો હવે, UPI પર RUPAY ક્રેડિટ કાર્ડ લાઇવ કરશે. SBI કાર્ડ, ICICI બેંક અને Axis બેંક જેવા મુખ્ય ક્રેડિટ કાર્ડ ઇશ્યૂઅર્સ માર્ચ સુધીમાં UPI પર RuPay ક્રેડિટ કાર્ડ પર લાઇવ કરે તેવી શક્યતા છે. આ પગલાથી ડેઇલી ટ્રાન્ઝેક્શન વેલ્યૂને વેગ મળવાની અપેક્ષા છે, જે હાલમાં પ્રતિદિન રૂ. 50 લાખ છે. હાલમાં, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક અને પંજાબ નેશનલ બેંક અને HDFC બેંક આ સુવિધા પર લાઇવ છે. આ પગલા પાછળનો વિચાર ક્રેડિટ કાર્ડની ચૂકવણી સ્વીકારતા વેપારીઓની સંખ્યા વધારવાનો છે.
LIC ક્લેમ સેટલમેન્ટ રેશિયોમાં 96% સાથે સર્વોચ્ચ આપણે આપણા પરિવારનું ભાવિ સુરક્ષિત કરવા માટે વીમો ખરીદીએ છીએ. પણ તમે જાણો છો? જ્યારે દાવાની વાત આવે છે, ત્યારે કઇ વીમા કંપની શ્રેષ્ઠ છે? આ સવાલનો જવાબ ઇરડાના આંકડા પરથી જાણવા મળે છે. ઈરડાના આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2022માં ડેથ ક્લેમ સેટલમેન્ટની દૃષ્ટિએ LICએ 96 ટકા સાથે તમામ વીમા કંપનીઓને પાછળ રાખી દીધી હતી અને સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું હતું. LICને રૂ. 29 હજાર 585 કરોડના ક્લેમ મળ્યા હતા જેમાંથી તેણે 28 હજાર 408 કરોડના ક્લેમ ચુકવ્યા છે. જ્યારે ખાનગી કંપનીઓ માટે ક્લેમ સેટલમેન્ટ રેશિયો માત્ર 94 ટકા છે. અગાઉના વર્ષમાં LICનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો 98.2 ટકા હતો.
પીક સીઝનમાં હવાઈભાડાં આસમાને આ ખબર છે, મોંઘી ફ્લાઈટ ટિકિટની. 2022નું વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે લોકો હોલિડે એન્જોય કરવા નીકળી પડ્યા છે. આથી, એરટિકિટની ડિમાન્ડ વધી ગઈ છે અને પરિણામે, હવાઈભાડાં પણ ઊંચકાયા છે. ટ્રાવેલ ઓપરેટર્સની વેબસાઈટ્સનો ડેટા દર્શાવે છે કે, ચાલુ વર્ષે ડિસેમ્બરના છેલ્લાં સપ્તાહનાં હવાઈભાડાં ડબલ થઈ ગયા છે. ઈઝમાયટ્રિપ ડોટ કોમના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરમાં એરટિકિટમાં સરેરાશ 30થી 40 ટકાનો વધારો થયો છે. દિલ્હી-મુંબઈ, દિલ્હી-ચેન્નાઈ અને દિલ્હી-બેંગાલુરુ જેવા લોકપ્રિય રૂટના હવાઈભાડાં તો 50થી 60 ટકા વધી ગયા છે. અમદાવાદ પહોંચવા માટે પણ હવાઈપ્રવાસનો ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે.
નવેમ્બરમાં ક્રેડિટ કાર્ડથી ખરીદી ઘટી ક્રેડિટ કાર્ડ દ્વારા થતી ખરીદીને બ્રેક વાગી છે… ક્રેડિટ કાર્ડથી થતી ખરીદી સૌપ્રથમ વખત ઘટી ગઈ છે. જુલાઈ પછી પહેલી વાર ક્રેડિટ કાર્ડ દ્વારા થતો ગ્રાહકોનો ખર્ચ ઘટ્યો છે. RBIનો ડેટા દર્શાવે છે નવેમ્બરમાં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં 12 ટકા ક્રમિક ઘટાડો થયો હતો. ઑક્ટોબરમાં રૂપિયા 16,343ની સરખામણીમાં સરેરાશ ખર્ચ લગભગ ₹14,280 હતો. એકંદરે ક્રેડિટ કાર્ડના ખર્ચે સતત નવમા મહિને 1 લાખ કરોડ રૂપિયાનો આંક વટાવ્યો છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કાર્ડ દીઠ ખર્ચ ઓક્ટોબરમાં 9,473 રૂપિયાની સરખામણીએ લગભગ 8,495 રૂપિયા હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો