Money9 Gujarati:
LIC Jeevan Utsav: દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યૉરન્સ કૉર્પોરેશન (LIC)એ જીવન ઉત્સવ નામની સ્પેશિયલ સ્કીમ લૉન્ચ કરી છે. આ પ્લાનમાં ગેરન્ટીડ રિટર્નનો વાયદો કરવામાં આવ્યો છે. LICની જીવન ઉત્સવ એક નોન-લિન્ક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, ઈન્ડિવિડ્યુઅલ, સેવિંગ્સ, હોલ લાઈફ ઈન્સ્યૉરન્સ પ્લાન છે. પૉલિસી લોન્ચિંગની જાહેરાત બાદ LICનો શેર 29 નવેમ્બરે 0.55 ટકા વધીને 678 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. કંપનીના ચેરમેને બે દિવસ અગાઉ આ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કર્યા બાદ તેનો શેર 10 ટકા વધી ગયો હતો.
LIC Jeevan Utsav પ્લાન નંબર 871 છે, જેમાં આજીવન ગેરન્ટીડ રિટર્ન મળશે. તમે મર્યાદિત સમય સુધી પૈસા ભરીને જીવો ત્યાં સુધી જીવન વીમો અને ઈનકમ બેનિફિટનો વિકલ્પ મળે છે. વીમાધારકને વાર્ષિક 5.5 ટકા વ્યાજ પણ મળશે. વીમાધારક બે પૂર્ણ વર્ષ સુધી પ્રીમિયમ ભરે તો તેને લોન લેવાની પણ સુવિધા મળે છે.
LICનો બજારહિસ્સો ઘટી રહ્યો છે, કારણ કે નવી પેઢીની વીમા કંપનીઓ યુવાવર્ગમાં લોકપ્રિય થઈ રહી છે. LICને નોન-પાર્ટિસિપેટિંગ પૉલિસીમાંથી મળતું પ્રીમિયમ કુલ આવકમાં 10 ટકા હિસ્સો ધરાવે છે અને કંપની તેને વધારીને 15 ટકા લઈ જવા માંગે છે. આથી, LICએ નોન-પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ લૉન્ચ કરી છે અને ભવિષ્યમાં પણ તે આવા પ્લાન લૉન્ચ કરી શકે છે.
આ પ્લાનમાં લઘુત્તમ બેઝિક સમ એસ્યૉર્ડ 5 લાખ રૂપિયા છે. મહત્તમ ગમે તેટલો સમ એસ્યૉર્ડ રાખી શકો છો. તેમાં કોઈ મર્યાદા નથી.
આ પ્લાનમાં પ્રીમિયમ ચૂકવવા માટે બે વિકલ્પ મળે છેઃ રેગ્યુલર ઈનકમ અને ફ્લેક્સિ ઈનકમ. તમે જે વિકલ્પ પસંદ કરો તેના આધારે ચોક્કસ વર્ષ બાદ દર વર્ષે સમ એશ્યૉર્ડની 10 ટકા રકમ પરત કરવામાં આવશે. આ પૉલિસીની ખાસિયત એ છે કે, તેમાં વીમાધારક જીવે ત્યાં સુધી જીવન વીમાનું કવર મળે છે.
LICએ સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વિટ તરીકે ઓળખાતા) પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, “LIC નવો પ્લાન જીવન ઉત્સવ રજૂ કરે છે, જેમાં લાઈફટાઈમ ગેરન્ટીડ રિટર્ન મળશે અને બેનિફિટ પસંદ કરવાના વિકલ્પ સાથે હોલ લાઈફ ઈન્સ્યૉરન્સ પણ મળશે.”
Introducing LIC's Jeevan Utsav – with Lifetime Guaranteed Returns offering Whole Life Insurance with flexibility to choose benefits. #LIC #LICJeevanUtsav #JeevanUtsav #WholeLifePlan pic.twitter.com/P2ldh7wh7o
— LIC India Forever (@LICIndiaForever) November 29, 2023
આ પૉલિસી લેવા માટે 18 વર્ષ પૂરા થયા હોવા જરૂરી છે. મહત્તમ ઉંમર 75 વર્ષ હોય તો પ્લાન ખરીદી શકો છો.
વીમાધારકને 5થી 16 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવીનો મર્યાદિત સમયગાળો મળે છે અને રિટર્ન લાઈફ ટાઈમ મળે છે. પ્રીમિયમ ચૂકવવાના સમયગાળા દરમિયાન ગેરન્ટીડ એડિશન્સ મળશે.
LIC તેના delayed અને cumulative Flexi Income Benefits option પર વાર્ષિક 5.5 ટકાના દરે વ્યાજ ચૂકવશે. તેની ગણતરી ઉપાડ તારીખ, સરેન્ડર અથવા મૃત્યુની તારીખ સુધી, આમાંથઈ જે પહેલાં હોય તેના આધારે થશે. જો વીમાધારક લેખિતમાં અરજી કરે તો તે 75 ટકા સુધી રકમ ઉપાડી શકે છે, જેમાં વ્યાજ પણ સામેલ છે. આ સ્કીમમાં મૈચ્યોરિટી બેનિફિટ નથી.
હોલ લાઈફ ઈન્સ્યૉરન્સ એક કમ્પ્રેહેન્સિવ ઈન્સ્યૉરન્સ-કમ-ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. આવા પ્લાન વીમાધારકના પરિવારને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે અને એસ્ટેટ પ્લાનિંગમાં મદદ કરે છે. જો તમે LICનો જીવન ઉત્સવ પ્લાન ખરીદવા અંગે વિચારી રહ્યાં હોવ તો તમારે આ પ્લાનના બેનિફિટ અને જીવન વીમાના ખર્ચનું મૂલ્યાંકન કરવું જોઈએ અને આ પ્લાન તમારા આર્થિક લક્ષ્યાંકને અનુરૂપ છે કે નહીં તે સમજ્યા બાદ નિર્ણય લેવો જોઈએ. કોઈ પણ ફાયનાન્સિયલ પ્રોડક્ટ ખરીદતા પહેલાં તેની પૂરેપૂરી સમજ કેળવવી જરૂરી છે અને જો સમજ ના પડે તો આર્થિક સલાહકારની મદદ લેવી જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો