Money9 Gujarati:
LIC New Policy Plan: લાઈફ ઈન્સ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (LIC)એ જીવન કિરણ પૉલિસી (LIC Jeevan Kiran life insurance policy) લૉન્ચ કરી છે. તે એક નૉન-લિન્ક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, ઈન્ડિવિડ્યુઅલ, સેવિંગ્સ, લાઈપ ઈન્સ્યૉરન્સ પ્લાન છે. 18 વર્ષથી 65 વર્ષની ઉંમરના લોકો આ પ્લાન લઈ શકે છે. તેમાં પર્સનલ સેવિંગ તથા લાઈફ ઈન્સ્યૉરન્સ પણ સામેલ છે. જે લોકો વાજબી કિંમતે વધારે લાઈફ કવર ખરીદવા માંગે છે તેમના માટે આ પ્લાન યોગ્ય છે, એવો દાવો કંપનીએ કર્યો છે.
પૉલિસીની વિગત પૉલિસી લેનાર વ્યક્તિનું પૉલિસીના સમયગાળા દરમિયાન આકસ્મિક મૃત્યુ થઈ જાય તો તેના પરિવારને આર્થિક મદદ મળશે. ધારો કે, પૉલિસીની મુદત સુધી પૉલિસીધારક જીવીત રહે તો તેણે ભરેલી પ્રીમિયમની કુલ રકમ પાછી મળે છે. તમે રેગ્યુલર પ્રીમિયમ પેમેન્ટ અથવા સિંગલ પ્રીમિયમ પેમેન્ટ એમ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો. જો પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારકનું મૃત્યુ થઈ જાય તો, રેગ્યુલર પ્રીમિયમ પેમેન્ટ પૉલિસીમાં વાર્ષિક પ્રીમિયમની 7 ગણી અથવા કુલ પ્રીમિયમની 105 ટકા રકમ આ બેમાંથી જે વધારે હશે તે ચૂકવવામાં આવશે. જો સિંગલ પ્રીમિયમ પૉલિસી હશે તો સિંગલ પ્રીમિયમના 125 ટકા અથવા બેઝિક સમ એશ્યૉર્ડ આ બેમાંથી જે વધારે હશે તે ચૂકવવામાં આવશે.
LIC of India introduces a new plan LIC’s Jeevan Kiran (Plan No. 870) pic.twitter.com/iOFez37Ljt
— LIC India Forever (@LICIndiaForever) July 27, 2023
સમ એશ્યૉર્ડ આ પ્લાનમાં લઘુત્તમ 15 લાખ રૂપિયાનું સમ એશ્યૉર્ડ મળે છે. રેગ્યુલર પ્રીમિયમ પૉલિસી માટે ઓછામાં ઓછું પ્રીમિયમ 3,000 રૂપિયા જ્યારે સિંગલ પ્રીમિયમ પૉલિસી માટે 30,000 રૂપિયા છે. ધૂમ્રપાન કરનારા અને ધૂમ્રપાન ન કરનારા લોકો માટે પ્રીમિયમના રેટ અલગ-અલગ છે. LICએ જણાવ્યું છે કે, 50 લાખ રૂપિયાથી વધુના સમ એશ્યૉર્ડ માટે રિબેટ ઉપલબ્ધ છે.
કોને મળી શકે આ પ્લાન? આ પૉલિસી હેઠળ ઓછામાં ઓછું સમ એશ્યૉર્ડ 15 લાખ રૂપિયા છે જ્યારે મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. જો તમે કોવિડ-19ની રસી નહીં લીધી હોય તો તમને આ પ્લાન નહીં મળે. આ પ્લાન માત્ર LICના એજન્ટ પાસેથી ખરીદી શકાશે. જો તમે ગૃહિણી હશો અને ગર્ભવતી હશો તો આ પ્લાન નહીં લઈ શકો. તમારી ઉંમર 18 વર્ષથી 65 વર્ષની વચ્ચે હોવી પણ જરૂરી છે.
પૉલિસીની મુદત પૉલિસી ટર્મ 10થી 40 વર્ષની વચ્ચે રાખી શકો છો એટલે કે, પાકતી મુદત ઓછામાં ઓછા 10 વર્ષ અને મહત્તમ 40 વર્ષ રહેશે. ધારો કે, તમે 18 વર્ષની ઉંમરે આ પૉલિસીમાં રોકાણ શરૂ કરશો તો આ પૉલિસીની મુદત તમે 28 વર્ષના થશો ત્યારથી તમે 58 વર્ષના થશો ત્યાં સુધીમાં પૂરી થશે.
LICએ જણાવેલા ફાયદાઃ
– આ પ્લાનનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમે જમા કરાવેલી કુલ પ્રીમિયમની રકમ મુદત પૂરી થયા બાદ પાછી મળી જાય છે.
– પૉલિસીની મુદત પૂરી થઈ જાય એટલે આપોઆપ જીવન વીમા કવરેજ પણ સમાપ્ત થઈ જાય છે.
– રેગ્યુલર પ્રીમિયમ પેમેન્ટ પૉલિસી હશે તો, પૉલિસીના ટર્મ દરમિયાન પૉલિસીધારના મૃત્યુના કિસ્સામાં વાર્ષિક પ્રીમિયમની 7 ગણી રકમ અથવા મૃત્યુના દિવસ સુધી જમા થયેલી કુલ પ્રીમિયમના 105 ટકા અથવા મૂળ વીમા રાશિ પરિવારને આપવામાં આવશે.
– સિંગલ પ્રીમિયમ પેમેન્ટ પૉલિસી હશે તો, ટર્મ દરમિયાન મૃત્યુના કિસ્સામાં સિંગલ પ્રીમિયમની 125 ટકા રકમ ચૂકવવામાં આવશે અથવા તો મૂળ વીમા રકમની ચૂકવણી થશે.
– આ પ્લાનમાં પ્રથમ વર્ષ બાદ જો આત્મહત્યા વગર કોઈ પણ આકસ્મિક સંજોગોમાં મૃત્યુ થઈ જાય તો કવર મળે છે.
– પૉલિસીધારકના મૃત્યુ બાદ નૉમિનીને પેમેન્ટ ચૂકવવામાં આવે છે.
– આ પ્લાન માત્ર LIC એજન્ટ પાસેથી જ ખરીદી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો