Money9: નોઈડાની ફેક્ટરીમાં કામ કરતા રાજનને દીકરીની સારવાર માટે 80 હજાર રૂપિયાની જરૂર પડી ત્યારે તેના હાથ-પગ ઠંડા થઈ ગયા…આટલા પૈસા ક્યાંથી આવશે? પણ સારી વાત એ છે કે આ પૈસાની વ્યવસ્થા કોઈની પણ આગળ હાથ લંબાવ્યા વિના ઘરમાં જ થઇ ગઇ. વીમા એજન્ટે જ્યારે તેને જીવન વીમા પોલિસી સામે લોનની સુવિધા વિશે જણાવ્યું ત્યારે રાજને રાહતનો શ્વાસ લીધો.
જીવન વીમો પરિવારમાં નાણાકીય જોખમોને તો કવર કરે જ છે..સાથે જ મુશ્કેલ સમયમાં લોન મેળવવામાં પણ મદદ કરે છે. જ્યારે લોકોને અચાનક પૈસાની જરૂર પડે છે ત્યારે તેઓ સૌથી પહેલા તેમના મિત્રો અને સંબંધીઓની મદદ લે છે. જો અહીંથી કામ ન થાય તો તેઓ પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ લોન લે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મેળવવાની પ્રક્રિયા સરળ હોવાને કારણે, આ ધંધો આજકાલ ખુબ સારો ચાલી રહ્યો છે… પરંતુ આ લોન પર વાર્ષિક 16 થી 48 ટકા જેટલું વ્યાજ ચૂકવવું પડે છે.
જો તમારી પાસે એન્ડોમેન્ટ અને મની બેક જેવી પરંપરાગત જીવન વીમા પૉલિસી છે, તો તમે તેને ગીરવે મૂકીને સસ્તી લોન લઈ શકો છો. આજકાલ લગભગ તમામ જીવન વીમા કંપનીઓ આ સુવિધા પૂરી પાડી રહી છે. આ લોન ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન કરતાં ઘણી સસ્તી પડે છે. વીમા પોલિસી સામે લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. પોલિસી સામે લોન લેવાથી તમારા વીમા કવચને અસર નહીં થાય. કેટલીક બેંકો અને એનબીએફસી જીવન વીમા પૉલિસી પર પણ લોન આપે છે જ્યારે કેટલીક સંસ્થાઓ યુનિટ લિંક્ડ વીમા યોજના એટલે કે ULIP પર પણ લોન આપે છે.
જીવન વીમા પૉલિસી સામે કેટલી લોન મળશે તે પૉલિસીની સરેન્ડર વેલ્યૂથી નક્કી થાય છે. વીમા કંપનીઓ પોલિસીને મેચ્યોરિટી પહેલા બંધ કરાવવા પર એક નિશ્ચિત રકમ ચૂકવે છે. આ રકમને સરેન્ડર વેલ્યૂ કહેવાય છે. સરેન્ડર વેલ્યૂ ચૂકવેલા પ્રીમિયમના આધારે નક્કી કરવામાં આવે છે. ત્રણ વર્ષ સુધી પ્રીમિયમ ભર્યા પછી જ પોલિસી સરેન્ડર કરી શકાય છે. જીવન વીમા કંપનીઓ સરેન્ડર વેલ્યૂના 80 થી 90 ટકા સુધીની લોન આપે છે. જો કોઈ કંપની ULIP પર લોનની સુવિધા આપતી હોય, તો તેની ફંડ વેલ્યૂના 50 ટકા સુધી લોન મળી શકે છે. આ અંગે બેંકો અને કંપનીઓના અલગ-અલગ નિયમો છે.
જીવન વીમા પોલિસી સામે આપવામાં આવેલી લોન સુરક્ષિત હોય છે, તેથી આ લોન સરળતાથી મળી જાય છે. ત્યારે જ તો આ લોન સસ્તી પડે છે. હાલમાં વીમા કંપનીઓ આ લોન પર વાર્ષિક 9 થી 12 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે. આવી સ્થિતિમાં, બજારમાં ઉપલબ્ધ અન્ય વિકલ્પોની તુલનામાં વીમા પોલિસી સામે લોન સસ્તી પડે છે.
કંપનીઓએ વીમા પોલિસી સામે લોનની સુવિધા આપવા માટે ખાસ ફોર્મેટ બનાવ્યા છે. તમારે એક ફોર્મ ભરવું પડશે અને તેને વીમા કંપનીની નજીકની શાખામાં સબમિટ કરવું પડશે. આ કામ માટે તમે વીમા એજન્ટની સેવાઓ પણ લઈ શકો છો. LIC સહિતની મોટાભાગની કંપનીઓ પોલિસી સામે ઓનલાઈન લોનની સુવિધા પૂરી પાડી રહી છે. કંપનીની વેબસાઈટ પર જઈને તમે આ પ્રક્રિયાને થોડીક સેકન્ડોમાં પૂર્ણ કરી શકો છો. આમ કરવાથી તમે કાગળની કાર્યવાહીથી તો બચી જ જશો સાથે જ તમને ઝડપથી લોન પણ મળી જશે.
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જીતેન્દ્ર સોલંકી કહે છે કે જો તમને અચાનક પૈસાની જરૂર પડે અને ક્યાંયથી પણ તેની વ્યવસ્થા ન થઇ શકે તો તમે જીવન વીમા પોલિસી સામે લોન લઈ શકો છો. પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની તુલનામાં, વીમા પોલિસી સામે લીધેલી લોન ઘણી સસ્તી પડશે. વીમા કંપનીઓની સાથે, લગભગ તમામ મોટી બેંકો અને NBFCs વીમા પૉલિસી સામે લોનની સુવિધા પૂરી પાડી રહી છે પરંતુ તમારે માત્ર એવી જ વીમા કંપની પાસેથી જ લોન લેવી જોઈએ જે પૉલિસી ઇશ્યૂ કરે છે. કારણ કે અહીંથી તમને ઝડપી અને સસ્તી લોન મળશે.
વીમા પૉલિસી પર લોનની ચુકવણીનો સમયગાળો પૉલિસીની પરિપક્વતા એટલે કે મેચ્યોરિટી પર આધાર રાખે છે. જો તમારી પોલિસી વધુ પાંચ વર્ષ ચાલવાની હોય તો વીમા કંપની તમને પાંચ વર્ષ માટે જ લોન આપશે. આ લોન ચૂકવવા માટે વીમા કંપનીઓ ઘણા વિકલ્પો આપે છે. જો તમે ઇચ્છો, તો તમે માત્ર વ્યાજ ચૂકવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. વ્યાજની ચૂકવણી છમાસિક ધોરણે કરવાની રહેશે. મૂળ રકમ મેચ્યોરિટીના સમયે એડજસ્ટ કરી દેવામાં આવશે.
તમે વીમા પૉલિસી સામે જે લોન લીધી છે તેનું વ્યાજ ચૂકવવાના તમામ પ્રયાસો કરો. જો તમે લોન અને વ્યાજની ચુકવણી નહીં કરો, તો વ્યાજની રકમ લોનની મૂળ રકમમાં ઉમેરવામાં આવશે. જો લોન અને વ્યાજની રકમ પોલિસીની સરેન્ડર વેલ્યૂ કરતાં વધી જશે તો કંપની તમારી પોલિસી બંધ કરી દેશે. ત્યારબાદ તમને જીવન વીમા કવર પણ નહીં મળે. જો પોલિસી મેચ્યોર થવામાં માત્ર એક કે બે વર્ષ બાકી હોય, તો તેને સરેન્ડર કરવાને બદલે લોન લેવી વધુ ફાયદાકારક છે. આનાથી તમને પોલિસીના સમગ્ર કાર્યકાળ માટે વીમા કવર તો મળશે જ, સાથે સાથે મેચ્યોરિટી પર પૈસા પણ વધુ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો