Money9 Gujarati: વીમો વેચનારા એજન્ટની ચાલાકી હવે કામ નહીં કરે. ચતુર એજન્ટો ભોળા ગ્રાહકોની છેતરપિંડી નહીં કરી શકે, કારણ કે, વીમા કંપનીએ હવેથી પૉલિસીના મહત્ત્વનાં નિયમો અને શરતોની માહિતી સરળ શબ્દોમાં ગ્રાહકોને આપવી પડશે. વીમા ઉદ્યોગના નિયમનકાર ઈરડા (IRDA)એ વીમા કંપનીઓને આવી માહિતી આપવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, મોટા ભાગનાં વીમા એજન્ટો વીમો વેચતી વખતે ગ્રાહકોને ખોટો વીમો પધરાવી દે છે. પોતાને જેમાંથી વધારે કમિશન મળતું હોય તેવી પ્રોડક્ટ ગ્રાહકોને વેચવામાં આવે છે, પછી ભલે ગ્રાહકને તેની જરૂર હોય કે ન હોય અને ગ્રાહક આવી વીમા પ્રોડક્ટ ખરીદવા માટે સક્ષમ હોય કે ના હોય.
ઈરડાનો આદેશ
ઈરડાના આદેશ બાદ, વીમા કંપનીઓએ પૉલિસીની જરૂરી વિગતો સરળ શબ્દોમાં આપવી પડશે, જેમાં સમ ઈન્સ્યૉર્ડની માહિતી અને પૉલિસીમાં કયા ખર્ચાને કવર કરવામાં આવ્યા છે તેની વિગત સામેલ છે. પહેલી જાન્યુઆરીથી વીમા કંપનીએ એક નક્કી થયેલા ફોર્મેટમાં વીમાધારકને માહિતી આપવી પડશે.
વીમા પૉલિસી ખરીદનાર વ્યક્તિ મહત્ત્વની માહિતી સરળતાથી સમજી શકે તે માટે ઈન્સ્યૉરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA)એ કસ્ટમર ઈન્ફર્મેશન શીટ (CIS)માં ફેરફાર કર્યો છે.
સર્ક્યુલરમાં શું છે?
IRDAએ આ અંગે તમામ વીમા કંપનીઓને એક સર્ક્યુલર મોકલ્યો છે અને જણાવ્યું છે કે, સુધારેલી customer information sheet (CIS) પહેલી જાન્યુઆરી, 2024થી લાગુ થઈ જશે. જે વીમાધારકે પૉલિસી ખરીદી હોય તેણે પૉલિસીના નિયમો અને શરતોને સમજવાની જરૂર છે. સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, પૉલિસીનો દસ્તાવેજ જટિલ ના હોવો જોઈએ. તેની ભાષાથી કાનૂની ગૂંચવડો ઊભો ન થવો જોઈએ. આ દસ્તાવેજમાં પૉલિસી સંબંધિત બાબતોની સરળ ભાષામાં સમજૂતી હોવી જોઈએ અને તમામ માહિતીથી ભરપૂર દસ્તાવેજ હોવો જોઈએ.
વીમાધારકને મળશે સરળ શબ્દોમાં માહિતી
સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, વીમાધારક અને વીમા કંપનીઓ વચ્ચે વિવાદના કિસ્સા વધ્યા છે. પૉલિસીની પૂરતી માહિતી અને સમજ ન હોવાથી વીમાધારકોની ફરિયાદ સતત વધી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને CIS તૈયાર કરવામાં આવી છે. આ શીટમાં વીમા કંપનીએ વીમા પ્રોડક્ટ, પૉલિસીનું નામ, પૉલિસીની સંખ્યા, તેનો પ્રકાર અને સમ ઈન્સ્યૉર્ડ જેવી વિગતો હશે.
વીમાધારકને આ શીટ દ્વારા પૉલિસીમાં કયા-કયા ખર્ચા સામેલ છે, કઈ-કઈ ચીજવસ્તુઓને વીમાના કવરમાં સામેલ કરવામાં નથી આવી, વેઈટિંગ પીરિયડ કેટલો છે, કવરની મર્યાદા કેટલી છે, ક્લેમ કરવાની પ્રક્રિયા કેવી છે અને ફરિયાદ કરવાની વ્યવસ્થા કેવી છે, તેવી તમામ વિગતો મળી જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો