Money9 Gujarati:
અમદાવાદમાં એક ખાનગી કંપનીના સેલ્સ મેનેજર સુનિલભાઈનો પગાર સારો હતો. પણ એક દિવસ એક્સીડન્ટનો શિકાર બન્યા અને પગ ફ્રેક્ચર થઈ ગયો. છેલ્લાં છ મહિનાથી ખાટલે છે. નોકરી રહી નથી. પગાર બંધ છે, એટલે આખો પરિવાર ડિસ્ટર્બ થઈ ગયો છે અને આર્થિક સંકટ ઊભું થયું છે.
વધી રહ્યાં એક્સિડન્ટ
ભારતમાં એક્સિડન્ટની સંખ્યા સતત વધી રહી છે. માર્ગ પરિવહન મંત્રાલયના તાજા આંકડા દર્શાવે છે કે, 2022માં 4.61 લાખ અકસ્માત થયા હતા, જેમાં 1.68 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ રોડ અકસ્માતમાં 4.45 લાખ લોકો ઘાયલ થયા હતા. 2021ની તુલનાએ 2022માં રોડ એક્સિડન્ટમાં 12 ટકા વધારો થયો હતો.
સુનિલભાઈ સાથે થયું તેવું કોઈની પણ સાથે થઈ શકે છે. એવું નથી કે, વાહન ના ચલાવતા હોય તેનો એક્સિડન્ટ નથી થતો. રસ્તા પર ચાલનારા પણ અકસ્તમાતનો ભોગ બની શકે છે. આ જોખમથી બચવા માટે તમે પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યૉરન્સનો સહારો લઈ શકો છો. સંકટના સમયે આ વીમો તમારા પરિવાર માટે સંકટમોચક બની રહેશે.
એક્સિડન્ટ વીમાના ફાયદા
એક્સિડન્ટ વીમો ઉતરાવનાર વીમાધારકને મૃત્યુ સામે તેમજ કાયમી કે આંશિક વિકલાંગતા સામે કવર મળે છે. વીમાધારકનું મૃત્યુ થાય તો વીમાની રકમ નૉમિનીને મળે છે. વ્યક્તિ વિકલાંગ થઈ જાય તો, ગંભીરતાને ધ્યાનમાં રાખીને વીમાની રકમ ચૂકવવામાં આવે છે. ઘણી વીમા કંપનીઓ કાયમી વિકલાંગતાના કેસમાં 10થી 20 વર્ષ સુધી દર મહિને પેમેન્ટ પણ આપે છે. ઘણી કંપની માસિક ચૂકવણી ઉપરાંતની સુવિધા પણ આપે છે, જેમાં બાળકોના ભણતર અને એક્સિડન્ટ કરનાર સામે કેસ લડવા પાછળ થતો કાયદાકીય ખર્ચ પણ મળે છે.
મુખ્ય પ્રકાર
એક્સિડન્ટ વીમા મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે.
એક છે જીવન વીમો. આ વીમો ટર્મ પ્લાન અથવા ટ્રેડિશનલ પૉલિસીની સાથે રાઈડરના સ્વરૂપમાં મળે છે.
બીજો છે ગ્રૂપ એક્સિડેન્ટલ ઈન્સ્યૉરન્સ. મોટા ભાગની કંપનીઓ આજકાલ કર્મચારીને આ વીમો આપે છે.
ત્રીજો પ્રકાર છે જનરલ એક્સિડન્ટ વીમો. તમામ વીમા કંપનીઓ આ એક્સિડન્ટ વીમો વેચે છે, જેમાં તમામ પ્રકારના જોખમનું કવર મળે છે.
પ્રીમિયમ
હવે પ્રીમિયમની વાત કરીએ તો, પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યૉરન્સનું પ્રીમિયમ અન્ય ઈન્સ્યૉરન્સ કરતાં ઓછું હોય છે. પ્રીમિયમનો આધાર તમારી ઉંમર, વ્યવસાય અને મેડિકલ હિસ્ટ્રી પર રહેલો છે. જો તમે કેમિકલ બનાવતી કંપનીઓમાં કામ કરતા હશો તો તમારું જીવન વધારે જોખમી હોવાથી પ્રીમિયમ પણ વધારે ચૂકવવું પડશે. સામાન્ય રીતે, જો 1 લાખ રૂપિયાનું એક્સિડન્ટ કવર લેવું હોય તો, વાર્ષિક 140 રૂપિયા જેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે. દાખલા તરીકે, જો તમે 20 લાખ રૂપિયાનું કવર લો તો વર્ષે લગભગ 2,800 રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે.
ઓનલાઈન સુવિધા
તમામ જનરલ ઈન્સ્યૉરન્સ કંપનીઓ ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન સુવિધા પણ આપે છે. તમે ક્લિક કરીને પણ વીમો ખરીદી શકો છો. પૉલિસીબાજાર જેવા એગ્રીગેટર દ્વારા પણ પૉલિસી ખરીદી શકો છો. તમે વીમા એજન્ટ પાસેથી પણ વીમો ઉતરાવી શકો છો. એક્સિડન્ટ ઈન્સ્યૉરન્સનું કવર પણ ટર્મ ઈન્સ્યૉરન્સની જેમ પસંદ કરવું જોઈએ. એટલે કે, તમારે વાર્ષિક આવકના ઓછામાં ઓછા 10 ટકા થાય એટલું એક્સિડન્ટ કવર લેવું જોઈએ.
ક્લેમ સેટલમેન્ટ
એક વાત યાદ રાખજો, જો તમારી પોતાની ભૂલના કારણે એક્સિડન્ટ થશે તો વીમા કંપની ક્લેમ પાસ નહીં કરે. જો રમખાણમાં ઘાયલ થાવ કે યુદ્ધમાં ઘાયલ થાવ અથવા તો વિકલાંગ થાવ તો વીમો પાસ નહીં થાય. વીમા કંપની આવી દુર્ઘટનાનો વીમો ચૂકવતી નથી. જો જન્મજાત વિકલાંગતા હશે તોપણ એક્સિડન્ટ કવર નહીં મળે. જો વીમાધારક નશાની હાલતમાં કોઈ દુર્ઘટનાનો શિકાર બને તોપણ વીમા કંપની ક્લેમ પાસ નહીં કરે. જો તમે એડવેન્ચર સ્પોર્ટ્સમાં ઘાયલ થાવ તોપણ વીમા કંપની તમારો ક્લેમ પાસ નહીં કરે.
એક્સપર્ટનો મત
પર્સનલ ફાયનાન્સ એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી જણાવે છે કે, કોઈ પણ વ્યક્તિ સાથે ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે. આથી, ઘર-પરિવારની કમાઉ વ્યક્તિએ ટર્મ ઈન્સ્યૉરન્સની જેમ એક પર્સનલ એક્સિડન્ટ કવર પણ લેવું જોઈએ. આ વીમા માટે કંપનીના ગ્રૂપ ઈન્સ્યૉરન્સ પર કે પછી રાઈડર પર આધાર ન રાખવો જોઈએ. પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યૉરન્સ પૉલિસીનો વ્યાપ ઘણો વધારે હોય છે, આથી દુર્ઘટના ઘટે ત્યારે અલગથી લીધેલી પૉલિસી તમારા પરિવારની વ્યાપક જરૂરિયાતને પહોંચી વળશે. કેટલીક વીમા કંપની પરિવારની મુખ્ય વ્યક્તિની સાથે પત્ની અને બાળકોને પણ કવર આપે છે. આવી પૉલિસીમાં પત્નીને મૂળ વીમાધારકના કવરના 50 ટકા અને બાળકોને 25થી 30 ટકા કવર મળે છે. જોકે, તેના માટે તમારે વધારે પ્રીમિયમ ભરવું પડશે.
જો તમે હજુ સુધી એક્સિડન્ટ વીમો ના લીધો હોય તો, આ કામ સૌથી પહેલા કરી લેજો. સુનિલભાઈએ જે ભૂલ કરી હતી, તેવી ભૂલ તમે ના કરતા.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો