Money9: હિમાચલ પ્રદેશમાં રાહુલ સૂદનું ઘર તેની નજર સામે જ કડડભૂસ થઇને તૂટી પડ્યું અને પૂરમાં તણાઇ ગયું. ઘર તણાઇ ગયું અને ઘરમાં રાખેલા સામાનની સાથે સાથે ઘણા મહત્વના દસ્તાવેજો પણ ધોવાઈ ગયા… રાહુલે ઘરનો 50 લાખનો વીમો લીધો હતો પરંતુ ઈન્સ્યોરન્સ સંબંધિત તમામ દસ્તાવેજો પણ પુરમાં તણાઇ ગયા…
કુદરતી આપતિ પછી ઘરના વીમાનો ક્લેમ મેળવવો એ એક મોટો પડકાર છે. રાહુલની જેમ ઘણા લોકોના ઈન્સ્યોરન્સ, મકાનની રજિસ્ટ્રી, આધાર અને PAN જેવા મહત્વના દસ્તાવેજો નાશ પામે છે. પ્રોમોર ફિનટેકના ઇન્સ્યોરન્સ એક્સપર્ટ ઝિયાઉદ્દીન સઈદનું કહેવું છે કે કુદરતી આપતિના કારણે થયેલા નુકસાનનો દાવો કરતા પહેલા પોલીસમાં એફઆઈઆર દાખલ કરો. ત્યારબાદ વીમા કંપનીને ઘટનાની જાણ કરો.
આજકાલ મોટાભાગના લોકો તેમના PAN, આધાર વગેરેની નકલ તેમના ઈમેલ અથવા ડિજીલોકરમાં રાખે છે. રાહુલને તેના આધાર કાર્ડ, પાન અને વીજળીના બિલની નકલ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રહેઠાણ પ્રમાણપત્ર મળી જશે. જરૂરી કાગળો એકત્રિત કર્યા પછી, રાહુલે વીમા કંપનીની ઑફિસમાં જઈને ક્લેમ માટે અરજી કરવી પડશે. વીમા કંપનીના અધિકારીઓ વીમા પ્રીમિયમના ટ્રાન્ઝેક્શન, PAN, આધાર અને મોબાઈલ નંબર દ્વારા ડુપ્લિકેટ પોલિસી આપશે. આ રીતે ક્લેમની પ્રક્રિયા શરૂ થશે.
રાહુલની અરજીના આધારે વીમા કંપનીના સર્વેયર સ્થળનું નિરીક્ષણ કરશે. સર્વેયર આકારણી કરશે કે કેવી રીતે અને કેટલી હદ સુધી ઘરને નુકસાન થયું છે. ધ્યાનમાં રાખો કે કુદરતી આપત્તિ સંબંધિત પોલિસીમાં, કુદરતી આફતને કારણે ઘરને નુકસાન થાય તો જ ક્લેમ આપવામાં આવશે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કુદરતી આફતની પુષ્ટિ કરવામાં આવે છે. જો કે આ મામલે રાહુલને કોઈ મુશ્કેલી પડશે નહીં. હિમાચલ સરકારે પૂરને કુદરતી આફત જાહેર કરીને રાહત આપવાની જાહેરાત કરી છે. જો સરકારી સ્તરે કુદરતી આફતની પુષ્ટિ ન થાય, તો વીમા કંપની દાવો નકારી શકે છે.
ઈન્સ્યોરન્સ એક્સપર્ટ ઝિયાઉદ્દીન સઈદનું કહેવું છે કે કુદરતી આફતમાં ઘર કે દુકાનને થયેલા નુકસાનનો દાવો કરતા પહેલા નુકસાનનું મૂલ્યાંકન કરો. દરેક વસ્તુને કેટલું નુકસાન થયું છે તેનું એક સંપૂર્ણ લિસ્ટ બનાવો. જો તમને લિસ્ટમાં સામેલ સામાનની ખરીદી સંબંધિત બિલ મળી જાય તો ક્લેમ કરવામાં સરળતા રહેશે. આજકાલ ઘણા લોકો ઈ-કોમર્સ સાઈટ પરથી સામાન ખરીદે છે. જો તમને મેઇલ પર બિલ અથવા ટ્રાન્ઝેક્શનની રસીદ મળે તો તે મદદરૂપ થશે. બીજી એક મહત્વની વાત ધ્યાનમાં રાખો કે દાવાની શરૂઆતથી અંત સુધી, એક જ વસ્તુને વળગી રહો. નુકસાન વિશેના નિવેદનને વારંવાર બદલવાથી તમારો ક્લેમ રિજેક્ટ થઇ શકે છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે કુદરતી આફતોનું જોખમ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં કાર અને બાઇકની જેમ ઘર અને દુકાનનો વીમો પણ જરૂરી બની ગયો છે. જો કે, વાહનોની જેમ મિલકતનો વીમો ફરજિયાત નથી. પરંતુ રાહુલ જેવી પરિસ્થિતિને ટાળવા માટે, Money9 સલાહ આપે છે કે કુદરતી આફતોના જોખમો સામે રક્ષણ મેળવવા માટે ઘર માટે વીમા કવર લેવું જરૂરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો