MONEY9: તમે મોંઘો સ્માર્ટફોન હપતા પર લો અને તે ફોન ચોરાઇ જાય કે તેને નુકસાન થાય તો તમારો ફોન જાય તો જાય પણ તેના હપતા તમારે માથે રહી જાય છે. આવું જ કઇંક કાર્તિક જોડે થયું. કેરિયરની શરૂઆત કરનાર કાર્તિકે હાલમાં જ લોન લઇને આઇફોન ખરીદ્યો હતો. તેના માટે તેને બે વર્ષ માટે 3000 હજારનો ઇએમઆઇ આવ્યો. કાર્તિકે ફોનનો ઉપયોગ કરવાનું શરૂ કરે હજુ તો એક જ મહિનો થયો, કે મેટ્રોમાં તેનો ફોન ચોરી થઇ ગયો. કાર્તિકને દુખ તે વાતનું છે કે ફોન તો હાથમાંથી ગયો, પરંતુ તેને ફોન માટેના ઇએમઆઇ બે વર્ષ સુધી ભરવા પડશે. જો કાર્તિકે આ ફોનનો વીમો કરાવ્યો હોત તો આજે આ નોબત ના આવી હોતી. અત્યાર સુધીમાં તેને બીજો ફોન મળી ગયો હોત.
હકીકતમાં ટેક્નોલોજીના આ યુગમાં સ્માર્ટફોન અને લેપટોપ જેવા સ્માર્ટ ગેજેટ્સ જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયા છે. તેને ખરીદવા માટે આપણે મોટી રકમ ખર્ચ કરીએ છીએ. આ ગેઝેટ્સના ચોરી, ડેમેજ થવા અથવા અન્ય રીતે ખરાબ થવાનું જોખમ હંમેશા રહેતું હોય છે. આ જોખમથી બચવા માટે એક સારું વીમા કવર અસરકારક સાબીત થાય છે. આ વીમો કંપનીઓ દ્વારા અન્ય પ્રોડક્ટ્સ માટે અપાતા વીમા કવર જેવો જ છે. તમારો મોબાઇલ ચોરી થવો, ખોવાઇ જવો, કે ડેમેજ થવા પર વીમા કંપનીઓ તમારા નુકસાનની ભરપાઇ કરશે.
જ્યારે પણ કોઇ મોંઘો મોબાઇલ કે લેપટોપ ખરીદો તો તેના માટે વીમા કવર ખરીદવા પર જરૂરથી વિચાર કરો. સામાન્ય રીતે ગેઝેટ્સના બિલિંગની તારીખથી પાંચ દિવસ સુધીમાં આ પોલીસી ખરીદી શકાય છે. આ કવર આમતો એક વર્ષ માટે હોય છે. પરંતુ કેટલીક વીમા કંપનીઓ તેને ત્રણ વર્ષ સુધી પણ લંબાવી આપે છે. સ્માર્ટફોનનો વીમો કરાવ્યા બાદ, ફોન ચોરી થાય કે તેને નુકસાન થાય છે તો વીમા કંપની તેની ભરપાઇ કરશે. જો તમે દેશની બહાર છો અને ગેઝેટને નુકસાન થાય છે તો, પણ વીમા કંપની તેની ભરપાઇ કરશે. એટલું જ નહીં ગેઝેટ જો કોઇ દુર્ઘટનામાં ડેમેજ થાય કે ખરાબ થાય અથવા ઇન્સ્ટોલેશન દરમિયાન કોઇ ગડબડી થાય તો વીમા કંપની નુકસાનને પૂરી ચુકવણી કરશે.
ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ બનાવનારી કંપનીઓ સામાન્ય રીતે એક વર્ષની વોરન્ટી આપતી હોય છે જે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ અને કેટલીક વસ્તુઓ સુધી જ મર્યાદીત હોય છે. જો કોઇ ગેઝેટ ચોરી કે ડેમેજ થઇ જાય છે તો, તો આ નુકસાન તમારે પોતે જ ઉઠાવવું પડશે. માટે જો તમે મોંઘું ગેઝેટ ખરીદી રહ્યા છો તો, તેના માટે વીમા કવર લેવું જરૂરી છે. આ વીમો પ્રોડક્ટને નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે.
ક્યાંથી ખરીદશો વીમો
ધ્યાન રાખો આ પ્રોડક્ટ માત્ર નવા ગેઝેટ્સ માટે ખરીદી શકાય છે. તમે જ્યારે ગેઝેટ શો રૂમમાંથી ખરીદી રહ્યા હોય ત્યારે જ આ સુવિધા સરળતાથી મળી જશે. સામાન્ય રીતે આ વીમો કંપનીઓની બ્રાન્ચ કે એજન્ટો દ્વારા નથી વેચવામાં આવતો. જોકે, ઇકો, આઇસીઆઇસીઆઇ, લોમ્બાર્ડ, બજાજ ફિનસર્વ જેવી કંપનીઓ મોબાઇલ ફોનની સાથે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ માટે ઓનલાઇન ઇન્સ્યોરન્સ ઓફર કરી રહી છે. સરકારી કંપનીઓ ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ પણ આ વીમો આપી રહી છે.
પ્રિમીયમ કેવી રીતે નક્કી થાય છે
ગેઝેટનો વીમો પ્રોડક્ટની કિંમતને આધારે નક્કી થાય છે. જો તમારા સ્માર્ટ ફોનની કિંમત 10 હજાર રૂપિયા સુધી છે તો તો તેનું વીમા પ્રિમીયમ 600 રૂપિયા સુધીનું હોઇ શકે છે. 10 હજારથી 75 હજાર રૂપિયાની કિંમતના કવર માટે 3000 રૂપિયા સુધી પ્રિમીયમ ચુકવવું પડી શકે છે. મોંઘા લેપટોપ માટે આ રકમ 10થી 12 હજાર સુધી થઇ શકે છે. સ્માર્ટ ટીવી, સ્માર્ટ એપ્લાયન્સમાં પણ તમારી જરૂરિયાત મુજબ, અનેક વીમા વિકલ્પો ઉપલબ્ધ છે.
નિષ્ણાતનો મત સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર જીતેન્દ્ર સોલંકી કહે છે કે, જો તમે કોઇ મોંઘું ગેઝેટ ખરીદી રહ્યા છો તો તેના માટે વીમા કવર જરૂરથી ખરીદવું જોઇએ. થોડી વધારાની રકમ ખર્ચ કરીને પ્રોડક્ટના ડેમેજ, ચોરી કે અન્ય પ્રકારના જોખમ સામે કવર મળી જશે. તેના માટે કોઇ વધારાની કવાયત નહીં કરવી પડે.
કેવી રીતે ક્લેમ કરવો
જો તમારું ગેઝેટ ચોરી કે ડેમેજ થઇ જાય છે તો તમે તેની ભરપાઇ માટે ક્લેમ કરી શકો છો. તેના માટે તમારે ગેઝેટનું બિલ અને સિરિયલ નંબર પણ આપવો પડશે. ગુમ થવા કે ચોરી થવાના 24 કલાકની અંદર એફઆઇઆર દાખલ કરાવો. બાદમાં 48 કલાકની અંદર ક્લેમ ફાઇલ કરો. સામાન્ય રીતે વીમા કંપની આ પ્રકારના ક્લેમ 7 દિવસની અંદર સેટલ કરી લે છે. જો કોઇ કારણસર તમારો ક્લેમ રિજેક્ટ કરવામાં આવ્યો છે તો વીમા કંપની તેનું મૂળ કારણ પણ જણાવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો