સોનલને જેવું તેના વીમા એજન્ટે કહ્યું કે તે એક સાથે ત્રણ વર્ષ માટે આરોગ્ય વીમો ખરીદી શકે છે, તો સોનલ મૂંઝવણમાં પડી ગઈ. આવું કેવી રીતે શક્ય બને? ક્યાંક તેની સમજવામાં ભૂલ તો નથી થઇ રહી ને? એક વર્ષમાં જ ભરી દો બે થી ત્રણ વર્ષનું વીમાનું પ્રીમિયમ અને પછી ત્રણ વર્ષ માટે આરામ. જો સોનલની જેમ તમે પણ આ મલ્ટી યર વીમા વિશે પહેલીવાર સાંભળી રહ્યાં છો, તો આ વીડિયો તમારા માટે છે –
સામાન્ય રીતે હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી એક વર્ષ માટે હોય છે. એક વર્ષ પછી પ્રીમિયમ ભરીને તેને રિન્યુ કરી શકાય છે. મલ્ટીયર હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી 2 કે તેથી વધુ વર્ષ માટે હોય છે. જેમાં 3 વર્ષનું પ્રીમિયમ એકસાથે ચૂકવીને દર વર્ષે પોલિસી રિન્યૂ કરવાની જરૂર નથી પડતી. પરંતુ આવી વીમા પોલિસીના ઘણા ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે.
કેવી રીતે થશે ફાયદો?
દેશમાં આરોગ્ય સંભાળનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. આ જ કારણ છે કે સામાન્ય ફુગાવો સાત ટકાના સ્તરે છે જ્યારે હેલ્થ કેર ઇન્ફ્લેશન 14 ટકા એટલે કે બમણી ઝડપે વધી રહ્યો છે. દાવાઓની કિંમતમાં વધારાને કારણે છેલ્લા એક વર્ષમાં હેલ્થ વીમા પ્રિમિયમમાં 25 ટકાનો વધારો થયો છે. આગામી દિવસોમાં હેલ્થ ઈન્સ્યોરન્સ વધુ મોંઘો થવાની શક્યતા છે. જો સોનલ મલ્ટીયર પોલિસી લે છે, તો તેને વધેલા પ્રીમિયમનો બોજ સહન નહીં કરવો પડે.
વીમા કંપનીઓ મલ્ટિ-યર પોલિસીના પ્રીમિયમમાં 8 થી 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપે છે. ઉદાહરણ તરીકે, હાલમાં સોનલનું વાર્ષિક પ્રીમિયમ 20,000 રૂપિયા છે… તો ત્રણ વર્ષની પોલિસી માટે પ્રીમિયમ 60,000 રૂપિયા થશે. જો વીમા કંપની 10 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે તો તેને 6000 રૂપિયાનો ફાયદો થઇ શકે છે. આ રીતે તેને 54,000 રૂપિયામાં ત્રણ વર્ષનું કવર મળી જશે. જો કે, એ જરૂરી નથી કે તમે તેની ચુકવણી એકસાથે જ કરો. પ્રીમિયમ વાર્ષિક, અર્ધવાર્ષિક અથવા ત્રિમાસિક ધોરણે ચૂકવી શકાય છે. જો કે, આ વિકલ્પ હેઠળ પ્રીમિયમની રકમ વધી જશે.
કેવી રીતે મળશે ટેક્સમાં છૂટ?
આવકવેરાની કલમ 80D હેઠળ 25,000 રૂપિયા સુધીના વાર્ષિક આરોગ્ય વીમા પ્રીમિયમ પર ટેક્સ છૂટ મળે છે. જો તમે તમારા માતા-પિતા માટે હેલ્થ વીમો લો છો, તો તમને પ્રીમિયમ પર 25,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. જો માતા-પિતા વરિષ્ઠ નાગરિકો હોય તો તેઓ 50,000 રૂપિયાના પ્રીમિયમ પર કર મુક્તિ મેળવી શકે છે.
ધારો કે સોનલે ત્રણ વર્ષ માટે પોતાના માટે 54,000 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યું છે, તો તે દર વર્ષે 18,000 રૂપિયાની કર મુક્તિનો દાવો કરી શકે છે. તે એક નાણાકીય વર્ષમાં માત્ર 18,000 રૂપિયા પર જ ટેક્સ છૂટનો લાભ લઇ શકશે.
શું છે નુકસાન?
મલ્ટીયર પોલિસીની કેટલીક ખામીઓ પણ છે. તમે આ પોલિસીમાં પોર્ટિંગનો લાભ નથી લઈ શકતા. જો તમે પોલિસી લીધાના એક વર્ષ પછી કંપનીની સેવાઓથી સંતુષ્ટ નથી, તો તમે તમારી પોલિસીને બીજી કંપનીમાં પોર્ટ નહીં કરી શકો. તેનો અર્થ એ કે, તમે જેટલા વર્ષનો વીમો ખરીદ્યો છે તેટલા વર્ષ સુધી તમારે તે જ કંપની સાથે રહેવું પડશે. તેવી જ રીતે, જો વીમા કંપનીના પ્રીમિયમ દરો ઘટશે તો તમને લાભ નહીં મળે. જો કે, હાલની પરિસ્થિતિમાં પ્રીમિયમમાં ઘટાડાની શક્યતાઓ નહિવત છે.
ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈન કહે છે કે મલ્ટિ-યર હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે પ્રીમિયમ વધવાની ચિંતા કરવાની જરૂર નથી. જો પોલિસીની મુદત દરમિયાન પ્રીમિયમ વધે છે, તો તમારી પર કોઇ અસર નહીં થાય. હેલ્થ વીમા પૉલિસીને સમયસર રિન્યૂ કરાવવી મહત્વપૂર્ણ છે. જો તમે રિન્યુ કરવાનું ભૂલી જાઓ તો પોલિસી લેપ્સ થઈ શકે છે. આવા લોકો માટે મલ્ટિ-યર પોલિસી ઉપયોગી છે. આમાં, પોલિસીને લાંબા સમય સુધી રિન્યૂ કરવાની જરૂર નથી પડતી. જો તમે મલ્ટિ-યર હેલ્થ પોલિસી ખરીદી રહ્યા છો, તો ઉતાવળ કરશો નહીં. કોઈપણ નિર્ણય લેતા પહેલા, કંપનીના ક્લેમ સેટલમેન્ટ રેશિયોનો ટ્રેક રેકોર્ડ જરૂર જાણી લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો