MONEY9 GUJARATI: જુહી ઘણા સમયથી સોનું (Gold) ખરીદવા માંગતી હતી…પણ આ ઈચ્છા વાસ્તવિકતામાં પરિણમતી જ નથી. સોનાની ઊંચી કિંમત જોઈને જુહી જેવા અનેક લોકો તેને ખરીદવાની માત્ર યોજના જ બનાવે છે. હાલમાં સોનાની કિંમત (Gold price) 62 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઉપર છે. પરંતુ આટલી ઊંચી કિંમત હોવા છતાં જુહી જેવા લોકો નવી રીતે સોનું ખરીદી શકે છે. હવે સોનું ખરીદવા માટે મોટી રકમની જરૂર નથી. તમે Paytm, Google Pay અને PhonePe જેવી ફિનટેક એપ્સ (FinTech Apps) દ્વારા માત્ર 1 રૂપિયામાં ડિજિટલ સોનું (Digital gold) ખરીદી શકો છો. અહીં તમને શુદ્ધ સોનું મળશે. આ સિવાય કેટલીક જ્વેલરી કંપનીઓ ડિજિટલ ગોલ્ડ ખરીદવાની સુવિધા પણ આપી રહી છે. અહીં ઓછામાં ઓછા 100 રૂપિયામાં ગોલ્ડ ખરીદી શકાય છે. જ્યારે પણ તમારી પાસે પૈસા હોય ત્યારે ડિજિટલ ગોલ્ડ ખરીદતા રહો. આ સોનું તમારા ખાતામાં ઉમેરવામાં આવશે.
જો સરળ ભાષામાં સમજીએ તો, ડિજિટલ ગોલ્ડ એ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સોનું ખરીદવાની એક રીત છે. આ ગોલ્ડની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલી હોય છે. આ રીતે, તમે નાના-નાના રોકાણ દ્વારા મોટી માત્રામાં સોનું ભેગું કરી શકો છો. આ રોકાણમાં તમને સોનામાં તેજીનો લાભ પણ મળશે. પેમેન્ટ વૉલેટ એપ્સ સોનું ખરીદવાની સાથે સાથે તેને વેચવાની અને કોઈને ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપે છે.
જુહી ફિનટેક કંપનીઓની એપ્સ દ્વારા થોડી-થોડી માત્રામાં સોનું ખરીદીને પોતાની ઈચ્છા પૂરી કરી શકે છે. તેનો ફાયદો એ છે કે આ સોનું સ્ટોર કરવાની માથાકૂટ તમારી નથી રહેતી, બલ્કે તમે જે પ્લેટફોર્મ પરથી સોનું ખરીદો છો તે આ સોનું તેની તિજોરીમાં રાખશે. આ સોનું ફક્ત ઓનલાઈન માધ્યમથી જ મેળવી શકાય છે. તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે આ સોનું ફિઝિકલ ફૉર્મેટમાં મેળવી શકો છો અથવા વર્તમાન કિંમત પ્રમાણે તેને વેચી શકો છો.
જો તમે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છો, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું પડશે… આ રોકાણ સાથે ઘણા પ્રકારના ખર્ચ સંકળાયેલા છે. બ્રોકરેજ અને સ્ટોરેજ જેવા વિવિધ ચાર્જને લીધે એક્સપેન્સ રેશિયો વિવિધ પ્લેટફોર્મ પર બદલાય છે. કંપનીઓ તેમના વૉલેટ એટલે કે તિજોરીમાં માત્ર 3 થી 7 વર્ષના સમયગાળા માટે જ સોનું રાખે છે.. સમય મર્યાદાની સમાપ્તિ પછી, તમારે તમારું સોનું વેચવું પડશે અથવા ફિઝિકલ ડિલિવરી લેવી પડશે… પરંતુ કંપનીઓ એક મિનિમમ એમાઉન્ટ સુધીની ખરીદીની જ ડિલિવરી કરે છે. આવી સ્થિતિમાં રોકાણ કરતા પહેલા કંપનીની શરતોને સારી રીતે સમજી લેવી જરૂરી છે..
એક્સપર્ટ્સના મતે સોનું રોકાણ માટે સારો વિકલ્પ છે. તમારા પોર્ટફોલિયોમાં સોનું 10 થી 15 ટકા હોવું જોઈએ. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ, ETF અને સોવરિન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB સોનામાં રોકાણ કરવા માટેના સારા વિકલ્પો છે. ડિજિટલ ગોલ્ડમાં કોઈ રેગ્યુલેટર નથી. તમે જેના દ્વારા રોકાણ કરી રહ્યા છો તે કંપનીએ સોનું સંગ્રહિત કર્યું છે કે નહીં તે અંગે કંઈ જ ખબર નથી. જ્યાં સુધી આ રોકાણ અંગેની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વ્યક્તિએ ડિજિટલ ગોલ્ડમાં નાણાંનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. જો આ રોકાણ રેગ્યુલેટરના કાર્યક્ષેત્રમાં આવે છે, તો તે પણ સોનામાં રોકાણ માટેનો સારો વિકલ્પ બની શકે છે.
ક્રિપ્ટો કરન્સીમાં લાખો રોકાણકારોએ તેમની મૂડી ગુમાવી છે. તેનું સૌથી મોટું કારણ એ હતું કે તેમાં કોઈ રેગ્યુલેટર નહોતું. જ્યારે તમે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેરોમાં નાણાંનું રોકાણ કરો છો, ત્યારે RBI અને સેબી તેના રેગ્યુલેટર હોય છે. જો રોકાણ સંબંધિત ગેરરીતિઓ જોવા મળે તો રેગ્યુલેટર એક્શન લે છે. પરંતુ ડિજિટલ ગોલ્ડનું હજુ કોઈ રેગ્યુલેટર નથી. તમામ કંપનીઓએ પોતાના નિયમો બનાવ્યા છે. જો રોકાણ સંબંધિત કોઈ સમસ્યા ઊભી થાય અથવા કોઈ કંપની ગાયબ થઈ જાય, તો તમે ફરિયાદ ક્યાં કરશો? સ્વાભાવિક છે કે તમને સાંભળવામાં પણ નહીં આવે.. આ જોખમને જોતા ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાથી બચવું જોઈએ..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો