Money9 Gujarati:
જો તમે સોનામાં રોકાણ કરવાની યોજના ઘડી રહ્યાં હોવ તો, આ સમાચાર વાંચી લેજો, કારણ કે, આગામી વર્ષોમાં ગોલ્ડ કરતાં વધારે વળતર સિલ્વરમાં મળી શકે છે. આગામી દાયદો સોનાનો નહીં, પણ ચાંદીનો બની રહેશે કારણ કે, 2033 સુધીના 10 વર્ષમાં ગોલ્ડ કરતાં સિલ્વરમાં વધારે વળતર મળવાની શક્યતા છે. સ્વતંત્ર આર્થિક સલાહકાર અને કન્સલ્ટન્સી કંપની Oxford Economicsના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2033 સુધી ચાંદીની ઔદ્યોગિક માંગ 46 ટકા વધવાનો અંદાજ છે જ્યારે ચાંદીના ઘરેણાં અને ચાંદીના વાસણની માંગ અનુક્રમે 34 ટકા અને 30 ટકાના દરે વધી શકે છે.
Silver Institute વતી તૈયાર કરવામાં આવેલા રિસર્ચ રિપોર્ટમાં Oxford Economicsના એનાલિસ્ટ્સે નોંધ્યું છે કે, ગ્લોબલ સિલ્વર ડિમાન્ડમાં ત્રણ મુખ્ય પિલર (ઈન્ડસ્ટ્રીયલ, જ્વેલરી અને સિલ્વરવેર)ને કારણે 2033 સુધી કુલ 42 ટકા ડિમાન્ડ ગ્રોથ જોવા મળશે. 2014થી 2023માં જોવા મળેલા ગ્રોથની તુલનાએ આ ગ્રોથ લગભગ બમણો હશે.
ચાંદીની વૈશ્વિક માંગમાં આ ત્રણ સેગમેન્ટ્સનો હિસ્સો લગભગ 75 ટકા છે. સિલ્વરની કુલ ડિમાન્ડમાં માત્ર ઈન્ડસ્ટ્રીયલ સેગમેન્ટનો હિસ્સો જ 60 ટકાથી વધારે છે.
Oxford Economicsએ અંદાજ વ્યક્ત કર્યો છે કે, આગામી દાયકામાં ભારતમાં ઘરેણાં માટે સૌથી વધુ માંગ જોવા મળશે. 2023થી 2033ની વચ્ચે ચાંદીના ઘરેણાંના ફેબ્રિકેટર્સ દ્વારા ચાંદીની ભાવિ માંગમાં વૃદ્ધિ જોવા મળશે અને ખાસ તો એશિયાના દેશોમાં ચાંદીના ઘરેણાંની માંગ જોવા મળશે. ખાસ તો, ભારતમાં ઘરેણાં માટે ચાંદીની માંગ જોવા મળશે અને કુલ વૃદ્ધિમાં ભારતનો હિસ્સો 43 ટકા રહેશે. જોકે, રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, ચીનના કારણે ભારત ચાંદીના જ્વેલરી માર્કેટમાં પોતાનો હિસ્સો ગુમાવી શકે છે. ચાંદીના વાસણની માંગમાં ભારત આગળ રહેશે, પરંતુ 2022ની તુલનાએ ભારતનો બજારહિસ્સો ઘટશે.
Oxford Economicsના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, ચાંદીનો ઉપયોગ કરી રહેલા કેટલાક મહત્ત્વનાં ઉદ્યોગોને આગામી દાયકામાં વધારે ઉત્પાદન થવાનો અંદાજ છે. એશિયામાં અને ખાસ તો ચીનમાં ચાંદીનું ઉત્પાદન વધવાની અપેક્ષા છે. ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં ઉત્પાદન વધવાની શક્યતાના આધારે ચાંદીની માંગમાં વૃદ્ધિનો અંદાજ બાંધવામાં આવ્યો છે. આવતા દાયકામાં ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં ઉત્પાદન 55 ટકા વધવાનો અંદાજ છે. સૌર ઊર્જા અને ઈલેક્ટ્રિક વાહનોમાં ચાંદીનો ઉપયોગ વધવાથી આ કેટેગરીમાં વૃદ્ધિ જોવા મળશે, એમ Oxford Economicsના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. રિપોર્ટમાં બ્રેજિંગ મિશ્ર ધાતુમાં ચાંદીની વધતી માંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2022માં આ સેક્ટરમાં કુલ વૈશ્વિક ઔદ્યોગિક માંગનો 9 ટકા ઉપયોગ કર્યો હતો.
ચાંદીની માંગમાં મજબૂત વૃદ્ધિ જોવા મળશે ત્યારે આગામી કેટલાક વર્ષો સુધી તેના સપ્લાયમાં ઘટ પડવાની શક્યતા છે. 2023માં ચાંદીના પુરવઠામાં 14.21 કરોડ ઔંશની ઘટ પડવાનો અંદાજ છે. 2022માં આ ઘટ 23.77 કરોડ ઔંશ હતી.
અત્યાર સુધી તો સિલ્વરની સોલિડ ફિઝિકલ ડિમાન્ડ રોકાણકારોને આકર્ષી શકી નથી કારણ કે, સિલ્વરની કિંમત 23 ડૉલર પ્રતિ ઔંશની ઉપર ટકી નથી. ગોલ્ડની સામે સિલ્વરમાં ઓછું વળતર મળ્યું છે અને ગોલ્ડ-સિલ્વર રેશિયો પણ 85 પોઈન્ટ્સની ઉપર જળવાઈ રહ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો