Sovereign Gold Bond Scheme: જો તમારી ઈચ્છા સસ્તામાં સોનું ખરીદવાની હોય તો ધમાકેદાર તક આવી ગઈ છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) તમારા માટે સોનામાં રોકાણની શાનદાર સ્કીમ (Sovereign Gold Bond Scheme) લાવી છે. RBIએ જણાવ્યું છે કે, સૉવરિન ગોલ્ડ બૉન્ડ (SGB) સ્કીમ 2023-24ની પહેલી સીરિઝ (Sovereign Gold Bond Scheme 2023-24 1st Series) 19 જૂનથી શરૂ થશે. આ બૉન્ડ સ્કીમમાં 23 જૂન સુધી રોકાણ કરી શકાશે. એટલે કે, સસ્તામાં સોનું ખરીદવા માટે તમારી પાસે પાંચ દિવસનો સમય છે.
સરકારે લોકોને ગોલ્ડમાં રોકાણ કરવા માટે આ સ્કીમ દ્વારા ખાસ પહેલી કરી હતી, જેના ભાગરૂપે સરકાર વતી, RBI દ્વારા ગોલ્ડ બૉન્ડ ઈશ્યૂ કરવામાં આવે છે. બજારમાં સોનાનો જે ભાવ હોય તેના કરતાં ઓછી કિંમતે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમારું રોકાણ સલામત રહે છે, કારણ કે તેને ભારત સરકાર તરફથી સુરક્ષાની ગેરન્ટી આપવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે પ્રથમ છ મહિનામાં બે સીરિઝ લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી સીરિઝ 19 જૂનથી 23 જૂન દરમિયાન જ્યારે બીજી સીરિઝ 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન ખુલશે, એમ RBIએ એક નિવેદનમાં જણાવ્યું છે. ફિઝિકલ ગોલ્ડના વિકલ્પ તરીકે આ સ્કીમ લોકપ્રિય થઈ છે. તેની શરૂઆત નવેમ્બર 2015થી થઈ હતી.
(https://rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx?prid=55856)
કેટલામાં પડશે સોનું? સૉવરિન ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં ઈશ્યૂની કિંમત (Sovereign Gold Bond price) નક્કી કરવા માટે સબ્સક્રિપ્શન પહેલાંનાં 3 કારોબારી દિવસ અને 999 શુદ્ધતા ધરાવતા સોનાની બંધ કિંમતની સામાન્ય સરેરાશનો આધાર લેવામાં આવે છે અને કિંમત નક્કી કરવામાં આવે છે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો તો, તમને પ્રતિ 10 ગ્રામ પર 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે.
કેટલું સોનું ખરીદી શકો? જો તમારી ઈચ્છા સૉવરિન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવાની હોય તો તમારે RBIના નિયમોનું (How to Invest In Sovereign Gold Bond) પાલન કરવું પડશે. એક વ્યક્તિ ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકે છે જ્યારે મહત્તમ 4 કિલો સોનું ખરીદવાની છૂટ છે. ટ્રસ્ટના નામે મહત્તમ 20 કિલોગ્રામ સોનું ખરીદવાની છૂટ છે. સ્મોલ ફાયનાન્સ બેન્ક, પેમેન્ટ બેન્ક અને રિજનલ રૂરલ બેન્ક આ બૉન્ડ વેચી શકતા નથી.
ક્યાંથી થઈ શકે ગોલ્ડ બૉન્ડમાં રોકાણ? 12 સરકારી અને 21 ખાનગી શિડ્યુઅલ્ડ બેન્કમાં ગોલ્ડ બૉન્ડનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા, ક્લીયરિંગ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (CCIL) અને સ્ટોક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા લિ. (SHCIL)માં પણ ગોલ્ડ બૉન્ડ મળે છે. પૉસ્ટ ઑફિસ (ટપાલ વિભાગ)ની મુખ્ય શાખામાં પણ ગોલ્ડ બૉન્ડમાં રોકાણની સુવિધા ઉપલબ્ધ છે.
કેટલા વર્ષની હોય છે આ સ્કીમ? SGBની શરૂઆત 2015માં થઈ હતી. તેની મુદત 8 વર્ષની હોય છે, એટલે કે તમારે 8 વર્ષ સુધી રોકાણ જાળવી રાખવું પડે છે. જોકે, પાંચમા વર્ષથી રોકાણ વેચવાની છૂટ આપવામાં આવે છે.
કેટલું મળે છે વળતર? આ સ્કીમમાં રોકાણકારોને વાર્ષિક 2.50 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે અને તેની ચૂકવણી અર્ધ-વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. 2015માં જે લોકોએ ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કર્યું હતું તેમને 100 ટકાથી પણ વધારે વળતર મળ્યું છે. તમે લોન લેવા માટે જામીન તરીકે પણ ગોલ્ડ બૉન્ડનો ઉપયોગ કરી શકો છો. રોકાણકારોને ગોલ્ડ બૉન્ડ ખરીદ્યા હોવાનું એક હોલ્ડિંગ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે.
ટેક્સ ભરવો પડે? SGBમાં કરેલા રોકાણ પર વ્યાજની જે કમાણી થાય તેને કરપાત્ર (taxable) ગણવામાં આવે છે અને તેના પર ઈનકમ ટેક્સ એક્ટ, 1961 (43 of 1961)ની જોગવાઈ હેઠળ ટેક્સ લાગે છે. તમે જ્યારે બૉન્ડ વેચો ત્યારે જે કેપિટલ ગેઈન્સ થાય તેના પર ટેક્સ લાગતો નથી. જો કોઈ વ્યક્તિ ગોલ્ડ બૉન્ડ ટ્રાન્સફર કરાવે તો લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ પર ઈન્ડેક્સેશન બેનિફિટ લઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો