Money9 Gujarati:
સોનાના ઊંચા ભાવને કારણે માંગ પર અસર પડવાનું શરૂ થઈ ગયું છે. લગ્નની સીઝન હોવાથી લોકો જરૂર પૂરતી ખરીદી કરી રહ્યાં છે, પરંતુ સીઝન પૂરી થયા બાદ ઘરાકી પર માઠી અસર પડવાની સંભાવના છે. ઘણા લોકોએ જૂના સોનાના ઘરેણાં બદલીને નવા ઘરેણાં ખરીદવાનો વિકલ્પ પણ અપનાવ્યો છે. દુનિયામાં ચીન બાદ ભારત સોનાનો સૌથી મોટો ગ્રાહક છે અને લગ્નસરાની સીઝનમાં સોનાની માંગમાં જબરદસ્ત ઉછાળો આવે છે.
સુરતના કોટ વિસ્તારમાં જૂના દાગીના ખરીદનારા જ્વેલર્સને ત્યાં સોનું વેચવા આવતા લોકોની સંખ્યા 50 ટકા વધી છે. જૂના દાગીનાની ખરીદી કરતાં શ્રોફ જ્વેલર્સને ત્યાં છેલ્લાં એક સપ્તાહથી જૂનું સોનું લઈને આવનારા ગ્રાહકો વધી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, સોનું તેની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. સોનાની સાથે ચાંદી પણ કૂદકા મારી રહી છે. ઓક્ટોબરમાં સોનું 6.8 ટકા જ્યારે નવેમ્બરમાં 4 ટકા જેટલું વધી ગયું છે. 6 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારથી લઈને 4 ડિસેમ્બર સુધીમાં ગોલ્ડની વૈશ્વિક કિંમતમાં 330 ડૉલરનો વધારો થયો છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના જણાવ્યા પ્રમાણે, અત્યારે મોટા ભાગના ગ્રાહકો તેમનું જૂનું સોનું વેચીને નવું સોનું ખરીદી રહ્યાં છે. ભાવ ઊંચો હોવાથી આગામી સમયમાં સોનાની આયાત ઘટવાની શક્યતા છે. સુરેન્દ્ર મહેતા કહે છે કે લગ્ન હોવાથી ગ્રાહકો જરૂરિયાત મુજબ જ સોનું ખરીદી રહ્યાં છે. લગ્ન ના હોય તેવા લોકો અત્યારે ખરીદીનો વિચાર પણ નથી કરી રહ્યાં.
ઉલ્લેખનીય છે કે, 4 ડિસેમ્બરે સોમવારે સોનાની કિંમત નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગઈ હતી. ભારતમાં 10 ગ્રામ સોનું 64,000ને પાર થઈ ગયું છે જ્યારે વૈશ્વિક સ્તરે એક ઔંશ ગોલ્ડની કિંમત 2,149 ડૉલરની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે. જોકે, ત્યારબાદ તેજીએ થાક ખાધો છે અને વૈશ્વિક સ્તરે કિંમત 2,040 ડૉલર થઈ છે જ્યારે ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,000 રૂપિયા ઘટ્યો છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા આવતા વર્ષે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની અટકળોને કારણે, ઓક્ટોબરની શરૂઆતથી સોનાની કિંમતમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે.
રૂપિયામાં નબળાઈને કારણે સ્થાનિક બજારમાં સોનું મોંઘુ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં મોટા પાયે સોનાની આયાત કરવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે અત્યારે લગ્નની સિઝન છે અને આ સમયે માત્ર લગ્નો માટે જ સોનાની ખરીદી થઈ રહી છે. હાલ સ્થાનિક બજારમાં સોનાની કિંમત 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. કેટલાક ઉપભોક્તાઓ તેમની જુની જ્વેલરીને નવા જ્વેલરી માટે એક્સચેન્જ કરીને તેમની ખરીદીને એડજસ્ટ કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં લગ્ન દરમિયાન સોનું પહેરવું અને ભેટ આપવી એ શુભ માનવામાં આવે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે લગ્નની સિઝન હોવાથી સોનાની મોટા પ્રમાણમાં ખરીદી થાય છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશમાં 220 ટન સોનાની આયાત કરવામાં આવી હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 19 ટકા વધુ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો