Money9 Gujarati:
વૈશ્વિક સ્તરે બદલાતા પ્રવાહને કારણે ગોલ્ડ અને ક્રૂડ ઓઈલમાં તેજીવાળા સક્રિય થઈ ગયા છે. અમેરિકન ફેડની આગામી બેઠકમાં વ્યાજ દર અટકવાની શક્યતા તેમજ ડૉલરમાં નરમાઈને કારણે ગોલ્ડની ડિમાન્ડ વધી ગઈ છે અને કિંમત 6 મહિનાની ટોચે પહોંચી છે. એક ઔંશ ગોલ્ડ 2,000 ડૉલરની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડ ઓઈલની કિંમત પણ એકાદ સપ્તાહના વિરામ બાદ ફરી 80 ડૉલરને પાર થઈ ગઈ છે.
ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 63,000 રૂપિયાને પાર થઈ ગયો છે. MCX પર પહેલીવાર સોનાની કિંમત 62,000ના લેવલને પાર થઈ ગઈ છે. હાજર બજારમાં પણ સોનું ઊંચકાયું છે અને અમદાવાદના ઝવેરી બજારમાં 24 કેરેટનો ભાવ 63,000 રૂપિયાને પાર થઈ ગયો છે.
વૈશ્વિક સ્તરે પ્રતિ ઔંશ ગોલ્ડની કિંમત 1.35 ટકા પ્લસમાં રહીને 2,035 ડૉલરની સપાટીએ પહોંચી છે, જે 16 મે પછીની સૌથી ઊંચી સપાટી છે.
અમેરિકન ફેડરલ રિઝર્વ 2024માં વ્યાજના દરમાં વધારો કરવાની કવાયતને વિરામ આપે તેવી પ્રબળ શક્યતા હોવાથી તેમજ ડૉલર ઈન્ડેક્સ 102ની નજીક હોવાથી ગોલ્ડની ડિમાન્ડ વધી છે. રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ સહિતના પરિબળો ગોલ્ડમાં તેજીની ભૂમિકા બાંધી રહ્યાં છે. દુનિયાભરના દેશો ગોલ્ડની ખરીદી કરી રહ્યાં છે. ડૉલર સામે મજબૂત થઈ રહેલી કરન્સી ધરાવતા ખરીદદારો માટે ગોલ્ડ સસ્તું થવાથી ખરીદી વધી છે અને ભાવને તેજીની હવા મળી રહી છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત ફરી 80 ડૉલરને વટાવી ગઈ છે. ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન OPEC+ની બેઠક અગાઉ ક્રૂડ ઓઈલમાં તેજીનો તખ્તો ગોઠવાયો છે, કારણ કે આ બેઠકમાં ઉત્પાદનમાં ઘટાડાની ચર્ચા થશે અને સભ્ય દેશો ઉત્પાદનમાં કેટલો કાપ મૂકવો તે અંગે સહમતિ સાધશે.
ઓર્ગેનાઈઝેશન ઑફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC) અને રશિયા સહિતના સંલગ્ન દેશ 30 નવેમ્બરના રોજ ઓનલાઈન મીટિંગ યોજશે અને 2024 માટે ઉત્પાદનના લક્ષ્યાંકની ચર્ચા-વિચારણા કરશે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે મળનારી બેઠક પાછી ઠેલાયા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ગાબડું પડ્યું હતું, પરંતુ હવે બેઠકની તારીખ નજીકમાં હોવાથી ફરી તેજી શરૂ થઈ છે.
બ્રેન્ટ ક્રૂડ વાયદો 81 સેન્ટ્સ (1 ટકા) પ્લસમાં રહીને 80.79 ડૉલર પ્રતિ બેરલે ટ્રેડ થઈ રહ્યો છે. અમેરિકન WTI ક્રૂડ વાયદો 83 સેન્ટ્સ પ્લસમાં (1.1 ટકા) ચાલી રહ્યો છે અને ભાવ 75.69 ડૉલર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો