Money9 Gujarati:
વિદેશી બજારમાં અને ભારતીય બજારમાં સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. ગ્લોબલ માર્કેટમાં એક ઔંશ ગોલ્ડની કિંમત 2,149 ડૉલરની ઓલ-ટાઈમ હાઈ સપાટીને આંબી ગઈ છે જ્યારે ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 64,300 રૂપિયા થઈ ગયો છે. અમદાવાદના ઝવેરી બજારમાં 999 પ્યોરિટી ધરાવતું સોનું 65,000 રૂપિયા પ્લસમાં બોલાયું છે. સલામત રોકાણ માટે રોકાણકારોમાં ગોલ્ડનું આકર્ષણ વધ્યું છે. ચાંદી પણ 78,000 રૂપિયાને પાર થઈ ગઈ છે.
ગોલ્ડની તેજી પાછળ જિઓપોલિટકલ ટેન્શન, અમેરિકામાં રેટ કટની શક્યતા, ડૉલરની નરમાઈ જેવા કારણો જવાબદાર છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે રાતા સમુદ્રમાં અમેરિકાના કમર્શિયલ જહાજો પર હુમલાના સમાચાર બાદ ગોલ્ડમાં તેજી આવી છે. શુક્રવારે ફેડ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલે રેટ કટના સંકેત આપ્યા હતા, એટલે કે માર્ચ નહીં તો મે મહિનામાં 0.25 ટકાનો ઘટાડો થવાની શક્યતા પ્રબળ બની રહી છે. અમેરિકામાં વપરાશી ફુગાવો ઘટીને ફેડના ટાર્ગેટ કરતાં માત્ર 0.5 ટકા ઉપર ચાલી રહ્યો છે. ડૉલર ઈન્ડેક્સ પણ ઘટીને 103ની સપાટીએ પહોંચી ગયો છે. આથી, ડૉલરમાં સોનું ખરીદનારા દેશો માટે ખરીદી સસ્તી બની છે અને ગોલ્ડમાં બાઈંગ વધ્યું છે. દુનિયાભરના દેશો હેજિંગ માટે ગોલ્ડની ખરીદી વધારી રહ્યાં છે. ભારતમાં પણ RBIએ લાખો ટન સોનું ખરીદવાનું ચાલુ રાખ્યું છે તેમજ તહેવારોને કારણે ગોલ્ડની આયાત વધી છે. આમ તમામ પરિબળો ગોલ્ડને તેજીનું ઈંધણ પૂરું પાડી રહ્યાં છે.
સોમવારે ઉઘડતા બજારે વૈશ્વિક માર્કેટમાં થોડીક જ મિનિટમાં ગોલ્ડની કિંમત 75 ડૉલર વધી ગઈ હતી અને 2,149 ડૉલરની ઓલ-ટાઈમ હાઈ બની ગઈ હતી. રાતા સમુદ્રમાં અમેરિકાના કમર્શિયલ જહાજો પર હુમલાના સમાચાર તેમજ શુક્રવારે મોડી સાંજે અમેરિકન ફેડ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલની ટિપ્પણી બાદ ગોલ્ડમાં ધૂંઆધાર તેજી જોવા મળી છે. જોકે, બાદમાં ગોલ્ડની કિંમત ઘટીને 2,088 ડૉલરની આસપાસ પહોંચી હતી. ગોલ્ડની છેલ્લી હાઈ 7 ઓગસ્ટ 2020માં 2,072 ડૉલરની હતી અને હવે તેણે 2,100 ડૉલરનું સ્તર કૂદાવી લીધું છે. 6 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારથી લઈને 4 ડિસેમ્બર સુધીમાં વૈશ્વિક સ્તરે ગોલ્ડ 330 ડૉલર વધી ચૂક્યું છે
ભારતમાં દિવાળીના તહેવારો પૂરા થયા બાદ લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને બરાબર તેવા સમયે જ સોનું સડસડાટ ઉપર જઈ રહ્યું છે. ઓક્ટોબરમાં 6.8 ટકા વધ્યા બાદ નવેમ્બરમાં પણ સોનું 3 ટકા જેટલું ઉછળ્યું છે અને 10 ગ્રામનો ભાવ 63,500 રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. ઝવેરી બજારમાં સોનાની ઘરાકી પર અસર પડી છે. મોટા માર્કેટમાં પાંખી હાજરી જોવા મળી છે અને લોકોએ ખરીદી પર કાપ મૂક્યો છે.
MCX પર સોમવારે સોનાનો ફેબ્રુઆરી વાયદો 64,063 રૂપિયાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો હતો. ફેબ્રુઆરી વાયદો લગભગ 300 રૂપિયા વધીને 63,650 રૂપિયાના સ્તરે નોંધાયો છે.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,080ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,881 અને નીચામાં રૂ.63,080ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.359ના ઉછાળા સાથે રૂ.63,471ના ભાવે પહોંચ્યો હતો. આ સામે સોનાનો ફેબ્રુઆરી વાયદો રૂ.63,720 ખૂલી, ઉપરમાં રૂ.64,063ના રેકોર્ડ સ્તરને સ્પર્શી, નીચામાં રૂ.63,198 બોલાઈ, રૂ.63,433ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.188 વધી રૂ.50,908 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.6,196ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.115 વધી રૂ.63,202ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.78,590ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.78,590 અને નીચામાં રૂ.76,136ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.456ના ભાવઘટાડા સાથે રૂ.76,137ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો માર્ચ વાયદો રૂ.559 ઘટી રૂ.77,528 બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.502 ઘટી રૂ.77,378 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.505 ઘટી રૂ.77,321 બોલાઈ રહ્યો હતો.
ઓક્ટોબરના પહેલી સપ્તાહમાં ભારતમાં 10 ગ્રામ સોનું 57,000 રૂપિયાની નીચે ચાલતું હતું. દિવાળી બાદ સોનાનો ભાવ લગભગ 4,000 રૂપિયા વધ્યો છે. વૈશ્વિક સ્તરે 6 ઓક્ટોબર (હમાસ-ઈઝરાયેલ યુદ્ધ)થી 4 ડિસેમ્બરની વચ્ચે ગોલ્ડની કિંમતમાં 330 ડૉલર જેટલો વધારો થયો છે. આમ છેલ્લાં બે મહિનામાં ગોલ્ડના ભાવ ઘણા વધ્યા છે. ડૉલર નરમ થવાથી નોન-ડૉલર એસેટ્સનું પ્રદર્શન સારું રહેશે. સૌથી વધુ ફાયદો ટેકનોલોજી સ્ટોક્સને, બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીને થશે. ફોરેકસ અને ગોલ્ડ પણ તેજીમાં રહેશે. ગોલ્ડની બ્રોડ રેન્જ 1,800થી 2,200 ડૉલરની વચ્ચે રહેશે, તેવું નિષ્ણાતો જણાવે છે. ગોલ્ડની કિંમતમાં છેલ્લાં બે મહિનામાં આવેલા ઉછાળાને જોતાં લાગે છે કે, હવે તેમાં તેજી થાક ખાશે. જો સોનાએ લાંબા ગાળે મજબૂત રેલી હાંસલ કરવી હોય તો તેણે થોડું પાછું પડવું પડશે. જિઓપોલિટકલ ટેન્શન હળવું થશે એટલે સોનાની કિંમત ઘટશે એ નક્કી છે. રોકાણ માટે વર્તમાન લેવલ જોખમી લાગે છે, આથી કરેક્શન આવે તેની રાહ જોવામાં સમજદારી હોવાનું બુલિયન એક્સપર્ટ જણાવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો