Money9 Gujarati:
સોનાની ચમક સતત વધી રહી છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ દિવસે ને દિવસે જોર પકડી રહ્યું હોવાથી આંતરરાષ્ઠ્રીય સ્તરે અનિશ્ચિતતા વધી છે, જેના લીધે વૈશ્વિક સ્તરે ગોલ્ડમાં તેજી છે. 6 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારથી ગોલ્ડના ભાવ 5 ટકા વધી ચૂક્યા છે અને ગોલ્ડ 2,000 ડૉલર તરફ આગેકૂચ કરી રહ્યું છે. Comex પર ગોલ્ડનો ભાવ 1 ટકાથી વધુ ઉછળીને 1,958 ડૉલરે પહોંચ્યો છે, જે 4 સપ્તાહની ટોચ છે. હાજર બજારમાં ગોલ્ડ પ્રતિ ઔંશ 1.43 ટકા વધીને 1,975 ડૉલર જ્યારે સિલ્વર 23.49 ડૉલરે પહોંચ્યું છે. વૈશ્વિક અસરને પગલે ભારતમાં પણ સોનું સટાસટ વધી રહ્યું છે, કારણ કે ભારત સોનાની મોટા પ્રમાણમાં આયાત કરે છે અને રૂપિયો નબળો હોવાથી સોનાની આયાત પણ મોંઘી થઈ ગઈ છે.
શા માટે વધી રહ્યું છે ગોલ્ડ?
જ્યારે પણ ભૌગોલિક અથવા રાજકીય અનિશ્ચિતતા વધે ત્યારે સલામતી માટે રોકાણકારો ગોલ્ડમાં વધારે રોકાણ કરે છે. અત્યારે પણ બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનિશ્ચિતતાનો માહોલ છે. ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં અન્ય દેશો પણ જોડાશે તો ક્રૂડ ઓઈલના સપ્લાય પર અસર પડવાની બીક વધી છે. ગાઝામાં હોસ્પિટલમાં હુમલો થવાથી 600 જેટલાં લોકો માર્યાં ગયા હોવાની ખબર બાદ વૈશ્વિક સ્તરે માહોલ વધુ ગરમાયો છે. ઈઝરાયેલને ટેકો આપવા માટે અમેરિકન પ્રમુખ ઈઝરાયેલ પહોંચી ગયા છે. ઈઝરાયેલે લેબોનોનની સરહદે હુમલો કર્યો હોવાના વાવડ મળ્યાં છે. ઈરાન અને ઈજિપ્ત કંઈક નવાજૂની ના કરે તેના પર સૌની નજર છે.
ગોલ્ડ ક્યાં જશે?
બુલિયન એનાલિસ્ટ્સ માને છે કે, ગોલ્ડ ખૂબ ઝડપથી 2,000 ડૉલરની સપાટી વટાવી શકે છે. જો મધ્ય-પૂર્વમાં ઊભું થયેલું ટેન્શન હળવું થશે તો ગોલ્ડના ભાવ ઝડપથી ઘટશે, પરંતુ નજીકના સમયમાં આવું થવાની શક્યતા દેખાતી નથી. ઈઝરાયેલ-હમાસ વચ્ચેનો વિવાદ વકરી રહ્યો હોવાથી સલામત વિકલ્પ તરીકે ગોલ્ડનું અને સિલ્વરનું આકર્ષણ વધ્યું છે. ડૉલર વધવા છતાં અને US બૉન્ડ યીલ્ડ 16 વર્ષની ટોચે પહોંચવા છતાં ગોલ્ડ વધી રહ્યું છે, નહીંતર ડૉલર વધે ત્યારે ગોલ્ડ હંમેશા ઘટે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ડૉલરની સાથે સાથે ગોલ્ડ પણ તેજીમાં છે. ભારતમાં જો સોનાનો ભાવ 60,300નું લેવલ વટાવશે અને અવિરત તેજી જળવાશે તો 61,800નું લેવલ પણ જોવા મળે તો નવાઈ નહીં, એમ બુલિયન એનાલિસ્ટ્સ જણાવે છે.
દિવાળી પહેલાં સોનામાં તેજી
ભારતની વાત કરીએ તો, HDFC સિક્યૉરિટીઝના જણાવ્યા પ્રમાણે, દિલ્હીના બુલિયન બજારમાં 18 ઓક્ટોબરે સોનાનો ભાવ 500 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 60,650 રૂપિયાએ પહોંચી ગયો હતો. વૈશ્વિક સ્તરે મજબૂત સંકેતને પગલે સ્થાનિક બજારમાં પણ સોનું વધી રહ્યું છે. ચાંદીના ભાવ પણ 1,000 રૂપિયા વધીને પ્રતિ કિલો 74,700 રૂપિયા થયા છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહે સોનાનો ભાવ 57,000 રૂપિયાની નીચે પહોંચી ગયો હતો, પરંતુ 6 ઓક્ટોબરથી ઈઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયું અને સોનાના ભાવ સતત વધવા લાગ્યા. ભારતમાં 24 કેરેટ 99.9 પ્યૉરિટી ધરાવતા સોનાનો ભાવ 60,000 રૂપિયાને પાર થઈ ગયો છે. જો સોનું 60,300નું લેવલ પાર કરશે તો વધીને 61,800 રૂપિયા સુધી પહોંચી શકે છે.
ઘરાકી ઘટવાની બીક
છેલ્લાં એક વર્ષમાં સોનું લગભગ 19 ટકા વધ્યું છે. 2022ના ઓક્ટોબરમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50,000 રૂપિયાની અંદર હતો, પરંતુ અત્યારે 60,000 રૂપિયાને પાર છે. ઝવેરી બજારોમાં ખરીદી વધવાની આશા પર પાણી ફરી વળવાની બીક છે. સપ્ટેમ્બરમાં સોનું સસ્તું થયું હોવાથી સોના-ચાંદીના વેપારીઓને અને જ્વેલર્સને અપેક્ષા હતી કે, નવરાત્રિ અને દિવાળીમાં સારો વેપાર થશે, પરંતુ જે રીતે ભાવ છેલ્લાં 10 દિવસમાં વધ્યા છે તેને જોતાં ઘરાકી પર અસર પડવાની બીક ઊભી થઈ છે. લોકો હવે સોનામાં રોકાણ માટે અન્ય વિકલ્પો પણ પસંદ કરી રહ્યાં છે, જેમાં ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ ETF અને ડિજિટલ ગોલ્ડનો સમાવેશ થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો