Money9 Gujarati:
વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત 27 નવેમ્બરે છ મહિનાની ટોચ પર પહોંચી ગઈ હતી. ફેડરલ રિઝર્વની આગામી બેઠકમાં વ્યાજ દર વધારો ન થવાની અપેક્ષાને પગલે વૈશ્વિક સ્તરે ગોલ્ડનો ભાવ 2,000 ડૉલર પ્રતિ ઔંશ પર જળવાઈ રહ્યો છે.
વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત વધવાથી ભારતમાં પણ સોનાના ભાવ એક મહિનાની ટોચે પહોંચ્યા છે. Comex (કોમોડિટી એક્સચેન્જ) પર ડિસેમ્બર વાયદો 0.5 ટકા વધ્યો છે. કૉમેક્સ પર સોનાનો ભાવ 2,015 ડૉલર પ્રતિ ઔંશની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ટ્રા-ડે દરમિયાન સોનાની કિંમતમાં 2,018.9 ડૉલર પ્રતિ ઔંશની ઊંચાઈને સ્પર્શી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓક્ટોબરમાં સોનાની કિંમત પ્રતિ ઔંશ 2,019 ડૉલરની ટોચે પહોંચી હતી.
હાજર બજારમાં ગોલ્ડનો ભાવ 0.4 ટકા વધીને પ્રતિ ઔંશ 2,009.65 ડૉલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન ગોલ્ડની કિંમત છેક 16 મે, 2023 પછીની ઊંચી સપાટીએ પહોંચી હતી. US ગોલ્ડ ફ્યુચર્સ પણ 0.4 ટકા વધીને 2,010.30 ડૉલરના સ્તરે પહોંચ્યો હતો.
અમેરિકન ડૉલર ઈન્ડેક્સ 3 મહિનાની નીચી સપાટીએ પહોચ્યો હોવાથી અન્ય ચલણમાં હોલ્ડિંગ હોય તેમના માટે ગોલ્ડ ઓછું ખર્ચાળ બન્યું હોવાથી ગોલ્ડની કિંમતમાં તેજી જળવાઈ છે. ડૉલર ઈન્ડેક્સ 103.16ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ડૉલર નબળો પડવાથી કોમોડિટી માર્કેટમાં મોટા ભાગની કોમોડિટીઝની કિંમતને ટેકો મળ્યો છે.
સોનું વૈશ્વિક સ્તરે 1,800થી 2,200ની રેન્જમાં જ્યારે ભારતમાં 58,000થી 64,000ની રેન્જમાં રહે તેવી શક્યતા છે.
રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ગોલ્ડના ભાવમાં તેજી જામી છે. દુનિયાભરના દેશો હેજિંગ માટે ગોલ્ડની ખરીદી કરી રહ્યાં છે. મધ્યસ્થ બેન્કો સોનાની ખરીદી કરી રહી છે. ભારતમાં તહેવારો અને લગ્નની સીઝનને કારણે સોનાની આયાત વધી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો