Money9 Gujarati:
UPI પેમેન્ટ પર હવે ચાર્જ ચૂકવવો પડે તેવી શક્યતા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)ના પ્રમુખ દિલીપ અસ્બે જણાવે છે કે, આગામી કેટલાક વર્ષોમાં UPI પેમેન્ટ કરવા માટે વધારે ફી ચૂકવવી પડશે. જોકે, આ ફી માત્ર મોટા વેપારીઓએ ચૂકવવી પડશે. તેમણે કહ્યું છે કે, આગામી વર્ષોમાં મોટા વેપારીઓ પાસેથી UPI પેમેન્ટ પર ફી વૂસલવામાં આવશે પરંતુ નાના પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે. NPCIના MD And CEO દિલીપ અસ્બેએ બૉમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટીના કાર્યક્રમમાં આ જાણકારી આપી છે. જોકે, તેમણે સ્પષ્ટતા નથી કરી કે, NPCI કેટલી ફી વસૂલવા માંગે છે.
NPCIના પ્રમુખે જણાવ્યું છે કે, મોટા વેપારીઓએ આગામી ત્રણ વર્ષમાં UPI આધારિત ચૂકવણી માટે યોગ્ય ચાર્જ ચૂકવવો પડી શકે છે. અત્યારે અમારું ધ્યાન UPIની સ્વીકાર્યતા વધારવા પર છે. UPIનો વ્યાપ વધારવા માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવશે. વધુ 50 કરોડ લોકોને UPI સાથે જોડવામાં આવશે અને તેના માટે કેશબેક જેવા પ્રોત્સાહન આપવામાં આવશે.
અસ્બેના જણાવ્યા પ્રમાણે, લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને UPI પેમેન્ટ પર યોગ્ય ચાર્જ લાગુ કરવામાં આવશે. જોકે, આ ચાર્જ મોટા વેપારીઓ પાસેથી વસૂલવામાં આવશે. મને ખબર નથી કે, આ નિયમ ક્યારથી લાગુ થશે. કદાચ આગામી એક વર્ષ, બે વર્ષ કે પછી ત્રણ વર્ષ બાદ ચાર્જ લાગુ થઈ શકે છે.
UPI પેમેન્ટ પર ચાર્જ વસૂલવાનો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, RBIના ચર્ચા પત્રમાં નોંધવામાં આવ્યું છે કે, 800 રૂપિયાના એક UPI પેમેન્ટને પૂરું કરવા માટે અલગ-અલગ હિતધારકે સંયુક્ત રૂપે 2 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ સરકાર ભોગવે છે. UPI પેમેન્ટને ફ્રી ઑફ કૉસ્ટ રાખવા માટે સરકાર સબસિડી પેટે 1,300 કરોડ રૂપિયા આપે છે, પરંતુ ખર્ચ 0.1 ટકા પણ નથી. આથી, UPI સર્વિસને વધારે અસરકારક બનાવવા માટે અલગ-અલગ લેવલે ચાર્જ વસૂલવાની દલીલ થઈ રહી છે. ચાલુ વર્ષે NPCIએ UPI માધ્યમથી PPI આધારિત વ્યાપારિક લેવડદેવડ પર ઈન્ટરનેટ ચાર્જ પણ લગાવ્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો